Western Times News

Gujarati News

ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પરના હુમલાના ઘેરા પ્રત્યાઘાત

કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં નમાઝ પઢતા હતા તે દરમિયાન ૨૦થી ૨૫ લોકો આવ્યા અને વાંધો ઉઠાવીને ઝઘડો કર્યો હતો

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે રાતે તોફાનીઓના ટોળાએ હુમલો કરીને નમાઝ પઢતા વિદેશી સ્ટુડન્ટ્‌સને પરેશાન કર્યા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાતમાં યુનિવર્સિટીના કેમ્પસમાં મારામારીની ઘટના બની તેના રાષ્ટ્રીય સ્તરે રિએક્શન આવ્યા છે તેથી ગુજરાત સરકાર આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે અને તોફાનીઓને પકડવા માટે પોલીસની નવ ટીમની રચના કરી છે.

પોલીસ કમિશ્નર જી. એસ. મલિકે પત્રકારોને જણાવ્યું કે ગઈકાલે રાત્રે ૧૦.૩૦ની આસપાસ રમઝાન મહિનાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હતા. તે દરમિયાન ૨૦થી ૨૫ લોકો આવ્યા હતા અને અહીં નમાઝ કેમ પઢો છો, તમારે મસ્જિદમાં નમાઝ પઢવી જોઈએ એમ કહીને ઝઘડો કર્યો હતો. ત્યાર પછી ઝપાઝપી થઈ હતી અને અહીંના હોસ્ટેલના રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે આ મામલાની અમે ગંભીર નોંધ લીધી છે. આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે આરોપીઓને પકડવા માટે પાંચ ડીસીપી અને તેના હસ્તકની ટીમો બનાવી છે. ચાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ બનાવી છે. આમ કુલ ૯ ટીમ કામ કરશે. એક આરોપોની ઓળખ થઈ ગઈ છે. આ સાથે ટૂંક સમયમાં અમે તમામની ધરપકડ કરી લઈશું. આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કડક કાર્યવાહી થશે.

ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા હોબાળાના કારણે તરત જ ઘટનાની વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી. તેના કારણે રાષ્ટ્રીય કક્ષાએ પણ આ ઘટનાની નોંધ લેવાઈ છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

યુનિવર્સિટીના કેમ્પસમાં વિદેશી સ્ટુડન્ટ્‌સ પર હુમલા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં હર્ષ સંઘવી ઉપરાંત ડીજીપી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશ્નર જી. એસ. મલિક, ક્રાઈમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગુજર, ડીસીપી સાઈબર ક્રાઈમ બ્રાન્ચ અજિત રજિયન પણ હાજર રહ્યા હતા.

શરુઆતમાં મળેલી વિગત પ્રમાણે જય શ્રી રામના નારા લગાવતા કેટલાક લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલમાં અચાનક ઘૂસી આવ્યું હતું અને અફઘાન વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પથ્થરમારો પણ થયો છે. પોલીસનું કહેવું છે કે રાતે ૧૦.૫૧ વાગ્યે કન્ટ્રોલ રૂમ પર ફોન આવ્યો હતો અને માત્ર પાંચ-છ મિનિટમાં પીસીઆર વેન ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ કરનારા ૩ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. તેમજ ૨૫ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં ૭ની ઓળખ થઈ છે. સમગ્ર ઘટનાને લઈને વિદેશ મંત્રાલયે પણ ગંભીર નોંધ લઈ કડક કાર્યવાહીના નિર્દેશ કર્યાં હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.