Western Times News

Gujarati News

સરકારનાં બધાં અધિકારીઓ સંવેદનશીલ અભિગમ રાખે તો પ્રજાનાં ઘણા કામ ખૂબ સરળતાથી થઈ જાય

હર્ષ સંઘવીના અંગત સચિવ આશિષ વાળાનો માનવિય અભિગમ
ગુજરાત સરકારના રમતગમત,યુવા સેવા, વાહનવ્યવહાર જેવા અનેક વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના ગૃહ અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં ગત તા.૨૧મીએ સાંજે ૫ઃ૩૦ વાગ્યે લઘર વઘર કપડા પહેરેલો (મૂળ બંગાળનો)એક અરજદાર આવ્યો.

મંત્રીની અનુપસ્થિતિમાં તે મંત્રીના અંગત સચિવ અને હોદ્દાની રૂએ રાજ્ય સરકારનાં એક તેજસ્વી અને કાર્યદક્ષ સંયુક્ત સચિવ (તથા સચિવાલય કેડરની ૨૦૦૫ની બેચના સીધી ભરતીના સેક્શન અધિકારી) આશિષ વાળાને મળ્યો

અને આજીજી ભર્યા સ્વરે રજૂઆત કરી કે મારી પત્ની મને અને મારી બે વર્ષની બાળકીને છોડીને કોઈ સાથે ભાગી ગઈ છે. મને એ મેળવી આપો!

આશિષ વાળાએ સદરહુ અરજદારની વાત શાંતિથી સાંભળી ને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી અને એ પછી એ અરજદારને પૂછ્યું કે પાછા જવાના પૈસા તો છે ને? તો એ ગરીબ માનવીએ કહ્યું કે છે.

એટલે વાળાએ સ્ટાફને સૂચના આપી કે આ વ્યક્તિને ભરપૂર ચા-નાસ્તો કરાવો અને સાથે થોડો નાસ્તો બાંધી પણ આપો! પેલો અરજદાર તો ગુજરાતનાં આ ઉચ્ચ અધિકારીના અપરિમિત માનવિય અભિગમથી પ્રભાવિત થઈને વાળાને પગે પડવા ગયો.

તો વાળાએ એક સંસ્કારી રાજપુતને શોભે તેવા વિનયપૂર્વકની મક્કમતાથી અરજદારને એમ કરતો અટકાવીને ચેમ્બરમાંથી વિદાય આપી. સરકારનાં બધાં જવાબદાર અધિકારીઓ જો આશિષ વાળા જેવો સંવેદનશીલ અભિગમ રાખે તો સામાન્ય પ્રજાનાં ઘણા કામ ખૂબ સરળતાથી થઈ જાય હોં!

બોલો લ્યો, ‘કમલમ’માં દિવાળીમાં ફટાકડાનું રોકેટ આડું ફાટે જેવી ઘટના બની ગઈ!
દિવાળીના તહેવારોમાં ફટાકડાના રોકેટને ઉપર આકાશમાં મોકલવા માટે સળગાવવામાં આવે ત્યારે એ ઘણીવાર સીધું ઉપર જવાને બદલે આડું ફાટે એવી ઘટના બનતી હોય છે.આવી એક ઘટનાના સાક્ષી તાજેતરમાં ભા.જ.પ.ના મુખ્યાલય ‘કમલમ’ને મને-કમને બનવું પડ્‌યું હોં!

વાત જાણે એમ બની કે ગુજરાત ભા.જ.પ.દ્વારા હાલ જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેનાં અનુસંધાને પૂર્વ સૈનિકોનાં એક નાના સમૂહને પક્ષનો ખેસ પહેરાવવા માટે તાજેતરમાં ‘કમલમ’માં લાવવામાં આવ્યો ત્યારે એક ભલાભોળા સૈનિકે પક્ષનાં વટાણા વેરી નાંખ્યા.એ સૈનિકે ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયા સમક્ષ એવું વક્તવ્ય આપ્યું કે “૨૦૦૯ થી ૨૦૧૨ વચ્ચે હું જમ્મુ અને કાશ્મીર બોર્ડર પર ફરજ બજાવતો હતો

ત્યારે મેં ઓપરેશન બ્લ્યુ સ્ટા૨ અભિયાન હેઠળ આતંકવાદીઓને માર્યા હતાં અને એ માટે મને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે સેના મેડલ પણ મળ્યો છે પરંતુ ગુજરાત સરકારે અત્યાર સુધી મારી કોઈ કદર કે સન્માન કર્યું નથી.સરકારે અમને રૂ?.૩૦૦૦/-જેવી રકમ માટે પાંચ વર્ષ સુધી ધક્કા ખવરાવ્યા છે! મારે મન પ્રજાનું કામ કરે એ જ સાચી સરકાર છે,એ પછી ભા.જ.પ.ની હોય કે કોંગ્રેસની,મને કોઈ ફેર નથી પડતો! વગેરે વગેરે.”

સદરહુ સૈનિક આટલું બોલ્યો ત્યાં તો પક્ષનાં નિષ્ઠાવાન કાર્યકરોની સહિષ્ણુતાનો પુરવઠો ખુટી ગયો અને પક્ષની કાયમી મોડસ ઓપરેન્ડી અનુસાર ‘ભારત માતા કી જય’ના બુલંદ નારા લગાવીને એ વીર સૈનિકને બોલતો બંધ કરી દેવાયો.ભા.જ.પ.જેવા શિસ્તબદ્ધ પક્ષ માટે આ ચોંકાવનારી ઘટના હતી એ નક્કી હોં!

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આલોક પાંડે પર ખુશ કેમ છે?

ગુજરાત રાજ્યના સનદી કેડરના કોઈ અધિકારીને જ્યારે પોતાના નિયમિત હોદ્દા ઉપરાંત અન્ય કોઈ ખાતાનો વધારાનો હવાલો આપવામાં આવે ત્યારે જે તે અધિકારી મોટેભાગે વેઠ ઉતારતાં હોય એ રીતે વધારાની જવાબદારી નિભાવતા હોય છે.એ પરંપરા સામે આલોક કુમાર પાંડે કંઈક નવો ચીલો પાડી રહ્યા હોય એવું લાગે છે.વાત જાણે એમ છે કે ૨૦૦૬ની બેચના સનદી અધિકારી પાંડે હાલ મહેસુલ વિભાગના સચિવ અને કમિશનર ઓફ રીલીફ તરીકે ફરજ બજાવે છે.

સરકારે આ ઉપરાંત તેઓને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વધારાનો હવાલો આપ્યો છે.આશ્ર્‌ચર્યની વાત એ છે કે આલોક પાંડે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના કાર્યને પૂરેપૂરો સમય અને ન્યાય આપી રહ્યા છે.આલોક કુમાર પાંડે કમિશનર,યુવક સેવાની કચેરીમાં નિયમિત હાજરી આપે છે અને રોજબરોજના કામ પાર પાડે છે

એટલે એ કચેરીના સર્વે કર્મચારીઓ આલોક પાંડે પર ખુશ છે.ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાનાં દ્વારકાગંજ ગામના વતની પાંડે (૧)પ્રાચીન ઈતિહાસ અને (૨)પબ્લિક પોલીસીનાં વિષય સાથે બે વખત એમ.એ.ની ડીગ્રી મેળવી ચૂક્યા છે અને એમ.બી.એ. પણ કર્યું છે.તેઓ પુરાતત્વ અને કલા પ્રવૃત્તિમાં વિશેષ રસ ધરાવે છે.

પ્લાસ્ટિકની થેલીઓથી નાગરિકોને મુક્તિ અપાવવાનો મહાનગરપાલિકાનો પ્રયાસ
ગુજરાતમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય કે ઓછો થાય અને પર્યાવરણનું સમતોલન જળવાઈ રહે તેવા અનેક પ્રયત્નો સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા થાય છે.આવા એક પ્રયત્નના ભાગરૂપે પાટનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનાં મિશન અંતર્ગત નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરવા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અને

એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી પાટનગરની સેક્ટર -૨૧માં આવેલ મુખ્ય અને ૨૪મા આવેલ નાની શાક માર્કેટમાં કપડાની થેલી મેળવવાનું મશીન મુકવામાં આવ્યું છે.આ મશીનમાં તમે રૂ.૫/-નો સિક્કો નાંખો એટલે એક કપડાંની થેલી બહાર આવે તથા જો બે થેલીની આવશ્યકતા હોય તો રૂ.૧૦/-ની નોટ સેરવીને બે થેલી પણ કાઢી શકાય. પ્લાસ્ટીકના વપરાશની ટેવમાંથી લોકોને મુક્ત કરવા હોય તો આવાં વિકલ્પો પણ લોકોને આપવા પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ આ ક્ષેત્રે જે પહેલ કરી છે એ પ્રશંસનીય તો છે જ હોં!

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કાર્યદક્ષતા અને સરકારી તંત્રનો અભિગમ પ્રશંસનીય છે
ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના એસ.એસ.સી.અને બારમા ધોરણની પરીક્ષાઓ ગત તા.૧૧ માર્ચથી શરૂ થઈ અને તા.૨૨મી માર્ચે નિર્વિઘ્‌ને પૂર્ણ પણ થઈ ગઈ અને તેના પેપર તપાસવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.સદ્દભાગ્યે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આ બન્ને પરીક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવે છે.

પરીણામે સમગ્ર પરીક્ષા સમયસર શરૂ થઈને નિશ્ર્‌ચિત કરેલ અવધીમાં પૂર્ણ થાય છે.જે પરીક્ષા ૯૮૧ કન્દ્રો પર લેવાતી હોય અને જેમાં ૬,૨૧,૨૬૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠાં હોય તે પરીક્ષા કોઈ છમકલા વગર, શાંતિથી પૂર્ણ થાય એ સૂચવે છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કેટલું કાર્યદક્ષ છે.વળી, એ પણ નોંધવું જોઈએ કે બોર્ડ દ્વારા કરાતા સંકલનને કારણે આ પરીક્ષા વખતે ગુજરાતનું સમગ્ર વહીવટીતંત્ર,પોલીસતંત્ર પણ સંપૂર્ણ સંવેદનશીલ બની જાય છે

અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈ વ્યવહારિક,શારીરિક કે મનોવૈજ્ઞાનિક મુશ્કેલી ઉભી ન થાય એ માટે ખાસ તકેદારી રાખે છે.આ આખી બાબત માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ,શિક્ષણતંત્ર,પોલીસતંત્ર અને મહેસુલીતંત્ર વગેરે સૌ અભિનંદનના અધિકારી તો છે જ હોં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.