Western Times News

Gujarati News

થર્ટી ફર્સ્ટ પૂર્વે ગુજરાતમાં વિદેશી દારૂના ભાવ આસમાને

Files Photo

શહેરમાં અવનવી તરકીબો અજમાવી દારૂ ઘૂસાડતા બુટલેગરો સામે પોલીસતંત્ર
સજ્જઃ ફાર્મ હાઉસો અને ક્લબો પર પોલીસની બાજ નજર

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત રાજયમાં દારૂબંધી હોવા છતાં દેશી વિદેશી દારૂની રેલમછેલ થતી જાવા મળે છે. પાડોશી રાજયના મુખ્યમંત્રીએ પણ આ અંગે ટીપ્પણી કર્યા બાદ રાજય સરકાર વધુ હરકતમાં આવી હતી અને દારૂબંધીનો કડક રીતે અમલ કરવા પોલીસ તંત્રને આદેશ આપવામાં આવ્યો હતો જેના પગલે લગભગ આઠથી દસ મહીનાથી સ્થાનિક પોલીસ ઉપરાંત વિવિધ અજન્સીઓ દેશી દારૂના અડ્ડા તથા પંજાબ, હરીયાણા, રાજસ્થાન તથા અન્ય રાજયોમાંથી ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતા દારૂની ટ્રકો ઉપર વોચ રાખીને બેઠા છે.

એક તરફ પોલીસે દારૂના ધંધા ઉપર સકંજા કસ્યો છે ત્યારે ગણતરીના દિવસોમાં જ થર્ટી ફર્સ્ટ હોવાથી દારૂના રસિયાઓમાં જબરદસ્ત માંગ ઉઠી છે. જેના પગલે બુટલેગરો યેનકેન પ્રકારે રાજયની અનેક સરહદોથી દારૂનો જથ્થો અંદર ઘૂસાડવાની પેરવી કરી રહયાં છે. જયારે ક્રાઈમ બ્રાંચ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ સહીતની અન્ય એજન્સીઓ પણ નવા વર્ષના આગમનને નશીલા દ્રવ્યોથી વધાવવા મથતા નશાખોરો અને નશીલા દ્રવ્યોનો ગેરકાયદે વેપાર કરતાં શખ્સો ઉપર ચાંપતી નજર રાખી રહી છે.


ગુજરાતનું આર્થિક પાટનગર હોવાને કારણે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીમાં વિદેશી દારૂની સૌથી વધુ ખપત અમદાવાદમાં થાય છે. ખાસ કરીને વર્લ્ડ કલાસ ધોરણની સવલતો અને વર્લ્ડ હેરીટેજ સીટીનું બિરુદ પામ્યા બાદ શહેરમાં વિદેશી સહેલાણીઓની સંખ્યા વધી ગઈ છે જેના પગલે ગેરકાયદેસર હોવા છતાં દારૂની માંગમાં જબ્બર ઉછાળો આવ્યો છે. પરંતુ પોલીસની ઘોંસ વધતા ઈંગ્લીશ દારૂની દરેક બ્રાન્ડમાં લગભગ બમણી કિંમતનો વધારો નોંધાયો છે.

આ તમામ સ્થિતિ અને શક્યતાઓ ધ્યાનમાં રાખીને ગુજરાતની સરહદોને સીલ કરવામાં આવી છે અને રાજયમાં પ્રવેશતી કારથી લઈ ટ્રક સુધીના વાહનોને તપાસવામાં આવી રહયાં છે. ઉપરાંત શહેરભરમાં પોલીસે ઠેર ઠેર પોઈન્ટ પણ ગોઠવી દિધા છે. ખાસ કરીને મોડી રાત્રે આવતી- જતી ગાડીઓ પોલીસ દ્વારા વધુ ચેકિંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત બુટલેગરો અને દારૂના ખેપિયાઓ ઉપર પણ એજન્સીઓની નજર છે.

ગત કેટલાંક મહીનાઓમાં કડક કાર્યવાહીના પગલે લાખો રૂપિયાનો દારૂ પકડાઈ જવા છતાં શોખીનોની માંગને પહોંચી વળવા માટે બુટલેગરો વધુ રીસ્ક લઈ રહયા છે. એક તરફ પોલીસ પેટ્રોલિંગ તથા નજર રાખી રહી છે જયારે સુત્રોના જણાવ્યા અનુસાર થર્ટી ફર્સ્ટના બહાને નશાના શોખ પુરા કરવા માટે કેટલાય ફાર્મ હાઉસોનું બુકીંગ થઈ ચુકયું છે. ઉપરાંત દર વર્ષે પરીસ્થિતિથી  અવગત લોકોએ અગાઉથી જ પોતાનો બંદોબસ્ત કરી લીધો છે જયારે બુટલેગરોએ પણ પાંચ દિવસમાં નફો રળી લેવા માટે કરોડો રૂપિયાનો દારૂ પહેલેથી જ શહેરમાં ઘૂસાડી દિધો હોવાનું સુત્રો જણાવી રહયા છે.

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂની શોખીન પ્રજાને કારણે ઉપરાંત વિદેશથી આવેલા મહેમાનોને સાચવવા માટે પણ બોટલના સેટીંગ પાડવામાં આવી રહયા છે. આ પરીસ્થિતિમાં  એક બાજુ પોલીસ સર્તક નજરે પડી રહી છે જયારે નશાના શોખીનો પોતાના તરફથી બધી જ તૈયારી કરી ચૂકયા હોવાનું જાણવા મળી રહયું છે.

વર્ષના અંતે ક્રિસમસના તહેવાર દરમિયાન દારૂનું ચલણ સામાન્ય દિવસો કરતાં ખૂબ જ વધી જતું હોય છે આ સ્થિતિ એક તરફ લિકરશોપના માલિકો અને પરમિટ ધારકો ખુશ હતા એ જ વખતે નશાબંધી તથા આબકારી વિભાગે એક પરીપત્ર જાહેર કર્યો હતો જેમાં રાજયના જીલ્લા- તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી અને તેમના પરીણામોની તારીખ ધ્યાનમાં રાખીને ર૭ થી ર૯ ડિસેમ્બરે ચૂંટણી દરમિયાન ઉપરાંત પુનઃ મતદાનના સંજાગોમાં ૩૦મીએ અને મત ગણતરીના દિવસે એટલે કે ૩૧મી ડિસેમ્બરે પણ લિકરશોપ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

આદેશને પગલે જ લિકરશોપના માલિકો અને પરમિટ ધારકોમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે અને તેમના આયોજનો પણ પડી ભાંગ્યા છે. બીજી તરફ સરકારના આ નિર્ણયથી ગેરકાયદે વિદેશી દારૂનું વેચાણ કરતા ગુનેગારો ખુશ થઈગયા છે. કેટલાક નાગરીકોનું માનવું છે કે આ તારીખોમાં લિકર શોપ બંધ રખાવીને સરકાર ઉપરથી ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરતા તત્વોને પ્રોત્સાહન આપી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.