Western Times News

Gujarati News

કેનેડામાં રહેતા ગુજ્જુભાઈને લાગી ૧૦ લાખ ડોલરની લોટરી

અમદાવાદ, કેનેડામાં રહેતા ગુજરાતી સંદીપ પટેલને ૧૦ લાખ કેનેડિયન ડોલર એટલે કે ૧ મિલિયન ડોલરની લોટરી લાગી છે. આ રકમને જો રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તે ૬.૧૩ કરોડ રૂપિયાથી પણ વધારે થાય છે. લોટરી જીતનારા સંદીપ પટેલ ઓન્ટારિયો રિજનમાં આવેલા અર્નપ્રાયોર ટાઉનમાં રહે છે અને પોતાનો બિઝનેસ ચલાવે છે.

સંદીપ પટેલને પહેલાથી જ લોટરી રમવાનો શોખ છે અને તેઓ અઠવાડિયામાં બેથી ત્રણ વાર લોટરીની ટિકિટ ખરીદે છે, પરંતુ હજુ થોડા દિવસો પહેલા જ તેઓ પોતાની કાર સાફ કરી રહ્યા હતા ત્યારે તેમાંથી મળેલી એક જૂની લોટરી ટિકિટે તેમનું નસીબ બદલી નાખ્યું હતું.

આ લોટરી ટિકિટને સંદીપ પટેલે સ્કેન કરી ત્યારે તેમને ખબર પડી હતી કે તેઓ ૧ મિલિયન ડોલર જેટલી રકમ જીત્યા છે. સંદીપ પટેલે લોટરીની ટિકિટ ૨૦૨૩માં ખરીદી હતી, અને તેનો ડ્રો ૨૯ જુલાઈ ૨૦૨૩માં થયો હતો. તેમણે જ્યારે પોતાની ટિકિટને થોડા દિવસો પહેલા જ સ્કેન કરી ત્યારે તેના સાત આંકડા લકી ડ્રો સાથે મેચ થતાં તેમનું દીમાગ ચકરાવે ચઢી ગયું હતું.

સંદીપ પટેલ પોતાની ટિકિટ લઈને ટોરેન્ટો પહોંચ્યા હતા જ્યાં તેમને ૧ મિલિયન ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. જોકે, રાતોરાત મળેલા ૧૦ લાખ ડોલરને આપણા ગુજ્જુભાઈ સંદીપ પટેલ મોજમમજા કરવામાં નથી વાપરવાના. પોતાને મળેલી આ રકમનો ઉપયોગ સંદીપ પટેલ હોમ લોન ભરવામાં અને પોતાના અમુક ઈન્વેસ્ટમેન્ટ ગોલ પૂરા કરવામાં કરશે જ્યારે બાકીની રકમ તેઓ બચાવીને રાખવાના છે.

તેમને હાલ ૧ મિલિયન ડોલરનો ચેક મળી પણ ગયો છે, પરંતુ સંદીપ પટેલને હજુય વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ ખરેખર લોટરી જીત્યા છે. કાયમ લોટરીની ટિકિટ ખરીદતા સંદીપ પટેલે કબૂલ્યું હતું કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ તેમને લોટરી લાગશે, પરંતુ તેમની પત્નીને વિશ્વાસ હતો કે ક્યારેક તો તે દિવસ ચોક્કસ આવશે.

આમ તો મોટાભાગના દેશોમાં લોટરી જીતનારા વ્યક્તિને તગડો ટેક્સ ભરવો પડતો હોય છે, પરંતુ કેનેડામાં લોટરીમાં જીતેલી રકમ પર કોઈ ટેક્સ નથી ભરવો પડતો.

કેનેડામાં લોટરીના બિઝનેસનું વાર્ષિક ટર્ન ઓવર સાડા આઠ અબજ ડોલર જેટલું થાય છે. કેનેડા ફરવા જતાં કે પછી ત્યાં ટેમ્પરરી સ્ટેટસ પર રહેતા નોન-કેનેડિયન્સ પણ લોટરીની ટિકિટ ખરીદી શકે છે, અને કેનેડિયન નાગરિકોની જેમ જ તેમને પણ જીતેલી રકમ પર કોઈ ટેક્સ ભરવાનો નથી રહેતો.

કેનેડામાં લોટરીના બિઝનેસમાં જે કોઈ આવક થાય છે તેનો ઉપયોગ સરકાર દ્વારા પબ્લિક વેલ્ફેર સ્કીમ પાછળ કરવામાં આવે છે. આ દેશમાં લોટરી ટિકિટની કિંમત પાંચ ડોલરથી શરૂ થાય છે.

ડિસેમ્બર ૨૦૨૩માં નોએલ પેટ્રિશિઓ નામના એક કેનેડિયનને ૬૮ મિલિયન ડોલરની લોટરી લાગી હતી, જે અત્યારસુધીનો રેકોર્ડ છે. જોકે, કરોડો ડોલરની લોટરી જીત્યા બાદ પણ આ વ્યક્તિએ એવું એલાન કર્યું હતું કે તે પોતાની જોબ ચાલુ રાખવાનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.