Western Times News

Gujarati News

‘એક દેશ- એક ચૂંટણી’- કેન્દ્રમાં સત્તાધારી પક્ષ દ્વારા મત મેળવવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે વિપક્ષો

‘એક દેશ- એક ચૂંટણી’ના મુદ્દા પર તમામ હિતધારકો વચ્ચે સર્વસંમતિ માટેના પ્રયાસો ક્યારે ?

એવા સમયે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણી જંગના મેદાનમાં જોવા મળશે તેવા સમયે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દા પર રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. કોવિંદ સમિતિએ આ યોજનાને ધ્યાનમાં રાખીને બે તબક્કાની ભલામણ કરી છે.

જેમાં સૌ પ્રથમ, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણીઓ યોજવી એવી એક ભલામણ છે. બીજું, ૧૦૦ દિવસમાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવી એવી બીજી ભલામણ છે. સમિતિએ શાસનના ત્રણેય સ્તરે ચૂંટણીમાં ઉપયોગ માટે મતદાર યાદી અને મતદાર ફોટો ઓળખ કાર્ડની પણ ભલામણ કરી છે.

વાસ્તવમાં, છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન એટલે કે ૨૦૧૯ની ચૂંટણી વખતે, ભારતીય જનતા પાર્ટીએ તેના ઢંઢેરામાં સંસદ, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ખર્ચ ઘટાડવા, સરકારી સંસાધનોની અર્થવ્યવસ્થા, સુરક્ષા દળોના કાર્યક્ષમ ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે એક સાથે ચૂંટણી કરાવવાનો વિચાર વ્યક્ત કર્યાે હતો. અને તે માટે અસરકારક નીતિ આયોજનની વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે તે આ મુદ્દા પર વિવિધ હિતધારકો વચ્ચે સર્વસંમતિ બનાવવાના તમામ પ્રયાસો કરશે.

કોવિંડ કમિટીનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન દેશના ૪૭ રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર, એક ચૂંટણી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પક્ષોમાંથી ૩૨ રાજકીય પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના સૂચનને સમર્થન આપ્યું હતું. દેશના કોઈને કોઈ રાજ્યમાં આખા વર્ષ દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તે ચોક્કસપણે તંત્ર માટે ેક મોટો પડકાર છે.

જેના કારણે ચૂંટણી ખર્ચમાં બેફામ વધારો થઈ રહ્યો છે ત્યારે નોકરિયાત વર્ગ જાહેર વિકાસ કાર્યાેને બદલે ચૂંટણી સંચાલનમાં વ્યસ્ત છે. સાથે સાથે વારંવાર આચારસંહિતા લાગુ થવાના કારણે પ્રજાકીય વિકાસના કામો પણ અવરોધાય છે. આવી સ્થિતિમાં સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને અસરકારક વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. પરંતુ, આ વિચારના અમલીકરણમાં ઘણી વ્યવહારિક મુશ્કેલીઓ પણ હોવાનું મનાય છે.

નિઃશંકપણે, એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દાને સંબોધિત કરવો એ સામાન્ય ચૂંટણી પહેલા ભાજપના એજન્ડામાં છેલ્લો મોટો મુદ્દો છે. એમાં કોઈ શંકા નથી કે એકસાથે ચૂંટણી યોજવા માટે સામાન્ય મતદાર યાદીનો વિચાર પ્રથમ નજરે ફાયદાકારક લાગે છે, પરંતુ આ વિચાર અમલીકરણમાં પડકારોથી મુક્ત નથી. અવારનવાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદારો અલગ-અલગ મુદ્દાઓ પર મતદાન કરતા રહ્યા છે આમાં મતદાનની ટકાવારી અને વલણ પણ અલગ-અલગ જોવા મળે છે.

ઉદાહરણ તરીકે, ૨૦૧૪ અને ૨૦૧૯માં દિલ્હીમાં લોકસભા ચૂંટણીમાં, ભાજપે તમામ બેઠકો જીતી હતી, પરંતુ ૨૦૧૫ અને ૨૦૨૦માં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર જીત મેળવી હતી. વિપક્ષી દળોનો આરોપ છે કે ભાજપ દ્વારા લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં સફળતા મેળવવા માટે એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

તેઓ તેને કેન્દ્રમાં સત્તાધારી પક્ષ દ્વારા મત મેળવવાની ષડયંત્ર ગણાવી રહ્યા છે. તે જ સમયે, સવાલ એ છે કે તે રાજ્યોમાં શું સ્થિતિ હશે જ્યાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ છે. રાજકારણીઓની માંગ છે કે કોવિંદ કમિટી પોતાનો રિપોર્ટ રજૂ કરે તે પછી આ વિવાદાસ્પદ મામલામાં સર્વસંમતિ બનાવવા માટે તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત થવી જોઈએ.

ચોક્કસપણે, આટલા મોટા દેશમાં એકસાથે ચૂંટણી યોજવા માટે વ્યાપક તૈયારીઓની જરૂર પડશે. જે અંતર્ગત ચૂંટણીમાં સહાયક સાધનો, ચૂંટણી ફરજ માટે કર્મચારીઓની વ્યવસ્થા અને સુરક્ષા દળોની તૈનાતી સંબંધિત તમામ બાબતો પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. વધુ સારી વ્યવસ્થા માટે લાંબા ગાળાના આયોજનની જરૂર પડશે.

તે જ સમયે, કેટલાક રાજ્યોમાં સત્તામાં રહેલા વિરોધ પક્ષો આ પગલાને દેશના સંઘીય માળખાની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. તેઓ તેને અલોકતાંત્રિક અને અવ્યવહારુ પણ ગણાવી રહ્યા છે. ચોક્કસપણે, એક દેશ, એક ચૂંટણીના મુદ્દા પર તમામ રાજકીય પક્ષો અને સામાન્ય લોકો વચ્ચે ગંભીર ચર્ચાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. સર્વસંમતિ અને લોકશાહી ઢબે આ મુદ્દા પર વિચાર કરીને જ તેને વ્યવહારુ સ્વરૂપ આપી શકાય. અને તેમાં બિનજરૂરી ઉતાવળ
કરવાને બદલે સર્વ સંમતિ હશે તે તેના અમલમાં સરળતા જોવા મળી શકે તેમ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.