Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનનો પંચવર્ષીય પ્રોગ્રામ : સોલા – ભાડજ રોડ: 5 વર્ષે કામ પૂર્ણ થાય તેવી આશા

2019માં મંજુર થયેલ રોડનું કામ 2024માં પૂર્ણ થાય તેવી શક્યતા 

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસકો અને વહીવટી તંત્ર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે મ્યુનિસિપલ કોર્પોરેશને નાણાકીય 2023-24 ના વર્ષમાં વોર્ડ દીઠ બે વાઈટ ટોપીંગ રોડ બનાવવા જાહેરાત કરી હતી પરંતુ હજુ વોર્ડ દીઠ એક રોડ પણ બની શક્યો નથી.

ચોંકાવનારી બાબત એ છે કે શહેરના સોલા- ભાડજ વિસ્તારમાં તંત્ર દ્વારા 2020 માં રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ એનું કામ ચાર વર્ષ બાદ પણ પૂર્ણ થયું નથી જે અંગે કોંગ્રેસ પક્ષે શાસકો અને વહીવટી તંત્રને આડા હાથે લીધા હતા. મ્યુનિસિપલ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના સોલા ક્રોસ રોડથી ભાડજ સર્કલને જોડતા 4 કિ.મીનો રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન ની નિષ્ક્રિયતા અને બેદરકારીનો ઉત્તમ નમૂનો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી ઘ્વારા ડિસેમ્બર 2019માં આ રોડને મંજૂરી આપવામાં આવ્યા બાદ વર્ષ 2020માં રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યાર બાદ માર્ચ 2021માં રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સોલા સાયન્સ સીટી રોડના શુકન મોલથી જલારામ ચાર રસ્તા સુધીના સેમ્પલ રોડની કામગીરી કરવામાં આવી હતી.સદર રોડની કામગીરી શરૂ થયા બાદ રોડ પ્રોજેક્ટ ખાતાને ખ્યાલ આવ્યો હતો કે, આ રોડની નીચે સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી કરવામાં આવી નથી.

જેથી શુકન મોલથી સાલ હોસ્પિટલ સુધી 3200 મીમી ડાયાની, સપ્તક બંગ્લોઝથી સત્યમેવ એમીયન્સ સુધી જમણી બાજુએ 900 મીમી ડાયાની અને ડાબી બાજુએ 2300 મીમી ડાયાની સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ચોમાસુ આવી જતા રોડ બનાવવાનું કામ બંધ થયું હતું. ચોમાસાની સીઝન બાદ કામ શરૂ થાય

તે પહેલા સોલા સાયન્સ સીટી રોડ ઉપરના સર્કલની ડીઝાઈનમાં ફેરફાર કરવા માટે ટ્રાફીક પોલીસ દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હેતાર્થ પાર્ટી પ્લોટથી સાયન્સ સીટી તરફ જતા રોડમાં હાઇટેન્શન વીજ લાઇન આવતી હોવાથી આ લાઇન કોણ અંડરગ્રાઉન્ડ કરશે અને તેનો ખર્ચ કોણ ઉપાડશે તેનો વિવાદ ચાલ્યો હતો. પછી યુજીવીસીએલ દ્વારા 6 કરોડના ખર્ચે વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી જુલાઇથી સપ્ટેમ્બર 2023 સુધી ચાલી હતી. જેના કારણે રોડનું કામ બંધ રહ્યું હતું. ત્યાર બાદ તેમાં ફરીથી ડીઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વીજ કંપની અને પોલીસ વિભાગ વચ્ચે સંકલન નો સ્પષ્ટ અભાવ હોવાથી  આ રોડનું કામ ચાર વર્ષથી પૂર્ણ થયું નથી જેના કારણે સ્થાનિક રહીશોને હાલાકી થાય છે. મ્યુનિસિપલ કમિશનર અને ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે અંગત રસ લઈ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરે તેમજ વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.