Western Times News

Gujarati News

આસ્થામય જીવન-આસ્થા કેળવવી, રોપવી અને સાચી જગ્યાએ એને સ્થાપવી માનવની સંપ્રજ્ઞતા છે

ધાર્મિક બનતા લોકો જો કટ્ટર બની જાય તો આધ્યાત્મિક હોવું પણ એમના માટે નિરર્થક ગણાય

આપણા મનોજગતમાં માહિતીનો ખડકલો કરવાથી નહીં ,પણ …ઉત્તમ વિચારો અને આત્મપરીક્ષક ચેતનાને એકરૂપ કરીને જીવન જીવવાથી સહજ અને સરળ બની શકીયે. આસ્થા કેળવવી, રોપવી અને સાચી જગ્યાએ એને સ્થાપવી માનવની સંપ્રજ્ઞતા છે. બધી જગ્યાએ તાર્કિક શૈલી અપનાવવી જરૂરી નથી હોતી. આધ્યાત્મિક બનવું એ જ સાચી જીવન જીવવાની રીત છે. સંવેદનાઓ સાથે વિચારોને ઈશ્વરમય બનાવવા એટલે આધ્યાત્મિક જીવનશૈલી સાથે ઓતપ્રોત થવું.

આત્માને ઉર્ધ્વગતિમય બનાવવાં માટે પ્રેરવો …એટલે આધ્યાત્મિક બનવું . પરમાત્માની પરમશક્તિ અને અસાધારણ અનુકંપાને પાત્ર બનવાં શરણાગત થવું એટલે આધ્યાત્મિક થવું .

ઈશ્વરના અનુગ્રહથી સર્વ કાંઈ શક્ય બને છે એવી વિચારધારાને મજબૂત પણે વળગીને જીવન જીવવું એટલે આધ્યાત્મિક બનવું આધ્યાત્મિકતા એ આસ્થા સાથે સંકળાયેલી વિચારસરણી છે .એ એક એવી સફર છે ….જેની મંઝિલ પરમાત્માની નિકટતા છે .

મારા મતે ,ઉજ્જવળ જીવન જીવવા સંન્યાસી બનવું ,એ ક્યારેય પ્રથમ શરત ન હોઈ શકે .જીવનની તમામ જવાબદારીઓ કિનારે મૂકી એક એવા માર્ગ પર ચાલી નીકળવું …જે રસ્તો તમને પરમ સત્ય તરફ લઇ જશે ,એવું તમારું માનવું છે .પ્રભુ સિવાય તમને બધું જ વિસ્મૃત થઇ જાય એવી તમારી ભીતરી ઈચ્છાને પૂર્ણ કરવા કંઈક જુદો ચીલો પાડવા ચાલી નીકળવું ….એ તમારાં નિકટવર્તી લોકો સાથે થયેલો અન્યાય છે .એવું મારું માનવું છે .

મારા મતે, સાત્વિક વિચાર અને સાત્વિક કર્મનો સરવાળો એટલે ઉજ્જવળ જીવન . આધ્યાત્મિક બનવાની દિશા તરફ પ્રયાણ કરવું ,એટલે પ્રામાણિક મનુષ્ય બનવાની શરૂઆત કરવી .હદયના કેદખાના માંથી નકારાત્મકતાને ધીરે ધીરે આઝાદ કરીને મનની શક્તિને સર્વોત્તમ રીતે કંડારવી …એજ એનું લક્ષ્ય છે .

આધ્યત્મિક બનવાં માંગનારે ધીરજને પોતાનો ખાસ મિત્ર , અનુભવને સમીક્ષક અને માણસાઈને પોતાનો સંરક્ષક બનાવવો જોઈએ .કારણકે આ ત્રણે ગુણ કેળવીને મનને શાંત અને સંયમિત રાખી શકાય છે .

આસ્તિક હોવું ,એ આધ્યાત્મિક બનવા માટેનું પહેલું અને મુખ્ય પગથિયું છે. આસ્તિક હોવું અને ધાર્મિક હોવું એ બન્નેનો અર્થ આમ તો સરખો જ છે. ધાર્મિક બનતા લોકો જો કટ્ટર બની જાય તો આધ્યાત્મિક હોવું પણ એમના માટે નિરર્થક ગણાય છે.

આધ્યાત્મિકતાનો અર્થ વિશાળ પટ પર લેવાય છે . જ્યાં દુનિયાના તમામ ધર્મનો અંતિમ હેતુ અને લક્ષ્ય હોય છે ….એક સર્વોચ્ચ શક્તિનો સ્વીકાર કરવો , આ શક્તિને ઓળખવાની આખી પ્રક્રિયામાં જોડાવવું એટલે આધ્યાત્મિક બનવાના પ્રવાહમાં જોડાવવું. આ એક માર્મિક અને વિશિષ્ટ કેળવણી છે , જે પૃથ્વીના તમામ માનવીઓને એક માનવજાતના કલ્યાણના માર્ગે લઇ જાય છે .માણસને માણસ બનીને જીવતા આવડે એ મહત્વની વાત છે .

સમજણ ,સહિષ્ણુતા અને સૌજન્યના ત્રિવેણી સંગમથી માનસિકતા વિકસાવીએ એટલે આત્માને નિજાનંદ તરફ વાળીએ . ઓમકારથી બનેલી આ સૃષ્ટિમાં ધર્મની માન્યતાઓ કદાચ સમાન નહીં હોય , પણ દરેક ધર્મની વાસ્તવિક અને યુનિવર્સલ લેંગ્વેજ એક જ છે .ધાર્મિકતા જરૂરી છે , પણ એનો અતિરેક અને એની કટ્ટરતા માણસને આધ્યાત્મિક રહેવા દેતો નથી .આ માનવીની સમજણમાં શૂન્યાવકાશ પેદા કરે છે .સહઅસ્તિત્વનો સ્વીકાર એટલે સમાજના આરોગ્યને સુદ્રઢ બનાવવાની પહેલ .

માત્ર ધાર્મિક સાહિત્ય વાંચવાથી કે ધાર્મિક ગતિવિધિમાં લિપ્ત રહેવાથી આધ્યાત્મિક નથી બનાતું . સાચા અર્થમાં એનું આચરણ કરવાથી જ આધ્યાત્મિક બનવાના રસ્તે આગળ વધી શકાય છે .આ કોઈ એવું સ્થળ નથી જ્યાં દરેક વ્યક્તિએ પહોંચવાનું છે . આ એક સફર છે .આ સફર નક્કી કરે છે કે માનવીએ જીવન જીવવા કયો માર્ગ પસંદ કર્યો છે .

માનવીય ગુણોનો વિકાસ એ ભૌતિક વિકાસ કરતાં વધુ આવશ્યક છે .ભૌતિક વિકાસની પરાકાષ્ઠા માણસની શાંતિ નથી આપી શકતી પણ ,
માનવીય ગુણોની પરાકાષ્ઠા તેને શાંતિ જરૂર આપી શકે છે .લોકસમૂહનો ધ્યેય વિશ્વની સુખ -શાંતિ હશે તો , આધ્યાત્મિકતાનું સ્થાન એમાં સૌથી અગત્યનું હશે .લોકો આધ્યાત્મિકતાનું પણ અર્થઘટન કરવાં લાગે છે .

માત્ર ધર્મ સાથે જોડાવવાથી નહીં પણ એના મૂળભૂત વિચારો જીવનમાં ઉતારવાથી આધ્યાત્મિક ઉન્નતિ થઇ શકે છે. સંત કબીર , નરસિંહ મહેતા કે પછી પ્રેમદિવાની મીરાંબાઈએ કોઈ દીક્ષા નહોતી લીધી …ભક્તિમય જીવન સમાજમાં રહીને પણ અલિપ્ત જીવન જીવી શકાય એ સમજાવ્યું .જીવનના દરેક ઉતાર -ચઢાવમાં મનુષ્યત્વને આગળ રાખીને ઘણું સમજાવ્યું છે .સાદી અને સરળ ભાષામાં જીવનને કેવી રીતે જીવી શકાય એ શીખવાડ્‌યું છે

આત્માની સિદ્ધિ માટે સર્વધર્મસમભાવ કેળવીને નીતિમય જીવન એટલે સાચું જીવન . જે ધર્મને વ્યહવારમાં ન લાવી શકાય …તે મારા મતે ધર્મ નથી .સત્ય માટેની દરકાર ન હોય ,હદયમાં જો અન્ય માટે કરુણા ના હોય તો ધર્મમાંથી પણ આસુરી ક્રૂરતા પ્રગટી શકે છે . મારું માનવું છે , આધ્યાત્મિક બનવું એટલે , પરમાત્માને પ્રાર્થીને કહેવું ,સંપૂર્ણ ચરાચર સૃષ્ટિના રચયિતાના અમે અંશ માત્ર છીએ …અમને તું એકાત્મતાનો અનુભવ કરાવ .

સાત્વિક આસ્થા સાથે સાહજિક જીવન જીવીને આધ્યાત્મિક બનશું તો જરૂર આપણને ચીર શાંતિ મળશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.