Western Times News

Gujarati News

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સ્વાઈન ફલૂ અને પૂર્વમાં કોલેરાનો કહેર

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદમાં કોરોનાનો કહેર ઓછો થયા બાદ સ્વાઈન ફલૂના કેસમાં ચિંતાજનક હદે વધારો જોવા મળ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન જ સ્વાઈન ફલૂના ૩પ૦ કરતા વધુ કેસ નોંધાયા છે. ખાસ કરીને શહેરનો પૂર્વ વિસ્તાર સ્વાઈન ફલૂના સકંજામાં આવી ગયો છે. Swine flu in the west of Ahmedabad and cholera in the east

જયારે અમદાવાદનો પૂર્વ વિસ્તાર પાણીજન્ય રોગચાળાના સકંજામાં આવી ગયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા, કમળા અને ટાઈફોઈડ જેવા રોગનો આંતક જોવા મળી રહયો છે.

શહેરમાં સ્વાઈન ફલૂના કેસ સતત વધી રહયા છે જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફલૂના માત્ર પ૪ કેસ અને ફેબ્રુઆરીમાં ૧ર૭ કેસ નોંધાયા હતા જેની સામે માર્ચ મહિનામાં અત્યાર સુધી ર૧૦ જેટલા કેસ કન્ફર્મ થયા છે. આમ ત્રણ મહિનામાં જ સ્વાઈન ફલૂના ૩૯૦ જેટલા કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયું છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી એચ-૧ એન-૧ના કેસ મોટી સંખ્યામાં જોવા મળી રહયા છે.

શહેરના બોડકદેવ, જોધપુર, વાસણા, પાલડી સહિતના વિસ્તારોમાંથી સ્વાઈન ફલૂના કેસ બહાર આવી રહયા છે. શહેરમાં ર૪ તારીખ સુધી જે ૩૮૭ કેસ કન્ફર્મ થયા છે તે પૈકી ર૮૪ કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ નોંધાયા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં ૧૩૮, ઉ.પ.માં ૧૦૧, દ.પ.૪પ કેસ સ્વાઈન ફલૂના નોંધાયા છે.

કોરોના કાળ દરમિયાન સ્વાઈન ફલૂના કેસ અલગથી જાહેર કરવામાં આવતા ન હતાં કારણ કે આ બંને વાયરસના લક્ષણો લગભગ સમાન છે પરંતુ કોરોનાના કેસ ઓછા થતાં જ સ્વાઈન ફલૂના ટેસ્ટીગમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં આટલી મોટી સંખ્યામાં કેસ બહાર આવી રહયા છે.

સ્માર્ટ સીટીમાં પ્રદુષિત પાણી અને પાણીજન્ય રોગચાળાના કેસ સતત વધી રહયા છે શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન કમળાના ૩૭પ, કોલેરા-૧૮, ટાઈફોઈડ-૭ર૭ અને ઝાડા-ઉલ્ટીના ૧૪૪૦ કેસ નોંધાયા છે. શહેરના વટવા વિસ્તારમાં કોલેરાના ૦પ, લાંભા-૧૦ તેમજ રામોલ-હાથીજણમાં -૦૩ અને અમરાઈવાડીમાં ૦૩ કેસ કન્ફર્મ થયા છે.

શહેરના શ્રમજીવી અને ચાલી વસાહતોમાં પાણીજન્ય રોગના કેસ મોટી સંખ્યામાં કન્ફર્મ થતા જોવા મળી રહયા છે ખાસ કરીને દાણીલીમડા, બહેરામપુરા, સરસપુર, રખિયાલ, ગોમતીપુર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં કોલેરા, કમળો અને ઝાડા-ઉલ્ટીના કેસ બહાર આવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.