Western Times News

Gujarati News

બુટલેગરો માટે સિલ્કરૂટ ગણાતી રતનપુર સહીત તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ

અરવલ્લી:ગુજરાતમાં અસામાજિક પ્રવૃતિઓ માટે પંકાયેલી અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ, ચરસ,ગાંજો ઘુસાડવા માટે બુટલેગરો અને અસામાજિક તત્ત્વો માટે આશીર્વાદ રૂપ ગણાતી શામળાજી- રતનપુર ચેકપોસ્ટ સહીત સમગ્ર ગુજરાતની આંતરરાજ્ય અને જીલ્લાની આંતરિક ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનો રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 23 ડિસેમ્બરે  રાજ્યનાં તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેકસ મેસેજ કર્યો હતો.


જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવા આદેશ આપ્યો હતો. આ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીને સ્થાનિક કક્ષાની કાયદો અને વ્યવસ્થાને આનુસંગિક ડયુટીમાં તહેનાત કરી દેવા સૂચના આપવામાં આવી હતી.

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની આંતરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ સહીત કેફીન પદાર્થો ની હેરાફેરી થઈ રહી છે શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ , મેઘરજ ઉંડવા ચેકપોસ્ટ, ભાણમેર ચેકપોસ્ટ,ખેડભ્રહ્મા અને વિજયનગર પાસે આવેલી રાણી ચેકપોસ્ટ ઉત્તરભારતના બુટલેગરોમાં  હોટ ફેવરેઇટ હતી તમામ ચેકપોસ્ટ પર અને ચેકપોસ્ટ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કાવડિયા ખર્ચી અને રાજકીય વગનો ઉપયોગ કરી પોસ્ટિંગ મેળવી લાખ્ખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની બૂમો વારંવાર ઉઠતી રહી છે

 રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના આંતરાજ્ય ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય થી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે  કેટલાક પોલીસકર્મીઓ તો એનકેન પ્રકારે ચેકપોસ્ટ પરજ પડ્યા પાથર્યા રહેતા હતા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.