Western Times News

Gujarati News

પેટલાદ પાલિકા દ્વારા દબાણકારોને દુકાનોની લ્હાણી: વીજ મીટર સિવાય લોકાર્પણ

હજી તો આકારણી પણ થઈ નથી

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે જકાતનાકા થી રેલ્વે ફાટક તરફના કાચા કેબીનો ગત સમયમાં તોડી પાડ્‌યા હતા. આ દબાણો દુર કર્યા બાદ કેબીનધારકોને તે જ જગ્યાએ દસેક ફુટ પાછળ દુકાનો બનાવી લેવા તત્કાલિન ચીફ ઓફિસરે સંમતિ આપી હતી. જેથી આ સ્થળે લગભગ ૩૨ જેટલી દુકાનો બનાવવામાં આવી હતી.

જે દુકાનો દબાણકારોને આપવા ગતરોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આ દુકાનોની પાલિકા દ્વારા હજી તો આકારણી થઈ નથી. એટલે ભાડું પણ નક્કી નથી થયું. ઉપરાંત આકારણી ના હોય એટલે વીજ મીટર મળવું પણ અશક્ય છે. છતાં વીજ મીટર સિવાય જ આ દુકાનોનું લોકાર્પણ કરી દબાણકારોને દુકાનોની લ્હાણી કરી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

મળતી માહિતી મુજબ પેટલાદમાં એમજીવીસીએલ પાસે રાજ્ય ધોરી માર્ગ ઉપર ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. જેથી જીલ્લા વહીવટી તંત્રે આ રસ્તાને જીઆઈડીસી થઈ રેલ્વે ફાટક પાસેથી ડાયવર્ઝન આપ્યું છે. પરંતુ રેલ્વે ફાટક અને બસ? સ્ટેશન પાસે પણ બીજા ઓવરબ્રીજનું કામ ચાલુ છે.

જેથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી. જેને કારણે પેટલાદ પાલિકાના તત્કાલિન ઈ.ચા. ચીફ ઓફિસર હિરલ ઠાકરે ગત તા.૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સરદાર ચોકથી બસ સ્ટેશન સુધીના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન રેલ્વે સ્ટેશન પાસે આવેલ જકાતનાકા સહિત ૨૫ જેટલા કાચા કેબીનો ઉપર પણ બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ?ં.

આ કામગીરીને કારણે દબાણો કરેલ કેબીનધારકોએ અન્ય જગ્યાની માંગણી કરી હતી. જેથી પાલિકાના તત્કાલિન સીઓએ આ જ દબાણ કરેલ કેબીનો થી દસેક ફુટ પાછળ ખસી જઈ દુકાનો બનાવી લેવા સંમતિ બતાવી હતી. પરંતુ કેબીન ધારકો બાકી ભાડા ભરપાઈ કરશે તો જ પાલિકા કેબીનની જગ્યાએ દુકાન ફાળવવા સંમત થયા હોવાનું જણાવ્યું હતું. જે મુજબ દુકાનોનું બાંધકામ શરૂ થયું હતું.

આ સ્થળે કાચા ૨૫ જેટલા કેબીનોના બદલે એક સરખા ક્ષેત્રફળ વાળી ૩૨ જેટલી દુકાનો તૈયાર કરવામાં આવી છે. ઘણા સમયથી તૈયાર થયેલ આ દુકાનોનો લોકાર્પણ કાર્યક્રમ ગતરોજ યોજાયો હતો. પેટલાદના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, સભ્યો, કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતીમાં દુકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ મળતી માહિતી મુજબ આ દુકાનોની આકારણી પાલિકા દ્વારા હજી થઈ નથી.

જેને કારણે દુકાનનું ભાડું નક્કી નથી થયું. પ્રાપ્ત માહિતી મુજબ કાચા કેબીનો ધારકોના બાકી ભાડા પેટે દરેકે રૂ.૩૫૦૦૦ જેટલી રકમ પાલિકામાં ભરી છે. પરંતુ નવું ભાડું હજી સ્પષ્ટ નથી. આકારણી નહીં થઈ હોવાના કારણે એમજીવીસીએલ દ્વારા લાઈટ માટે મીટર પણ ફાળવવામાં આવ્યા નથી.

છતાં દુકાનોનું લોકાર્પણ કરી દેવાતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે ૨૫ જેટલા કેબીનોના દબાણો દુર કરવામાં આવ્યા તે સમયે આશરે ૨૭ જેટલી દુકાનો બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ ત્યાર બાદ ૩૨ દુકાનો બનતાં વધારાની દુકાનો કોને ક્યા આધારે કોના ઈશારે વહીવટ થયો એ વાત ટોક ઓફ ધ ટાઉન છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.