Western Times News

Gujarati News

મોદી કેબિનેટે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અપડેટ કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી, મોદી કેબિનેટે આજે 2021ની વસ્તી ગણતરી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. 2021ની વસ્તી ગણતરી 1 એપ્રિલ 2020થી શરૂ થઇ શકે છે. જણાવી દઇએ કે 2010માં પહેલી વખત એનપીઆર તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. 2011ની વસ્તી ગણતરીની સાથે એનપીઆર લાગુ કરી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ એનપીઆર માટે પ્રત્યેક વ્યક્તિ પાસે 15 માહિતી એકઠી કરવામાં આવશે. જેમાં વ્યક્તિનું નામ, માતા પિતા, લિંગ, જન્મ, શૈક્ષણિક સ્થિતિ, એડ્રેસ વગેરે સામેલ છે. ગત વખતની સરખામણીએ આ વખતે વધુ માહિતી માગવામાં આવી શકે છે. એનપીઆર વસ્તી ગણતરીનો જ એક ભાગ છે. તેને વસ્તી ગણતરી પહેલા અપડેટ કરવામાં આવે છે. પહેલીવાર 2010માં એનપીઆર રજિસ્ટર તૈયાર થયું હતું. 10 વર્ષ બાદ ફરીથી અપડેટ થઇ રહ્યું છે. નાગરિકતા સુધારા કાયદા બાદ હવે સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે 2021 સુધી વસ્તી ગણતરીના સંપૂર્ણ આંકડા એકઠ્ઠા કરવાના છે તેને લઇને આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ હતી.

એનપીઆરમાં ભારતના રહેવાસીઓ પાસે 15 પ્રકારની માહિતી માગવામાં આવશે અને વસ્તી ગણતરીના ડેટાબેસને અપડેટ કરવામાં આવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે એનપીઆરમાં માગવામાં આવેલી માહિતી માટે કોઇ પણ પ્રકારના દસ્તાવેજની જરૂર નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.