Western Times News

Gujarati News

અમદાવાદને સૌથી સ્વચ્છ શહેર બનાવવા કન્સલ્ટિંગ કંપની હાયર કરાઈ

અમદાવાદ, અમદાવાદમાં સોલિડ વેસ્ટ કલેક્શનની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે જેના કારણે સ્વચ્છ શહેરોના લિસ્ટમાં અમદાવાદ પાછળ રહી ગયું છે.

હવે અમદાવાદને પણ ચમકાવવા માટે એક કન્સલ્ટિંગ ફર્મને હાયર કરવામાં આવી છે જે શહેરને સૌથી સ્વચ્છ કેવી રીતે બનાવવું તેની સલાહ આપશે. અમદાવાદની વસતી વધતી જાય છે તેમ તેમ કચરાનો ઢગલો પણ મોટો થતો જાય છે. દર વર્ષે વેસ્ટ કલેક્શન માટે ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. છતાં સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ ટેન શહેરોમાં અમદાવાદનો સમાવેશ થતો નથી.

હવે એક કન્સલ્ટિંગ કંપની શહેરને મદદ કરશે જેથી ૨૦૨૬ સુધીમાં અમદાવાદમાં સ્વચ્છતાની સ્થિતિ સુધરશે તેમ લાગે છે. એમએમસીની કન્સલ્ટિંગ કમિટીએ એક પ્રાઈવેટ ફર્મ ‘બ્રાયન અબોવ ઈન્ફોસોલ’ને ત્રણ વર્ષનો કોન્ટાક્ટ આપ્યો છે. આ માટે કુલ ૩.૭૫ કરોડની ફી ચૂકવાશે.

એટલે કે એક વર્ષની ફી રૂ. ૧.૨૫ કરોડ નક્કી થઈ છે. જોકે, વર્ષ ૨૦૨૬ સુધીમાં અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર ન બની શકે તો આ ફર્મને કોઈ પેનલ્ટી કરવાની કે તેની ફીમાં કટ કરવાની કોઈ જોગવાઈ નથી. આ કોન્ટ્રાક્ટ હેઠળ કન્સલ્ટિંગ કંપની વર્ષ ૨૦૨૬ના સ્વચ્છ સર્વેક્ષણ સુધી ૪ રિસોર્સ પર્સન આપશે.

તેના દ્વારા અમદાવાદ દરેક માપદંડમાં પાર ઉતરે તેવા પગલાં લેવાશે. આમ તો અમદાવાદ સૌથી સ્વચ્છ બને તે જોવાની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની છે. તાજેતરમાં વર્ષ ૨૦૨૩ના સ્વચ્છતા સર્વેક્ષણના આંકડા આવ્યા તેમાં સુરત અને ઈન્દોર પ્રથમ સ્થાન પર હતા જ્યારે અમદાવાદ છેક ૧૫મા ક્રમ પર હતું. આ સર્વેક્ષણમાં એક લાખથી વધુ વસતી ધરાવતા ૪૪૭૭ શહેરોએ ભાગ લીધો હતો.

વર્ષ ૨૦૨૨ના સર્વેક્ષણમાં અમદાવાદ ૧૮મા ક્રમે હતું. અમદાવાદને ખુલ્લામાં શૌચથી મુક્ત શહેરનું પણ સર્ટિફિકેટ મળ્યું છે. સ્વચ્છતામાં અમદાવાદને આગળ લાવવા માટે ડેવલપમેન્ટ માટે પણ ત્રણ કન્સલ્ટન્ટને હાયર કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે વર્ષ ૨૦૪૧ સુધીના ડેવલપમેન્ટની યોજના તૈયાર કરવામાં આવશે.

૨૦૩૬માં અમદાવાદ ઓલિમ્પિક્સ માટે બિડ કરવાનું હોવાથી આગામી દાયકાને ધ્યાનમાં રાખીને શહેરનો વિકાસ કરવામાં આવશે. તેના માટે ઔડા એન્કર એજન્સી રહેશે અને બીજી એજન્સીઓ છ મહિનામાં ડેવલપમેન્ટ પ્લાન વિકસાવશે. ગુજરાત સરકારે એચસીપી, યુકે સ્થિત કંપની અરુપ ઈન્ડિયા પ્રા. લિમિટેડ અને ડેન્માર્ક સ્થિત ગેહલ આર્કિટેક્ટ્‌સને કન્સલ્ટન્ટ તરીકે સિલેટ્‌ કરી છે.

તેઓ શહેરમાં ભવિષ્યની જરૂરિયાતોને લઈને ટ્રાન્સપોર્ટેશન, એનર્જી, પર્યાવરણ, ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બ્લૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાદેશિક અને લોકલ ઈકોનોમી, બ્યુટિફિકેશન, ફિજિકલ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તેઓ સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ માટે એક્શન પ્લાન પણ તૈયાર કરશે. અમદાવાદને વોટર સરપ્લસ સિટી પણ જાહેર કરવામાં આવ્યું છે.

એએમસીએ ફાઈવ સ્ટાર સર્ટિફિકેશન માટે અરજી કરી હતી પરંતુ શહેરને માત્ર ૩ સ્ટાર મળ્યા હતા. ડેઈલી વેસ્ટના પ્રોસેસિંગ અને બાયોમાઈનિંગમાં અમદાવાદ પાછળ રહી ગયું હોવાથી સ્વચ્છતા રેટિંગને અસર થઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.