Western Times News

Gujarati News

સુરત પાલિકા ડ્રેનેજનું પાણી ચોખ્ખું કરી વેચી ૩ વર્ષમાં 340 કરોડની કમાણી કરી

પ્રતિકાત્મક

સુરત, સુરત મહાનગરપાલિકાએ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટેની કવાયતમાં ગંદા પાણીને ટર્સરી ટ્રીટમેન્ટ કરીને શુદ્ધ કરી વેચીને આવક ઉભી કરનાર સુરત પાલિકા દેશની એક માત્ર મહાનગરપાલિકા છે.

સુરત પાલિકાએ ત્રણ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ટીપીપી)માંથી ત્રણ વર્ષમાં ટ્રીટેડ કરેલું પાણી ઉદ્યોગોને વેચીને ૩૪૦ કરોડની માતબર આવક ઉભી કરી છે. ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટ્રીટેડ પાણી વેચવામાં મળેલી સફળતા બાદ હવે પાલિકા સેકન્ડરી વેસ્ટ વોટર વેચી આવક ઉભી કરવા માટે આયોજન કરી રહી છે.

સુરત પાલિકા દ્વારા સુએઝ વોટરને ટર્સરી ટ્રીટમેન્ટ કરીને ઉદ્યોગોને પાણી આપવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં આ પ્રોજેકટ માટે અનેક પડકાર હતા. જોકે પીવાનું શુદ્ધ પાણી બચાવવા સાથે ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે પાલિકાએ અપનાવેલી આ યોજનાના કારણે પાલીકાની આવક થવા સાથે પર્યાવરણની જાળવણી પણ થઈ રહી છે.

સુરત પાલિકા સુએઝ વોટરને ટર્સરી ટ્રીટમેન્ટ કરીને પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને ૧૧પ એમ.એલ.ડી. પાણી પુરવઠો આપી રહી છે. આ ઉપરાંત સુરત પાલિકાએ બમરોલીમાં ૭પ એમ.એલ.ડી. અને ડીંડોલીમાં ૪૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સચુનના ઉદ્યોગોને પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આવી રીતે ટર્સરી ટ્રીટ કરેલું પાણી આપીને પાલિકાએ ત્રણ વર્ષમાં ૩૪૦ કરોડની આવક ઉભી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.