Western Times News

Gujarati News

દિવ્યાંગજનોને મતદાન મથક શોધવામાં અને મત આપવા માટે મદદ કરવા માટે Saksham એપ લોન્ચ કરાઈ

દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન

વોઈસ આસિસ્ટન્સ, ટેક્સ્ટ ટુ સ્પીચ, સુલભતા સુવિધાઓ, ફરિયાદ કરવાની સુવિધા સાથેના ફીચર્સ સાથે હવે Saksham એપ દ્વારા દિવ્યાંગજનો પણ આપશે પોતાનો કીમતી મત એકદમ સરળતાથી

ચૂંટણી પંચ દ્વારા દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો દ્વારા ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અંગે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ‘એવરી વોટ કાઉન્ટ્સ’ના ધ્યેય સૂત્ર સાથે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

ડિજિટલ યુગમાં ટેકનોલોજીની બોલબાલા છે ત્યારે દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સુવિધાઓ આપવા તેમજ મતદારોની સમસ્યાઓનું સમાધાન કરીને મતદાન અંગે જાગૃતિ ફેલાવવા અંગે સતત પ્રયાસરત છે. વોટર હેલ્પલાઇન એપ, CVigil એપ જેવી ઘણી મોબાઈલ એપ્લિકેશનથી મતદારો સુપેરે પરિચિત છે. આવી જ એક અન્ય એપ છે Saksham એપ, જેને દિવ્યાંગજનો માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે.

Saksham એપથી દિવ્યાંગજનો(PwD)ને શું સુવિધાઓ મળે છે ?

  • મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરી શકે છે.
  • મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી કરી શકાય છે.
  • મતદાન મથકો અંગેની માહિતીઃ Saksham એપ્લિકેશન મતદાન મથકોની માહિતી પૂરી પાડે છે, જેમાં મતદાન મથકનું સ્થાન, મતદાન મથક પર ઉપલબ્ધ સુલભતા સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો સામેલ હોય છે.
  • ફરિયાદો : આ એપ દિવ્યાંગજનોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે તેમને પડતી કોઈપણ સમસ્યાઓ વિશે ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપે છે.

કઈ ડિવાઈસમાં Saksham એપ સપોર્ટ કરે છે ?

એન્ડ્રોઇડ અને આઇઓએસ(ios) એમ બંને પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર આ એપ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

Saksham એપનો ઉપયોગ કેવી રીતે કરવો ?

કોઈ પણ ચૂંટણી સેવાઓની વિનંતી કરવા માટે, પ્રથમ વખત ભાગ લઈ રહેલા દિવ્યાંગ મતદારોએ રજિસ્ટ્રેશન કરવા માટે તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઇલ નંબરની વિગતો પ્રદાન કરવી પડશે. જ્યારે નોંધાયેલા મતદારોએ રજિસ્ટ્રેશન માટે તેમના મતદાર ઓળખપત્રમાં ઉપરની બાજુ દર્શાવેલો તેમનો EPIC નંબર આપવો પડશે.

એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ બૂથ-લેવલના અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે તેમના ઘરે જશે. તે પછી, મતદાર ઓળખપત્રો તેમના સરનામાં પર મોકલવામાં આવશે. આ એપ દ્વારા માત્ર પીડબ્લ્યુડીને મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

 Saksham એપના વિવિધ ફીચર્સ

વોઈસ આસિસ્ટન્સ(અવાજ સહાય): આ એપ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગજનો માટે અવાજ સહાય પૂરી પાડે છે.

ટેક્સ્ટટુસ્પીચઃ સાંભળવાની અક્ષમતા ધરાવતા દિવ્યાંગજનો માટે આ એપ્લિકેશન ટેક્સ્ટ-ટુ-સ્પીચ પ્રદાન કરે છે.

સુલભતા સુવિધાઓઃ દિવ્યાંગજનો એપનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે તેમાં મોટા ફોન્ટ્સ અને વિશેષ રંગો જેવી સંખ્યાબંધ સુલભતા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

એપ ક્યાંથી ડાઉનલોડ કરવી

અહીં આપેલી લિંક પરથી અથવા પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.

એન્ડ્રોઇડઃ https://play.google.com/store/apps/details?id=pwd.eci.com.pwdapp

ios: https://apps.apple.com/in/app/saksham-eci/id1497864568

આમ, દિવ્યાંગજનો માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરતી અને એકદમ સરળતાથી ઉપયોગ કરી શકાતી Saksham(સક્ષમ)એપ દિવ્યાંગજનો માટે એક મૂલ્યવાન સાથીની ગરજ સારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.