Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષની વયના કુલ ૩૭,૦૮૧ મતદારો પ્રથમ વખત મતદાન કરશે

નડિયાદના જાગૃત યુવા મતદારોએ જિલ્લાના નાગરિકોને ચૂંટણીલક્ષી પ્રેરક સંદેશો પાઠવ્યો

નડિયાદ, દેશ-દુનિયામાં વર્ષો સુધી અનેક વીર મહાપુરુષો દ્વારા આઝાદી માટે સંઘર્ષો કરીને લોકશાહીને પ્રસ્થાપિત કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે પણ અગાઉ કહ્યું હતું કે, મતદાનનો અધિકાર લોકશાહીના સારનું એક મહત્વપૂર્ણ ઘટક છે. ભારતના બંધારણમાં કલમ ૩૨૬ હેઠળ મત આપવાના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભારત દેશ વિશ્વમાં યુવાનોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

ચૂંટણી એ લોકશાહીનો આધારસ્તંભ છે અને આ આધારસ્તંભને પાયાથી મજબુત કરવામાં યુવાપેઢીની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

ભારતના ચુંટણી આયોગે આગામી સામાન્ય ચૂંટણીઓમાં અંદાજિત ૯૬.૮૮ કરોડ લોકો મતદાન કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેમાં ૧૮ થી ૨૯ વર્ષના વયજુથના અંદાજિત ૨ કરોડથી વધુ યુવા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. ત્યારે ૦૫ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરાયેલી મતદાર યાદી મુજબ ખેડા જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષની વયજુથના કુલ ૩૭,૦૮૧ અને ૨૦ થી ૨૯ વર્ષની વયજુથના કુલ ૩,૪૩,૦૯૪ યુવા મતદારો છે.

આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં યુવા મતદારોની સહભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નડિયાદ ચૂંટણી તંત્ર પણ ખડેપગે છે. આ વખતે જિલ્લાના યુવા મતદારો પણ લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરવા તૈયાર છે. જિલ્લાના નવયુવાનો જિલ્લાના નાગરિકોને ચૂંટણીનું મહત્વ સમજાવીને ચુંટણીમાં પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાનો પ્રેરક સંદેશો આપી રહ્યાં છે.

નડિયાદની જે શ્ જે સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માટે કોઈ પણ પ્રકારના પ્રલોભનથી અંજાયા વિના અચુક મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેમાં ચુટંણીમાં પ્રથમ વખતે જ મતદાન કરનાર યુવા મતદારો તરીકે ત્રીજા વર્ષના બી.એસ.સીના વિદ્યાર્થીની નાઝનીન પરવેજ મલેક, પુજા હિતેશકુમાર રબારી, રિચા જયેશભાઈ શર્મા,

દેવકુમાર વિપુલભાઈ તળપદા અને ભાવિક લાલજીભાઈ મકવાણા દ્વારા આગામી લોકસભા ચુંટણીમાં અચુક મતદાન દ્વારા લોકશાહીના પાવન પર્વને ઉજવવા શપથ લીધા હતા સાથે આ વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લાના અન્ય યુવાનોને પણ મતદાન કરવા અપીલ કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.