Western Times News

Gujarati News

લાંબો સમય સુધી જીવવા ઇચ્છતા હો તો કઠોર નહી પરંતુ નમ્ર બનો

એક સંત ઘણા જ વૃદ્ધ હતા.તેમને જોયું કે તેમનો અંત સમય નજીક આવી ગયો છે એટલે તેમને પોતાના તમામ ભક્તો અને શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે તમે મારા મોઢામાં જુઓ કે મારા કેટલા દાંત બાકી રહ્યા છે.તમામ શિષ્યોએ ગુરૂના મુખારવિંદમાં જોઇને કહ્યું કે આપના દાંત તો કેટલાય વર્ષો પહેલાં પડી ગયા છે.ત્યારે સંતે કહ્યું કે જીભ તો હયાત છે તો દાંત કેમ વહેલા પડી ગયા? જીભ તો જન્મથી વિદ્યમાન છે.

શિષ્યોએ પુછ્યું કે દાંત તો જન્મ થયા પછી કેટલાક વર્ષો પછી આવ્યા છે તો પાછળથી આવેલ વહેલા કેમ જતા રહ્યા? ત્યારે સંત જવાબ આપે છે કે આ વાત સમજાવવા માટે જ તમોને અહી બોલાવ્યા છે. જીભ હજુ સુધી વિદ્યમાન છે કેમકે તેનામાં કઠોરતા નથી. દાંત પાછળથી આવ્યા હોવા છતાં વહેલા પડી ગયા છે કારણ કે તેનામાં કઠોરતા વધારે છે.આ કઠોરતા જ તેના પતનનું કારણ છે એટલે લાંબો સમય સુધી જીવવા ઇચ્છતા હો તો કઠોર નહી પરંતુ નમ્ર બનો. નમ્રતા માનવીને વર્ષો સુધી જીવિત રાખે છે.

વૈર-વિરોધ અને ઇર્ષ્‍યા વધી જાય છે ત્યારે પ્રેમ-નમ્રતા અને સમદ્દષ્‍ટિનો સંદેશો આ૫વા માટે બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષ ધરતી ૫ર અવતરીત થઇને મનુષ્‍યને ઇશ્વરનાં દર્શન કરાવીને તમામ ભ્રાંતિઓ અને સંશયો દૂર કરે છે.

જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.નમ્રતાને અ૫નાવવાથી જ માનવતાનું કલ્યાણ સંભવ છે એટલે પ્રેમ નમ્રતા સમદ્રષ્‍ટિ સહનશીલતાને જીવનનો આધાર બનાવો.

વિવેક એ મનુષ્યની જીવનરૂપી ગાડીની ‘હેડલાઈટ’ છે, એના અજવાળે જ અંધકારરૂપી વિપરીત પરિસ્થિતિઓમાં માર્ગ કાપી શકાય છે,‘ઓવરટેઈક’ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારે વિવેક ચૂકવો ન જોઈએ.વિવેકનો ઉપયોગ કરીને માનવીએ નમ્રતાપૂર્વક જીવનમાં આગળ વધવું જોઈએ.

બે હાથ દ્વેત સૂચવે છે.ભેગા થાય ત્યારે અદ્વેતનો સંકેત કરે છે અને સર્વમાં એ અદ્વેત તત્વ જ રહેલુ છે તેનું સ્‍મરણ કરાવે છે.બે હાથ જોડાય છે ત્યારે અદ્વેત સ્‍થિતિ પ્રાપ્‍ત કરવાની છે તેનું સ્‍મરણ થાય છે અથવા બે હાથ ભેગા થઇને અદ્વેતના મહિમાનો સ્‍વીકાર કરે છે.દ્વેતમાં અહમની હાજરી છે.બે હાથ ભેગા થઇ વ્‍યક્તિ કે મૂર્તિને પ્રણામ કરે છે ત્યારે અહમ ઓગળવાની શરૂઆત થાય છે,નમ્રતાનો પ્રારંભ થાય છે.

સન્માન પ્રાપ્‍ત કરવાનું એક જ સાધન છેઃબીજાઓનું સન્માન કરો અને આમ કરવા માટે નમ્રતા અને સદભાવના હોવી અનિવાર્ય છે એટલે સન્માન પ્રાપ્‍ત કરવા માટે નમ્રતા અને નિઃસ્‍વાર્થભાવથી માનવતાના ઉત્તમ સિધ્ધાંતો ૫ર આધારિત વ્‍યવહારિક જીવન જીવવું જોઇએ.

સંતોની એવી ભાવના હોય છે કે મનુષ્ય જન્મ મળ્યો છે તો મૂળ સત્ય (૫રમાત્મા)ની સાથે તમામને જોડવામાં આવે, જેનાથી તમામ સત્ય પ્રભુ પરમાત્માની સાથે મળીને અમર અવસ્થા પ્રાપ્ત કરે અને આવાગમનનું ચક્ર સમાપ્ત થાય તથા તેના મનમાં પ્રેમ અને નમ્રતાનો નિવાસ થાય.

ભક્તિથી જીવનમાં નમ્રતા અને સહિષ્ણુતા આવી જાય છે.ભક્તની અર્પણ ભાવનાના કારણે બીજાના દ્રષ્ટિકોણનો આદર કરવાના કારણે ભક્તનું પ્રેમભર્યું દિલ સમગ્ર જગતને પોતાનો જ ૫રીવાર જુવે છે.

જ્યાં ધર્મ નથી ત્યાં અધર્મ પ્રવેશ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે.જગ્યા ખાલી રહેતી નથી.એક જશે તો બીજો આવશે.જેટલો જેટલો પ્રકાશ ફેલાશે એટલું અંધારૂં ઓછું થતું જશે. જીવનમાં ધર્મને સ્થાન આપવાથી નૈત્તિકતા, મધુર સ્વભાવ, પ્રેમ-નમ્રતાનો ભાવ આવશે.ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, ભલે આર્થિક, શારીરીક, માનસિક વિ૫ત્તિઓ આવી જાય તેમ છતાં ધર્મના માર્ગમાંથી વિચલિત થવું જોઇએ નહી.ધર્મ એ સત્યનો માર્ગ છે,શાંતિનો માર્ગ છે.તમામ ભૌતિક સાધનો હોવા છતાં ૫ણ જો શાંતિ ના મળે તો માનવ જીવનમાં બેચેની રહે છે.

ઇશ્વર એક છે તથા એક જ ધર્મ છેઃમાનવતા.આ ધર્મનું મૂળ છેઃપ્રેમ અને નમ્રતા.સદભાવના તેનાં પુષ્પો છે.નમસ્કારમાં નમ્રતાના દર્શન થવાં જોઇએ.નમસ્કાર સમર્પણની નિશાની છે.નમસ્કાર ચાર રીતે થાય છે.ફક્ત હાથ જોડીને,માથું નમાવીને હાથ જોડીને,માથાને જમીન સાથે અડાડીને ઝુકીને તથા આખા શરીરને દંડની માફક જમીન ઉપર લાંબુ કરીને જેને દંડવત નમસ્કાર કહે છે. શિષ્યભાવ બતાવવા નમસ્કાર જરૂરી છે.

જે વાણી મનુષ્યને મનુષ્યની સાથે જોડે,મનુષ્યના દિલમાં બીજાના માટે પ્રેમ-ભાઇચારો અને નમ્રતાની ભાવના જાગ્રત કરે તે જ વાણી યોગ્ય છે.મોહ એ પ્રેમનું બગડેલ રૂ૫ છે.પ્રેમની ભાષા તમામ સમજી શકે છે,પ્રેમ જ પ્રભુ ભક્તોની ઓળખાણ છે.જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે. ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી,વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી ૯૭૨૬૧૬૬૦૭૫(મો)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.