Western Times News

Gujarati News

રમકડાંની ઘણી કંપનીઓ ચીનથી ભારતમાં શિફ્ટ થઈ રહી છે

દેશમાંથી રમકડાંની નિકાસ આઠ વર્ષમાં ૨૬૯% વધી

નવી દિલ્હી, ભારતીય રમકડાં દુનિયાભરમાં ફેમસ થઈ રહ્યાં છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ વચ્ચે ભારતમાંથી રમકડાંની નિકાસમાં ૨૩૯ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન આયાતમાં ૫૨ ટકાનો ઘટાડો થયો છે. આ સાથે વૈશ્વિક રમકડા બજારમાં ચીનનું વર્ચસ્વ ઘટી રહ્યું છે અને ભારત ચોખ્ખા નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે.

વિશ્વની ઘણી મોટી રમકડા કંપનીઓ હવે ચીનને બદલે ભારતમાંથી રમકડાં ખરીદી રહી છે. માર્કેટ રિસર્ચ ફર્મ આીએમએઆરસીના રિપોર્ટ અનુસાર ભારતના રમકડા ઉદ્યોગનું મૂલ્ય ગયા વર્ષે ૧.૭ બિલિયન ડોલર હતું, જે ૨૦૩૨ સુધીમાં ૪.૪ બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. મોદી સરકારે સ્વદેશી રમકડાંને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેના કારણે ભારત આજે આ ઉદ્યોગમાં પાવરહાઉસ બની રહ્યું છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર દેશમાં રમકડાંના વેચાણ માટે બીઆઈએસની મંજૂરી ફરજિયાત બનાવવા, સ્વદેશી રમકડાંના પ્રમોશન, વિશ્વભરની કંપનીઓની ચાઈના-પ્લસ-વન નીતિ અને મૂળભૂત કસ્ટમ ડ્યૂટી વધારીને ૭૦ ટકા કરવાને કારણે, દેશમાં રમકડાંનું બજાર વધ્યું છે. ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે હાસ્બ્રો, મેટેલ, સ્પિન માસ્ટર અને અર્લી લ‹નગ સેન્ટર જેવી વૈશ્વિક બ્રાન્ડ્‌સ ભારતમાંથી રમકડાં ખરીદી રહી છે.

એ જ રીતે ડ્રીમ પ્લાસ્ટ, માઈક્રોપ્લાસ્ટ અને ઈન્કાસ તેમનું ધ્યાન ચીનથી ભારત તરફ ખસેડી રહ્યા છે. આદેશના અમલ પહેલા ભારતમાં ૮૦ ટકા રમકડાં ચીનમાંથી આવતા હતા, પરંતુ હવે ચીનમાંથી રમકડાંની આયાત નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. ચેન્નાઈ સ્થિત ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની એમઆરએફ પાસે ફનસ્કૂલ નામની ટોય બ્રાન્ડ પણ છે.

કંપનીના સીઈઓ આર જસવંતે કહ્યું હતું કે ચાઈનીઝ રમકડાંને બીઆઈએસ તરફથી માન્યતા મળી નથી. ભારતીય ઉત્પાદનોએ હવે ચીનમાંથી આયાતનું સ્થાન લીધું છે. દસ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કંપની ભારતમાંથી રમકડાં ખરીદતી હતી. પરંતુ હવે ઘણી કંપનીઓએ ભારતમાં પોતાનો બેઝ બનાવી લીધો છે.

હાસ્બ્રો, સ્પિન માસ્ટર, અર્લી લ‹નગ સેન્ટર, ફ્લેર અને ડ્રમન્ડ પાર્ક ગેમ્સ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓને ફનસ્કૂલ સપ્લાય કરે છે. આ કંપનીના ૬૦ ટકા રમકડાની નિકાસ થાય છે. ફનસ્કૂલ ગલ્ફ દેશો, યુરોપ અને અમેરિકા સહિત વિશ્વના ૩૩ દેશોમાં નિકાસ કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.