Western Times News

Gujarati News

એડિ. સેશન્સ જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં ઝપાઝપીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

બાર અને બેચ વચ્ચે સોહાર્દભર્યા સંબંધ જાળવવા હાઈકોર્ટે ફરિયાદ સામે વચગાળાની રાહત આપી

અમદાવાદ, કથિત રીતે હાલોલ ખાતેના એડિશનલ ડિસ્ટ્રિકટ જજ એચ.બી. ત્રિવેદી અને એડવોકેટ જીજ્ઞેશ જોશી અને એડવોકેટ પરવેઝ શેખ વચ્ચે થયેલી ઝપાઝપીનો વિચિત્ર અને ચોંકાવનારો મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જજનો આક્ષેપ છે કે એડવોકેટે તેમની કોર્ટરૂમમાં ગેરકાયદેસર રીતે એકબીજાની મદદગારીથી મોબાઈલ કેમેરા અને પેન કેમેરાથી કોર્ટની કાર્યવાહીનો વીડીયો રેકોર્ડ કરી ન્યાયિક કાર્યમાં બાધા ઉભી કરી હતી

તેથી બંને એડવોકેટ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જયારે કે બંને એડવોકેટનો આક્ષેપ છે કે એડિ. સેશન્સ જજે એક કેસમાં તેમની વિરૂદ્ધ કરેલી ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિની ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી હોવાની બાબતનો દ્વેષ રાખી જજે તેમની સાથે કોર્ટ રૂમમાં બારણું બંધ કરીને ઝપાઝપી કરી હતી. બંને પક્ષો તરફથી થયેલા ચોંકાવનારા આક્ષેપોને ધ્યાનમાં રાખતા હાઈકોર્ટે બાર અને બેંચ વચ્ચે સૌહાર્દભર્યા સંબંધો જળવાઈ રહે તે જરૂરી હોવાનું નોંધી અરજદાર એડવોકેટસને વચગાળાની રાહત આપી છે.

આ સમગ્ર મામલે એડવોકેટ જીજ્ઞેશ જોષી અને એડવોકેટ પરવેઝ શેખે એડવોકેટ આફતાબ હુસેન અંસારી મારફતે હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન કરી છે તેમની વિરુદ્ધમાં એડિશનલ સેશન્સ કોર્ટના એડિ. જજ એચ.બી. ત્રિવેદીના રજિસ્ટ્રાર તરીકે સેવા આપતા શૈલેષકુમાર રાણાએ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ રદ કરવા માટે બંને એડવોકેટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

આ ફરિયાદમાં એવી હકીકત લખવામાં આવી હતી કે જજ સાહેબની કોર્ટની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન બંને આરોપી એડવોકેટે એક કેસમાં હાજર થવા માગે છે તેમ કહી વકીલાતનામું રજુ કર્યું હતું તેઓની હિલચાલ જોતાં અન્ય હાજર તમામ લોકો, જજ અને કલાર્ક વગેરેને એવું લાગ્યું હતું કે બંને એડવોકેટ વીડિયો રેકો‹ડગ કરી રહ્યા છે

ત્યારે તેમને કોર્ટ રૂમ નહીં છોડવા સૂચના અપાઈ હતી અને હાલોલ રૂરલ પો.સ્ટે.ને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ પટાવાળાની મદદથી તેમને પકડવાની કોશીશ કરી હતી અને આ સમયે ઝપાઝપી થઈ હતી અને બંને એડવોકેટ ભાગી ગયા હતા તેથી ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જોકે અરજદાર એડવોકેટસ તરફથી એવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, જજ સાહેબ દ્વારા એક નકલી નોટોના કેસમાં આરોપીને ડિસ્ચાર્જ કરવા માટે રૂપિયા લીધા હતા અને તેની ફરિયાદ ડિસ્ટ્રિકટ જજ સહિતની તમામ ઓથોરિટી સમક્ષ કરવામાં આવી હતી જે બાબતની દાઝ રાખી જયારે બંને એડવોકેટસ વિવાદીત જજની કોર્ટમાં એક અન્ય કેસમાં આવ્યા હતા, ત્યારે જજે ખુદ ડાયસ પરથી નીચે ઉતરી પટાવાળને કહી રૂમ બંધ કરાવી તેમની સાથે મારામારી કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.