Western Times News

Gujarati News

એક સમયે AMTSની સ્વમાલિકીની 250 બસો અમદાવાદમાં દોડતી હતી- આજે સ્વમાલિકીની ‘શૂન્ય’ બસો

પ્રતિકાત્મક

AMTS: કોન્ટ્રાકટરો માટે – કોન્ટ્રાકટર દ્વારા ચાલતી સંસ્થા-સ્વમાલિકીની ‘શૂન્ય’ બસો સાથે રોડ પર એક હજાર બસો દોડાવવાના દાવા

(પ્રતિનિધિ) અમદાવાદ, એક જમાનામાં અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન લાલ બસ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કોન્ટ્રાકટરોના આગમન બાદ સંસ્થા કે તેના કર્મચારીઓનું કોઈ જ મહત્વ રહયું હોય તેમ લાગી રહયું નથી. Once 250 self-owned buses of AMTS ply in Ahmedabad – today ‘zero’ self-owned buses

એક સમયે જે સંસ્થાની સ્વમાલિકીની રપ૦ કરતા પણ વધુ બસો શહેરની સડક પર દોડતી હતી તે સંસ્થામાં આજે તેની પોતાની કહી શકાય તેવી એક પણ બસ રહી નથી. ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા ર વર્ષની ગણતરી કરવામાં ન આવે તો સંસ્થાના સ્થાપના વર્ષ ૧૯૪૭ કરતા પણ ઓછા પેસેન્જરો નોંધાતા આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસનું ર૦૦પ-૦૬માં ખાનગીકરણ થયું હતું તે સમયે લગભગ કોંગ્રેસ શાસનનો અંત આવ્યો હતો અને ત્યારબાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ પુનઃ સત્તા સંભાળી હતી. ર૦૧૦-૧૧ બાદ એએમટીએસમાં સતત ખાનગી બસોની સંખ્યા વધી રહી છે જયારે સંસ્થાની બસોમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો છે.

ર૦૧૦-૧૧માં સંસ્થાની ૧ર૪, ર૦૧૧-૧રમાં ૧૪૦, ર૦૧ર-૧૩માં ૧૪પ, ર૦૧૩-૧૪માં ૧૪પ, ર૦૧૪-૧પમાં ૧૪ર, ર૦૧પ-૧૬માં ૧૩ર અને ર૦૧૬-૧૭માં ૧૦પ બસ હતી જેની સામે આ જ વર્ષો દરમિયાન ખાનગી કોન્ટ્રાકટરોની અનુક્રમે ૪ર,૩૧, ર૯, ૪ર, ૪૪,૬ર અને ૯૩ બસો હતી. ર૦૧૭-૧૮માં ખાનગી કોન્ટ્રાકટરોએ પ્રથમ વખત સેન્ચુરી લગાવી હતી અને આ વર્ષ દરમિયાન ઓગસ્ટ મહિનાથી સંસ્થાએ સીએનજી અને મીની બસોનું પણ ખાનગીકરણ કર્યું હતું

ત્યારબાદ ર૦૧૮-૧૯માં કોન્ટ્રાકટરોની ૧ર૬, ર૦૧૯-ર૦માં ૧ર૭, ર૦ર૦-ર૧માં ૧ર૭, ર૦ર૧-રરમાં ૧ર૭ અને ર૦રર-ર૩માં ર૦પ બસ થઈ છે જેની સામે ર૦૧૮-૧૯ થી ર૦ર૧-રર સુધી સંસ્થાની ૭૭ બસો હતી જે ર૦રર-ર૩માં શૂન્ય પર આવી ગયો છે મતલબ કે હવે મ્યુનિ. સત્તાધીશો જે એક હજાર બસો દોડાવવાની જાહેરાતો કરી રહયા છે તે તમામ બસો કોન્ટ્રાકટરોની હશે અને જેના પેમેન્ટનો ભાર નાગરિકોના ખિસ્સા પર જશે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ૧૯૪૭માં જયારે એએમટીએસની સ્થાપના થઈ તે વર્ષ દરમિયાન કુલ ૩.૯૭ કરોડ પેસેન્જરોએ લાલ બસમાં મુસાફરી કરી હતી. જેની સામે ર૦ર૦-ર૧માં ૩.૭પ કરોડ મુસાફરોએ કોન્ટ્રાકટરોની લાલ બસમાં મુસાફરી કરી હતી. બસોનું ખાનગીકરણ થયા બાદ એએમટીએસની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

એક સમયે એએમટીએસની આવક વાર્ષિક ૧રપ કરોડ આસપાસ રહેતી હતી. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર દ્રષ્ટીપાત કરીએ તો ર૦ર૦-ર૧માં બસ સંચાલનની આવક રૂ.ર૬.૬૧ કરોડ ર૦ર૧-રર રૂ.૪૬.૩૬ કરોડ અને ર૦રર-ર૩માં રૂ.૭૮.૪પ કરોડ જ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.