Western Times News

Gujarati News

‘નાણા વગરનો નાથીયો અને નાણે નાથાલાલ’

આજ પૈસો અને જાહોજહાલી છે ને કાલે ન પણ હોય તો આવા ખુશામતખોરો પણ આજે સાથે છે પરંતુ કાલે તેઓનો સાથ પણ ન હોય.

કોઈ વ્યક્તિ જાહોજહાલીમાં રાચતી હોય અને તેની પાસે પૈસાની રેલમછેલ હોય ને સમાજમાં ગર્ભશ્રીમંત તરીકે ઓળખાતી હોય ત્યારે તેના અમુક સગા સંબંધીઓ તથા મિત્રો કે પડોશીઓ તથા હા મા હાજી કહેનારા હજૂરિયાઓ તેની આસપાસ વિંટળાયેલા રહે છે, જેવી રીતે મધમાખીઓ મધપૂડાની આજુબાજુ બણબણતી રહેતી હોય છે તેમ.

પરંતુ સંજોગાવશ તે જ વ્યક્તિ વેપારમાં ગજા બહારનું નુકસાન ભોગવે ને પૈસે ટકે પાયમાલ થઈ જાય ત્યારે તે જ સગા સંબંધીઓ તથા હજૂરિયાઓ તેને સાથ આપવાનું છોડી દે છે અને બીજાની ખુશામતગીરી કરવા તૈયાર થાય છે.

સૌરાષ્ટ્રનાં એક ગામમાં રહેતા નાથાલાલભાઈનો વેપાર ધમધોકાર ચાલતો હતો અને જ્યાં હાથ નાખે ત્યાં લક્ષ્મીદેવીની કૃપા રહેતી હતી. તેઓ વહાણ દ્વારા અનાજ તથા ખાધા-ખોરાકીનો માલ પરદેશ મોકલતા હતા ને તેઓ સારો એવો નફો પણ રળતા હતા. ગામ તથા ગામ બહાર તેમની શાખમાં વધારો થતો ગયો.

લોકોએ નાથાલાલભાઈને સભામાં સભાપતિ તથા ગામનાં સરપંચ તથા નાતમાં પ્રમુખ બનાવેલ હતા. વર્ષોના વહાણા વિતતા ગયા. તેમને ત્યાં દરરોજ રાતે બેઠક થતી.

તેના પૈસાને માન આપનાર લોકો તથા હજૂરિયાઓ બેઠકમાં આવતા અને નાથાલાલભાઈની હા માં હાજી અને ના માં નાજી કહેતા રહેતા . નાથાલાલજી દિવસ હોય તો પણ દિવસને રાત ગણાવે તો હજૂરિયાઓ પણ દિવસને રાત કહેતા હતા. લોકો ભેટ સોગાદ મેળવવાની લાલચમાં તથા તેમના ધંધા પર તેમના આર્શિવાદ મેળવવા તથા ધંધા પર કૃપા દ્‌ ષ્ટિ રહે અને ધંધામાં બરકત મળે તેવી આશામાં તેઓ બધી રીતે ટેકો આપતાં હતાં.

પરંતુ એક દાથકા બાદ એક વર્ષે અતિવૃષ્ટિ થતાં અને દરિયામાં તોફાન થતાં નાથાલાલજીનાં પચાસ વહાણો ડૂબી ગયા અને બધો માલ પાણીભાં વેરણછેરણ થતાં તેમને ધણું નુકસાન થઈ ગયું પહેલા તેમની કિંમત સવા લાખની હતી તે હવે ઘટીને કોડી જેટલી થઈ ગઈ. નાથાલાલજીનાં ધંધામાં ખોટ આવતા લોકોને શરાફી પૈસા પાછા આપી ન શક્યાં..

લોકોને નાથાલાલજીની નુકસાનીની જાણ થતાં તેની બેઠકમાં ભાગ લેવા આવનાર હજૂરિયાઓ તો મોઢું ફેરવીને નાથાલાલજીને કમનસીબનો બકરો માની તેમની બેઠકમાં તો શું, તેનું મોઢું જોવા પણ તૈયાર ન હતાં અને તેમની નજરચુક કરી દૂર રહેતા. તેઓને એવું લાગ્યું કે, ‘આ શેઠ નાથાલાલજી અમારી પાસે પૈસા માંગશે’.

ધીરે ધીરે શેઠ નાથાલાલજી માટે ઘસાતું બોલતા થયા ને પછી તો નાથાલાલજીને માન આપવાનું તો બાજુ પર રહ્યું પણ સાથે સાથે અપમાન કરવાનું પણ છોડ્‌યું નહિ. એક તો પ્રસંગે નાથાલાલભાઈને તુંકારાથી બોલાવીને પાછળ બેસવાનું જણાવ્યું. ત્યારથી આ વાક્યનો રૂઢીપ્રયોગ સાંભળવા મળે છે.

‘નાણે નાથાલાલ અને નાણા વગરનો નાથિયો’ શેઠ નાથાલાલજી જેવી વ્યક્તિઓએ દુનિયાને બરાબર ઓળખવી જોઈએ ને આવા હજરિયાઓથી દૂર રહેવામાં જ મઝા છે.  આજ પૈસો અને જાહોજહાલી છે ને કાલે ન પણ હોય તો આવા ખુશામતખોરો પણ આજે સાથે છે પરંતુ કાલે તેઓનો સાથ પણ ન હોય.

દસકા બદલાતા રહે છે, કોઈનો હાલનો દસકો સારો હોય પણ પછીનો બીજો દસકો ખરાબ થઈ શકે છે. કોઈ દિવસ અભિમાન કે આહમ્‌ ના શિકાર ન થવું જોઈએ .
જ્યારે જહાજમાં કાણું પડે છે ત્યારે અંદર દોડમદોડી કરતા ઉંદરો પોતાનો જાન બચાવવા સૌથી પહેલા બહાર નીકળી જાયછે.

ખુશામતખોર જ્યારે જે વ્યક્તિની ખુશામત કરતો હોય ત્યારે તે વ્યક્તિ મનમાં સમજતી તો હોય છે કે આ ખુશામતખોર છે અને હજૂરિયો છે અને તે પોતે પોતાના સ્વાર્થ ખાતર મારા ખોટા વખાણ કરે છે તો તે વ્યક્તિએ પહેલેથી જ તે ખુશામતખોરથી દૂર રહેવું જોઈએ. પરંતુ લોકોને પોતાની વાહવાહ થતી ગમે છે તથી તો તે વ્યક્તિ તે હજૂરિયાઓને ચા-પાણી કે નાની મોટી ભેટ-સોગાદો આપીને પોતાની પાસે ફરતા રાખે છે તેમાં તેમની પ્રતિષ્ઠા લાગે છે,

પરંતુ આ એક દંભ જ છે, જ્યારે તે વ્યક્તિ પૈસે ટકે પાયમાલ થઈ જશે ત્યારે તે જ હજૂરિયાઓ તે વ્યક્તિને તરછોડીને બીજા અમીરને શોધતી હશે. ખુશામતખોર ભવિષ્યમાં પોતાને લાભ મળે તેથી તે લોકોની હાજી માં હા કરતા અચકાતા નથી. સ્વાર્થ ન સધાતા તે જે વ્થક્તિને માનથી બોલાવતા હતા તે જ વ્યક્તિને અપમાનિત કરતા સંકોચ પામતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.