Western Times News

Gujarati News

અમેરિકામાં સ્ટોરમાં કામ કરતા ગુજરાતીને માલિકે ફટકાર્યો

નવી દિલ્હી, અમેરિકામાં ગુજરાતીઓનાં અલગ-અલગ વોટ્‌સએપ ગ્રુપ્સમાં એક ચોંકાવનારી ઘટનાની અમુક વિડીયો ક્લિપ્સ છેલ્લા બે-ત્રણ દિવસથી ખાસ્સી વાયરલ થઈ રહી છે, જેમાં સ્ટોરમાં કામ કરતા એક વ્યક્તિને સાંભળી ના શકાય તેવી ગાળો બોલવાની સાથે તેનો ઓનર તેને ફટકારી રહ્યો છે.

આ વિડીયો ક્યાંનો છે, અને જે વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે તેમજ જે વ્યક્તિ માર મારી રહ્યો છે તે કોણ છે તે અંગેની કોઈ માહિતી હાલ નથી મળી શકી.

જોકે, આ વિડીયો અમારી સાથે શેર કરનારા અમેરિકામાં રહેતા અમારા દર્શકે આ તમામ વિડીયો USAનાં જ હોવાનું કન્ફર્મ કર્યું હતું. જે સ્ટોરનો આ વિડીયો છે તેમાં દેખાઈ રહેલા અમુક બ્રાન્ડ્‌સના બેનર પરથી આ સ્ટોર ન્યૂજર્સી કે પછી તેની આસપાસના કોઈ સ્ટેટમાં આવેલો હોવાનું જાણી શકાયું છે, એટલું જ નહીં સ્ટોરનો માલિક કે પછી મેનેજર જેવો લાગતો જે વ્યક્તિ પોતાને ત્યાં કામ કરતા વ્યક્તિને ફટકારી રહ્યો છે તેના અવાજ પરથી તે ઉત્તર ગુજરાતનો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

મળેલી આ ઘટનાની આઠ અલગ-અલગ સીસીટીવી ક્લિપ ૧૮ માર્ચથી ૨૪ માર્ચ વચ્ચેની છે, અને તે એક જ સ્ટોર અને તેની સાથે અટેચ્ડ એક પેન્ટ્રીની છે. આ સીસીટીવી ફુટેજમાં રેકો‹ડગનો સમય પણ સ્પષ્ટ જોઈ શકાય છે, જેમાં અમુક ક્લિપ્સ સવારે ૧૦થી ૧૧ વાગ્યાના ગાળામાં રેકોર્ડ થયેલી છે, જ્યારે અમુક ક્લિપ્સ રાતના એકથી બે વાગ્યા વચ્ચેની પણ છે..

જેના પરથી એ સવાલ પણ ઉઠે છે કે કથિત શોષણનો ભોગ બનેલા ગુજરાતી વિક્ટિમ પાસે શું સ્ટોરમાં રાત-દિવસ કામ કરાવવામાં આવતું હતું? આ તમામ ક્લિપ્સમાં વિક્ટિમ સાથે ગાળાગાળી તેમજ મારામારી કરનારો વ્યક્તિ એક જ છે, જે તમામ ક્લિપ્સમાં દેખાય છે.

આ વ્યક્તિ ક્યારેક કેશ કાઉન્ટર પર વિક્ટિમને લાત મારે છે, તો ક્યારેક સામાન રાખવાની જગ્યા પર અને વિક્ટિમ પેન્ટ્રીમાં વાસણ ધોતો હોય ત્યારે તેને ગમે તેમ ફટકારવાની સાથે તેને ગાળો બોલી અપમાનિત કરે છે.

એક ક્લિપમાં તો સ્ટોરનો ઓનર અથવા મેનેજર વિક્ટિમને તારાથી કામ ના થતું હોય તો ઈન્ડિયા પાછો જતો રહે તેવી પણ વાત કરે છે. અમુક ક્લિપ્સમાં ગુજરાતી બોલતી એક મહિલાની હાજરીમાં પણ વિક્ટિમને માર મારવામાં આવતો હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે.

અમેરિકાના કાયદા અનુસાર કામકાજના સ્થળે કર્મચારીનું શોષણ કરવું ગંભીર પ્રકારનો ગુનો છે, પછી ભલે તે કર્મચારી લીગલ ઈમિગ્રન્ટ હોય કે ઈલીગલ ઈમિગ્રન્ટપ અને તેમાંય જો કર્મચારીને અપમાનિત કરવામાં આવે કે પછી તેની સાથે મારામારી કરવામાં આવે તો સિટીઝન બની ગયેલા વ્યક્તિને પણ ડિપોર્ટ થવાનો વારો આવી શકે છે.

ભૂતકાળમાં પણ એવી અનેક ઘટના બની ચૂકી છે કે જેમાં પોતાના જ લોકોનું શોષણ કરનારા ઈન્ડિયન્સને પોતાની કરતૂત પકડાઈ ગયા બાદ અમેરિકામાં જેલની હવા ખાવાની સાથે પોતાનો કામધંધો સમેટીને ઈન્ડિયા પાછા આવવું પડ્યું હોય. જોકે, જે ઘટનાના સીસીટીવી ફુટેજ મળ્યા છે તેમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ તેની કોઈ ચોક્કસ વિગતો નથી મળી શકી.

પરંતુ આ સીસીટીવી ફુટેજ એ વાતનો પુરાવો ચોક્કસ આપી રહ્યા છે કે જોબની શોધમાં આમથી તેમ ભટકતા ગુજરાતીઓની ગરજનો કેટલાક તત્વો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે અને તેમની પાસે સાવ મફતના ભાવમાં ગદ્ધાવૈતરૂં કરાવાઈ રહ્યું છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.