Western Times News

Gujarati News

“માયા સંસારના બંધનમાંથી છૂટવા માટે સત્સંગ છે”

મોડાસાના રખિયાલ ગામે પૂ.રામજીબાપાના સત્સંગમાં મહેરામણ ઉમટી પડ્‌યો

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના રખિયાલ ગામે રવિવારે પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી) નો સત્સંગ મેળાવડો યોજાયો હતો.
જેમાં અન્ય સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહી આત્મજ્ઞાનની અમૃત વર્ષા વરસાવી હતી.

પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી)એ શ્રીમદ રાજચંદ્રજી, શ્રીમદ રામજીબાપા, શ્રીમદ નાથુબાપા તથા શ્રીમદ્દ જેસીગબાપા ના અમૃત વચનોનું પાન કરાવતા પધારેલ સર્વ મુમુક્ષુઓને આત્માને પરમાત્મા મય કરવા માટે અમૃત વર્ષા વરસાવતા જણાવ્યું કે આ જે સત્સંગનું આયોજન કર્યું છે. એમને આપણે કંઈ આપવાના નથી.

આ ગામ અને ઘર એ તો વ્યવહાર ધર્મ છે. સત્સંગ એ આત્માનો ધર્મ છે. આપણે અહીંયા આવ્યા છીએ એ આત્માને ઉજળો રાખવા માટે આવ્યા છીએ. માયા સંસારના બંધનમાંથી છૂટવા માટે સત્સંગ છે.

જે જીવ ભગવાનમાં ભળી જાય એ સત્સંગ કર્યો કહેવાય. સત્સંગ એટલે જીવ આત્મા થઈ પરમાત્મા ને ભજે. એ જીવ પરમાત્મા ભેગો થઈ જાય. સત્સંગમાં આવીને પણ જો વાતો કરીએ ને હલારા કુટીએ તો દેવું લઈને ઘરે જઈએ. આપણે જુના દેવા વાળવા માટે આવ્યા છીએ, નવા દેવા બાંધવા માટે નથી આવ્યા. વાણી પરમાત્મા ના ગુણ ગાવા, સમરણ કરવા માટે આપી છે. માયા સંસારના બંધનમાંથી છૂટવા માટે સત્સંગ છે.

ઘરડી ગાય હોય, ઘરડો બળદ હોય,ઢોર હોય, ઘરડા માનવી હોય, નિરાધાર જીવ હોય એમની સેવા કરો, એમના આશીર્વાદ લેતા શીખો. ઘરડા મા – બાપ હોય એમનું કોણ હોય? એમના ભગવાન હોય. એમની સેવા કરી એ ભગવાનની સેવા કરેલી કહેવાય. ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ દીકરીઓને પારકા ઘરે જઈને સેવા જ કરવાની હોય. આગણે આવે એને પ્યાલુ પાણી, ભૂખ્યાને રોટલો ભગવાન ભાવે આપવાનો હોય. પારકા ઘરે જઈને પાછા આ ભવસાગરમાં ના ભટકવુ હોય એના માટે સત્સંગ છે.

શરીર તો આપણે કેટલાય બદલ્યા પણ આત્મા માટે કઈ કર્યું નથી. આપણે બધા આત્માઓ છીએ, પરમાત્મા ના લોક માથી આવ્યા છીએ. સત્સંગમાં આવીને આપણું ચિત પરમાત્મામય થવું જોઈએ. જો સત્સંગમાં આવીને પણ લોચા, હલાળા કુટે તો પાછો સંસાર ઊભો થાય છે સત્સંગ એટલે સત નો સંગ. પરમાત્માએ જે કંઈ આપ્યું છે એને સમતા ભાવે ભોગવવાનું છે.

એના ધણી ના થવાય ,ધણી તો પરમાત્મા છે અને પરમાત્મા ને અર્પણ કરવાનું છે, ચિત આત્મામાં રાખો. ‘ચીત ચેતન સે લાયો ગુરૂ સા શરણે આપની આયો’ ચિત પરમાત્મામાં રાખીને ભક્તિ કરશો તો સહેલામાં સહેલી ભક્તિ છે અને જો શરીરને આગળ રાખીને ભક્તિ કરશો તો ભારે માં ભારે લાગશે. ભક્તિનું અભિમાન નીચે લઈ જાય. ભક્તિ એટલે પ્રભુ ભજીને ભવપાર ઉતરવાનું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.