કોઈ મને કાયર કહે, નમાલો કહે, કહ્યાગરો કંથ માને કે વહુઘેલો ગણે- જેને જે ગણવું હોય તે ભલે ગણ્યા કરે…
પતિ ખરો, પણ નામનો !
આ પૃથ્વી પર એવા અનેક વીર પુરુષો પાક્યા છે, જે વાઘ-સિંહથી ન ડરે પણ ઉંદર- બિલાડીથી ડરે. જેને પતિ બનવું છે તેને પુરુષ બનવું બહુ જરૂરી છે અને ખરો પુરુષ કોઈથી ડરતો નથી એવું સાંભળવામાં આવ્યું છે. કોઈ મને કાયર કહે, નમાલો કહે, કહ્યાગરો કંથ માને કે વહુઘેલો ગણે- જેને જે ગણવું હોય તે ભલે ગણ્યા કરે, પણ ‘હું મારી પત્નીથી ડરું છું.’
એ હકીકત છે, કોઈ માને યા ન માને. મારી આ નિખાલસ કબૂલાતને મારા મિત્રો મારી નબળાઈ ગણતા નથી, પણ વિનમ્રતા ગણે છે. હું આદર્શ પતિ છું, મારી પત્નીના સત્કાર્યનું સમર્થન કરું છું અને દુષ્કાર્યમાં કદી સામેલ થતો નથી. મુશ્કેલીઓથી ઘેરાઈ જાઉં તો સરળતાથી કેવી રીતે નીકળી જવું તે હું જાણું છું, કદી પત્નીને નારાજ કરતો નથી અને પત્ની સદા પ્રસન્ન રહે તેની પળેપળ કાળજી રાખું છું.
હું સંસારમાં પડ્યો છું, હું કોઈનો પતિ છું, તેની ના તો શી રીતે પડાય ? ‘હા ભાઈ હા, હું પતિ ખરો, પણ નામનો’, તમારે કશું કહેવું છે ? મારા પાડેલા ચીલે ચાલનારા સુખી થશે તેની હું ખાતરી આપી શકું, પણ ન ચાલનારાઓનું શું થશે તે તો પ્રભુ જ કહી શકે !
જરા વિચાર તો કરો, ના.. ના… મને શોખ થયો હશે કે, હું રાતોરાત મારી પત્નીના શિરતાજનો પ્યાગ કરું કે એના ભાલપ્રદેશના કંકુના સૂરજ થવાની આનાકાની કરું ? આમ છેલ્લે પાટલે બેસી જઈ, એના પગની જૂતી બની જઈ, છેક એનો ચરણજદાસ બની જવાનું હું કેમ સ્વીકારતો હોઈશ ? આમ કરવા પાછળ કોઈ ને કોઈ રહસ્ય તો હશે જ ને ? હા, છે જ – ‘હું મારી પત્નીથી ડરું છું.’ હું બધું છોડવા તૈયાર છું, પણ મારી પત્નીથી ડરવાનું છોડવા કદાપિ તૈયાર નથી.
આમ કરીને મારા જેવો એક સુયોગ્ય પતિ પોતાની પત્નીને સન્માનની અધિકારિણી બનાવે છે અને સહનશીલતાનું સૌથી વધુ પ્રભાવી ઉદાહરણ પુરું પાડે છે. ‘જ્યાં સ્ત્રીઓનું, ખાસ કરીને પત્નીઓનું સન્માન થાય છે, ત્યાં દેવો પ્રસન્ન થાય છે.’ દેવોને પ્રસન્ન થવું હોય તો થાય કે ન થાય, હું તો પત્નીથી ડરી ડરીને પ્રસન્ન પ્રસન્ન છું.
મારી તો એવી ધારણા છે કે જો સ્ત્રી-પત્ની સીતાની માફક રામ માટે મરી પડે તેવી હોય તો સામે, શૂર્પણખા જેવી લક્ષ્મણ પાસે નાક-કાન કપાવે તેવી પણ હોય છે. ગાંધારીની માફક જો તે અંધ પતિ કૃતરાષ્ટ્રની સાથે સાથે એ પોતે આંખે પાટા બાંધીને જીવન વ્યતીત કરનારી છે, તો દ્રૌપદીની માફક પાંચ-પાંચ પુરુષોની પ્રેરણાદાયિની પણ છે. કાલી-દુર્ગાના રૂપમાં ચંડી છે, તો ઉર્વશી રંભાના રૂપમાં તન-મન બહલાવનારી અપ્સરા છે. દરેક પત્નીના મનમાં એવી ઈચ્છા હોય છે કે એનો પતિ તન-મન-ધનથી એનો પોતાનો બની રહે, ત્યારે પતિએ પત્નીને થોડો થોડો પ્રેમ કરતા રહેવું અને થોડા થોડા કરતા રહેવું જોઈએ એ જ એક માત્ર સમુચિત કારગત ઉપાય જણાય છે.
ભલે, મેં પત્નીથી ડરવાની વાત કરી હોય, ઊલટું વાસ્તવમાં મારું ડરવાનું ખરું કારણ એક આદર્શ પતિ તરીકેની મારી ભલમનસાઈ છે અને સાચું પૂછો તો મેં દાખવેલી સુજનતાને લીધે મારા પ્રતિષ્ઠિત કુળની આબરૂ અકબંધ રહી છે. નહીંતર, ‘એની પત્નીએ, આપઘાત કર્યો’, ‘એની પત્ની એને ત્યજીને એના મિત્ર સાથે ભાગી ગઈ,’ ‘એની પત્નીએ સદાકાળ પિયરમાં રહેવાનો હઠાગ્રહ રાખ્યો’
‘ભણેલાં પતિ-પત્નીએ છુટાછેડા મેળવવા કરેલી છૂટાહાથની મારામારી’ અને ‘ઊલટી ગંગા વહી રહી છે,’ ‘પત્નીએ પતિને રીતસર વ્યવસ્થિત ઝૂડ્યો’ – મારા સવચ્વ કોરાકટ કપાળ પર આવું કે આને મળતું કાળુ કલંક લાગ્યું હોત અને સવારના પહોરમાં છાપે ચઢ્યો હોત તે અલગ. આવી દુર્દશામાંથી હું તો બચી જ ગયો છું. મારી તો સોનેરી સલાહ છે કે પત્નીથી ડરતા રહો. મારા જેટલું સાહસ ન હોય તો ડરતા હોવાનો ડોળ કરો, તોય અલ્પ લાભ અવશ્ય મેળવશો. જેમ ગંગાજળમાં સ્નાન કરવાથી પૂર્ણ પુણ્ય મળે અને ગંગાજળના છાંટા નાખવાથી અડધું પુણ્ય મળે તેમ ડરશ તો પૂર્ણ લાભ અને ડરવાનો ડોળ કરશો તો અપૂર્ણ લાભ. લાભ અવશ્ય.
પતિ માટે પત્નીને ઘરભેગી કરવામાં એટલે કે તેની સાથે લગ્ન કરી પિયરમાંથી સાસરીમાં લાવવામાં ઓછી જહેમત ઉઠાવવી પડતી નથી. પહેલાં તો કન્યાનો પિતા એની સુ-કન્યા માટે મારા જેવા સુ-વરને શોધી કાઢે, કન્યાની કુંડળી સાથે મારી કુંડળી મેળવે, મંગળ કે શનિની સ્થિતિ- પરિસ્થિતિને અનુકૂળ હોય, બિયાબારું ન હોય અને હોય, તો બધાં બાકોરાં પુરવાં પડે અને ખૂબ જ જરૂરી એ કન્યા આપણી સાથે જીવન જોડી, કડાકૂટ કરવા તૈયાર હોય,
કારણ કે એનું એક જ ‘ઊંહું’ બધો તાલ બે-તાલ બનાવી દે છે અને એક જ ‘હા’ હાહાકાર થતો અટકાવે છે. પણ મહાનુભાવો નવાઈની વાત તો એ છે કે, મારા મનમાં ઘણીવાર બીજું લગ્ન કરવાના વિચારો કૂદાકૂદ કરે છે. કદાચ દરેક પતિના મનમાં જીવનમાં એકાદ વાર તો બીજું લગ્ન કરવાનો વિચાર આવતો જ હશે. જોકે મારી પત્નીને ભયભીત થવાની જરૂર નથી, ખુશ થવું જોઈએ કે મેં એવા કુવિચારને જબરજસ્તીથી દબાવી દીધો છે. સાચું કહું તો મારી હિંમત જ ચાલી નથી. વળી, મારા વિચારો પ્રમાણે દરેક પત્ની, પહેલી હોય કે બીજી પત્ની, એકસરખી જ હોય છે અને દરેક પતિ પહેલો હોય કે બીજો, પહેલા જેવો જ હોય છે. દરેક બીજું લગ્ન કેવળ પહેલા અનુભવની પુનરાવૃત્ જ હોય છે.
જયારે મારી પત્નીનું આગમન અમારા ઘરમાં થયું કે તરત જ એક તરફ મારી માતા, બહેન અને ભાભી ખુલ્લંખુલ્લા મને કહેવા લાગ્યાંઃ ‘તું તારી પત્નીનો વગર પગારનો ગુલામ છે, એનો પાલવ પકડીને ચાલનારો છે.’ મને ગળા સુધીની ખાતરી હતી કે, આ ઘોષણા સાંભળીને મારી પત્ની રાજી થશે, પણ એણે તો મારા ઉપર વળતો ઘા કર્યો. ‘તમે જ તમારી મા, બહેન અને ભાભી આગળ બીકણ બિલાડી જેવા બની જાઓ છો, મારા પક્ષમાં રહેવાને બદલે સામા પક્ષમાં તમે ભળી ગયા છો, હું બધું સમજું છું.’
મા કહે છે કે, મારો દીકરો હાથથી ગયો, બહેન કહે છે કે ભાભીને ભાઈની ચોટલી પકડી તો હતી જ, પણ હવે કાપી લીધી હોય તેવું દેખાય છે અને ભાભીનું કહેવું છે કે, દેરાણી લાવતાં દિયરજી આખે આખા બદલાઈ ગયા છે. શાસ્ત્રાનુસાર બધી જ સ્ત્રીઓ પૂજનીય છે, આ આક્ષેપબાજી મારા માટે આતશબાજી સિદ્ધ થઈ રહી છે. ત્યારે થયું કે, પતિએ ક્યારેક ક્યારેક આંધળા અને ક્યારેક ક્યારેક બહેરા પણ બનવું જોઈએઃ આપણે ક્યા કશું જોયું છે ? કે આપણે ક્યાં કશું સાંભળ્યું છે…?
હું ઈચ્છું છું કે મારી પત્ની ફકત મારી જ રહે. તમે કહેશો, ભલા માણસ, પત્ની તો પોતાની જ હોય છે ને ? તો તમે મારા કહેવાનો અર્થ સમજ્યા નથી. એ કોઈની મા ના હોય, કોઈની દીકરી ના હોય, કોઈની બહેન ના હોય, ના એનાં પિયરિયાંને યાદ કરે કે ના કરે યાદ એવી સાહેલીઓને. એના જીવનની એકેએક ક્ષણ મારા માટે જ ફાળવે. એટલું જ નહીં, મારી આંખે જુએ, મારા કાને સાંભળે અને મારા ઈશારા પ્રમાણે ચાલવાનું રાખે.
પણ ધાર્યું ધણીનું થાય નહીં, ત્યારે કહેવાતા ધણીએ ધરતીકંપ જેવો ઓચિંતો આંચકો અચૂક લાગે કે નહીં? પત્ની આપણા કાબૂમાં રહે નહીં અને આપણે પત્નીના કાબૂ હેઠળ આવી જઈએ અને ધણીપણાનો ધ્વંશ થતાં, પતિપદ પર આપદ આવતાં, પતિપણું નામશેષ થતાં, ‘નામમાત્રના પતિ’ બની રહેવામાં જ, એ પદ શોભાવવામાં જ આપણું સર્વાધિક હિત છે.
જરા જુઓ તો ખરા, એ એની બેબીનાં બૂટ-મોજાં શોધી રહી છે, પણ મારા ખમીસનાં તૂટેલાં બટન ટાંકવાનું યાદ આવતું નથી. અમારો બાબો સૂતાં સૂતાં પડખું ફેરવે તો એની ઉંઘ ઉડી જાય છે, પણ મારી ઉંઘ હરામ થાય ને હું પડખાં બદલ્યા કરું તોય એની અખંડ નિદ્રાનો ભંગ થાય નહીં. એનાં પોતાનાં ભાઈ-બહેન અમારે ત્યાં પધાર્યાં હોય, ત્યારે અડધી અડધી થઈ જાય અને જાણે હું હાજર છું જ નહીં, તે રીતે હરફરે. મેં સ્નાન કર્યું કે ના કર્યું ? હું જાગ્યો કે ઉંઘી ગયો ? મેં ખાધું-પીધું કે ભુખ્યો રહ્યો ? હું ઘરમાં છું કે બહાર છું ? જાણે એને આ બધી બાબતોમાં કોઈ નિસબત ન હોય તેમ નિસ્પૃહ બની રહે. બાંધી મુઠ્ઠી લાખની ને લાખની રાખવા હું કહું જ બોલું નહીં, ત્યારે જાણભેદુઓ પીઠ પાછળ લેબલ ચિટકાવેઃ ‘ડરપોક’.
આ કંઈ આજના દિવસ પૂરતું નથી, આ તો રોજની રામાયણ છે. આ તો રોજેરોજનો ને આઠેય પહોરનો અતૂટ કાર્યક્રમ છે. હું પૂર્વ્ તો એ પશ્ચિમ, હું ઉત્તર તો એ દક્ષિણ, મારી ‘હા’ એની ‘ના’- સવારના પહોરથી જ એ શરૂ થઈ જાય છે.
‘બેડ ટી’ હંમેશાં મોં ધોયા વિના જ પીવાનો મારો આગ્રહ હોય, ત્યારે એનો બ્રશ કર્યા વિના ટીપું ચા પણ નહીં મળે એવો દુરાગ્રહ હોય. આ વટહુકમને કારણે ‘બ્રેડ ટી’ ‘બેડ ટી’ બની જાય.
મારે પ્રાતઃકાળમાં પહેલા છાપું વાંચવા જોઈએ, ત્યારે એ કહેઃ ‘પાછા છાપું પકડીને બેઠા ? બીજો ધંધો નથી. દૂધ લેવા જાઓ કે ટોયલેટ જાઓ.’
હું કહુંઃ ‘દરરોજ દાળ-ભાત-રોટલી-શાક ખાઈ ખાઈને કંટાળ્યો છું.’ તો કહેઃ ‘અમે રાંધી રાંધીને કંટાળ્યા છીએ.’
હું સ્કૂટર પર ઓફિસે જવા માગું તો કહેઃ ‘સ્કૂટર વાપરી વાપરીને તમે અનાજ ભરવાના કોથળા જેવા દેખાઓ છો. થોડા ઢંગમાં દેખાવા ચાલતા જાવ અને ચાલતા પાછા
આવો.’
સાંજના છ વાગે કહું કે, ચાલો બાગમાં લટાર મારી આવીએ. ત્યારે કહે કે, ‘લટારો મારવાનું તમને સોંપ્યું, અમારે તો રસોડું ભલું.’
મારી બધી જ યોગ્યતા એની આગળ અયોગ્યતામાં પરિણત થાય છે. હું શાસન કરવા જાઉં છું, તો ઉલટો શાસિત બનીને રહી જાઉં છું. હવે આની ફરિયાદ ક્યાં કરવી ? અહીં તો અસહયોગને કે સત્યાગ્રહને અવકાશ જ નથી. તમે કહો, હું શું કરું ને શું ન કરું ? હું તો માત્ર આટલું જ યાદ રાખું છુંઃ ‘હું ભલે પતિ રહ્યો નામનો, પણ છું પત્નીના કામનો !’
તમને એ જાણીને આશ્ચર્ય સાથે આઘાત લાગશે કે મારી ધર્મપત્નીને ફોટા પડાવવાનું ગમતું નથી. એનાં માતા-પિતા અને દાદા-દાદીએ કદી ફોટા પડાવ્યા નથી. એના ખાનદાનની એવી ભવ્ય પરંપરા છે. પરંપરાની જાળવણી કરે તે જ સંતાન ઉત્તમ ગણાય. ‘ફોટોગ્રાફર જેવા પરપુરુષ આપણું મોં ટીકીટીકીને જોયા કરે એ ચલાવી જ શી રીતે લેવાય ? એવી એની દલીલ છે.
મેં એને ઘણી સમજાવી કે, એ લોકોના જમાનામાં કેમેરા નહીં હોય અથવા હશે તો એને આપવા જેટલી રકમનો અભાવ હશે. હવે તો અતિઉત્સાહી લોકો બે- ત્રણ ટક ખાવાનું બંધ રાખી, એવી રીતે બચત કરીને પણ ફોટા પડાવ્યા જ કરે છે. ખાધા વિના ચલાવી લેવાય પણ અવનવા પોઝવાળા ફોટા પડાવ્યા વિના ન ચાલે. મેં યુક્તિપૂર્વક કહ્યુંઃ ‘ફોટો પડાવવામાં તને લાભ છે.’
એ કહેઃ ‘શો લાભ? ઝટ બોલો.’ મેં કહ્યુંઃ ‘જયારે હું નિવૃત્ત થઈશ ત્યારે પેન્શન મેળવવા ફોટા ચિટકાવીને અરજી કરવાની હોય છે. પછી એ ફોટાને આધારે પેન્શનરને પેન્શન મળે, પણ એ આ પૃથ્વી પરથી વહેલો વિદાય થાય અને એની સહધર્મચારિણી એની સાથે જવાની આનાકાની કરી આ પૃથ્વી પર રહી પડે, તો અને એનો ફોટો એના પતિની અડોઅડ પાડેલો હોય તો, એને કુટુંબપેન્શનના નામે અડધું પેન્શન મળે.’
આ સાંભળીને મારી પત્નીએ કૂદકો મારી સહર્ષ કહ્યુંઃ ‘ઓ હો ! તો તો અત્યારે જ ચાલો. મારા ખાનદાનની પરંપરામાં મુકાય પૂળો !’ ભગવાનની દયા છે કે મારું આટલું વેણ એણે રાખ્યું. હું એ માટે એનો જીવનભર ઋણી છું.
પછી હું મારા એક, ત્રણવાર પરણેલા અનુભવી મિત્રની સલાહ લેવા ગયો. મિત્રે પૂછયુંઃ ‘તને હવે પેન્શન મળે છે ? પેન્શનનું શું કરે છે ?’
મેં કહ્યુંઃ ‘પ્રત્યેક મહિને પેન્શનની રકમ સામટી ઉપાડી પત્નીના કરકમળમાં પધરાવી દઉ છું.’
મિત્રે સલાહ આપી અને તે પણ હુકમની ભાષામાં કહ્યુંઃ ‘જા, ખોંખારો ખાઈને તારી પત્નીને કહે કે હજાર રૂપિયા લાવ.’
મેં કહ્યુંઃ ‘એમ કેવી રીતે આપે ? એમાં ખોંખારો ખાવાની શી જરૂર ? હજાર રૂપિયાની સગવડ થાય તેમ છે કે નહીં ? એમ નમ્રતાથી યાચીએ તો ન ચાલે ?’
મિત્ર કહેઃ ‘અલ્યા, અત્યારથી જ ઢીલી વાત કરવા મંડી ? પાણી બતાવવાનું આવ્યું ત્યારે જ છેક પાણીમાં બેસી જવાનું ? ક્યારેક પતિ તરીકે કામ લીધું છે કે માત્ર નામનો પતિ છે ? મને તો શંકા જાય છે કે તું એનો પતિ છે કે નહીં?’
મેં કહ્યુંઃ ‘શંકા, શંકા કેવી ? ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે હું જ એનો પતિ છું.’
મિત્ર કહેઃ ‘તો માગી લાવને?’
મેં કહ્યુંઃ ‘પણ મેં રકમ આપી જાણી છે, પાછી માગી જાણી નથી. દાનેશ્વરીને ભીખ માગવાનો વારો આવે તો કેવું લાગે ? એ તો મોં જોઈને રહી જાય, પણ હું ઈચ્છું છું કે હું પણ મોં બતાવવા લાયક બની રહું !’
મિત્ર કહેઃ ‘હું તને ક્યાં કહું છું કે જઈને તારી પત્નીને ધોલ માર. હું તો બસ, એટલું જકહું છું કે થોડી હિંમત એકઠી કરી, ફકત હજાર રૂપિયા માગી લાવ.’
મેં કહ્યુંઃ ‘સારું ભાઈ સા’બ, જાઉં છું. પ્રયત્ન કરી જોઉં.’
મને જોઈને પત્નીએ પૂછ્યુંઃ ‘ફરમાવો શી વાત છે ? કેમ ગભરાયેલા જણાવ છો?’
મેં કહ્યુંઃ ‘ગભરાયેલો? ના, ના, હું તો પૂછવા આવ્યો હતો કે જમવાનું થઈ ગયું કે નહીં ? થઈ ગયું હોય તો જમી લઉ.’
પત્ની કહેઃ ‘હજી વાર છે, ભુખ્યા નહીં રાખીએ, જાવ.’
દૂરથી મને આવતો જોઈ મિત્રે પૂછ્યુંઃ ‘કાં સિંહ કે શિયાળ ?’
મેં કહ્યુંઃ ‘જવા દે યાર ! બનવા ગયો સિંહ, સિદ્ધ થયો શિયાળ ! જો ભાઈ, મને તો આ જન્મમાં પત્ની પર દાદાગીરી કરવાનું ફાવશે નહિ. નામમાત્રના પતિ બની રહેવામાં જે મજા છે, તેવી ખરેખરા પતિ બની રહેવામાં નથી. હું તો એટલું જાણું કે, ‘જે સ્ત્રીને તમે પરણો તેને ચાહો.’ એ સફળ લગ્નની ખાતરી છે. બાકી હજાર રૂપિયા માગવાનો પ્રયત્ન તો આવતા જનમ માટે અનામત રાખું છું !