Western Times News

Gujarati News

વિસરાઈ રહી છે ગાયને રોટલી ખવડાવવાની પરંપરા

નવસારી, હિંદુ સનાતન ધર્મમાં ગાયને પૂંજનીય ગણવામાં આવે છે. ગાયને ઘાસચારો ખવડાવવાથી ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આમ ગાયની સેવાથી અખંડ પુણ્યની પણ પ્રાÂપ્ત થાય છે. પ્રાચીનકાળથી ગાયને રોટલી ખવડાવવાની પણ પરંપરા ચાલતી આવી છે.

દરેક ગૃહિણી રોટલી બનાવતી વખતે એક રોટલી ગાય માટે અલગથી રાખે છે. પરંતુ આ પરંપરાને આજની યુવાપેઢી ભૂલી રહી છે. જે અંગે જાગૃતિ લાવવા માટે નવસારીની એક યુવતી કાર્ય કરી રહી છે. ગાયમાતાને રોટલી આપવાની પરંપરા વિસરાઈ રહી છે. આ પરંપરાને જીવંત રાખવા માટે નવસારીની પ્રિતિ શાહ નામની યુવતીએ ‘પહેલી રોટી ગાય કી’ અભિયાન શરૂ કર્યું છે.

પ્રિતિના આ અભિયાનને સમગ્ર નવસારી જિલ્લા સહિત આજુબાજુના તમામ જિલ્લાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રિતિબેનના આ અભિયાનને આગળ ધપાવવા માટે ૬૦ થી ૭૦ કાર્યકર્તાઓની ટીમે કરી રહી છે. પ્રિતિબેનની ટીમ અઠવાડિયામાં એક દિવસ જિલ્લાની તમામ શાળાઓમાં જઈને રોટલી લઈ આવે છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાના લંચબોક્સમાં એક રોટલી ગાયમાતા માટે લઈ આવે છે.

આ રીતે ભેગી થતી રોટલીઓને નવસારી શહેરમાં રખડતી અથવા પાંજરાપોળમાં રહેલી ગાયોને ખવડાવવામાં આવે છે. નવસારી જિલ્લાની અંદાજિત ૬૦ શાળાઓમાંથી આ પ્રોજેક્ટ હેઠળ રોટલી ઉઘરાવીને ખવડાવવામાં આવે છે.

નવસારી ઉપરાંત વલસાડ, વાપી, સુરત, વ્યારામાં પણ ‘એક રોટી ગાય કી’ અભિયાન ચાલી રહ્યું છે. પ્રિતિબેને જણાવ્યું કે, પહેલાંના સમયમાં જ્યારે રસોઈ બનાવવામાં આવતી ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે અને છેલ્લી રોટલી શ્વાન માટે બનાવવામાં આવતી હતી.

પરંતુ આજે આ પરંપરા વિસરાઈ રહી છે. હું અને મારી ટીમ આ પરંપરાને જીવંત રાખવા માટે ‘પહેલી રોટી ગાય કી’ અભિયાન ચલાવી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આ અભિયાનની શરૂઆત થાય એ માટે મારી ટીમ સતત પ્રયત્ન કરી રહી છે.

અમારી આ પ્રવૃત્તિને તમામ સમાજના આગેવાનો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પૌરાણિક ધર્મ ગ્રંથો પ્રમાણે ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ગાયને અન્ન ખવડાવે છે તો તે દરેક દેવી-દેવતાઓને સમર્પિત થઈ જાય છે.

જેને પામીને દરેક દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. માત્ર ગાયને ખાવાનું ખવડાવવાથી દરેક દેવી-દેવતાઓની પૂજા અર્ચના થઈ જાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ગાયને પહેલી રોટલી ખવડાવવાની પરંપરા સૃષ્ટિના આરંભથી જ ચાલતી આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.