Western Times News

Gujarati News

ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથા રદ થવાથી મુસ્લિમ દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થયું છે: PM મોદી

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ: PM મોદી-ઉત્તર પ્રદેશના સહારનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર-પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા જે પ્રકારનો ઢંઢેરો જારી કરવામાં આવ્યો છે તે સાબિત કરે છે કે આજની કોંગ્રેસ ભારતની આકાંક્ષાઓથી દૂર છે

સહારનપુર, ઉત્તર પ્રદેશના સહારનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, સપા અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. એક રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસના ઢંઢેરાને “મુસ્લિમ લીગની છાપ” ધરાવતો ગણાવ્યો અને કહ્યું કે આજની કોંગ્રેસ ભારતને ૨૧મી સદીમાં આગળ લઈ જઈ શકતી નથી.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો એ જ વિચારને પ્રતિબિંબિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગના હતા, જે કંઈ બચ્યુ છે તેના પર ડાબેરીઓનું વર્ચસ્વ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ત્રીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં ખૂબ જ મહત્ત્વપૂર્મ નિર્ણયો લેવામાં આવનાર છે. જેનાથી પ્રજાને વ્યાપક પ્રમાણમાં ફાયદો થશે.

પોતાના પ્રહારોને વધુ તીવ્ર બનાવતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા જે પ્રકારનો ઢંઢેરો જારી કરવામાં આવ્યો છે તે સાબિત કરે છે કે આજની કોંગ્રેસ ભારતની આકાંક્ષાઓથી દૂર છે. તેમણે કહ્યું કે તમે મારું કામ જોયું છે. મારી દરેક ક્ષણ દેશના નામે છે. તમારું સ્વપ્ન મોદીનો સંકલ્પ છે. અમે ભ્રષ્ટાચાર પર જે હુમલો કરી રહ્યા છીએ તે તમારા સારા ભવિષ્ય માટે છે. પીએમે કહ્યું કે ભ્રષ્ટાચાર ગરીબોના સપના તોડે છે અને તમને લૂંટે છે. પીએમે કહ્યું, તમારા પુત્ર-પુત્રીઓને બચાવવા માટે હું આટલા બધા અત્યાચારોનો સામનો કરી રહ્યો છું.

અહીં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિ વિરુદ્ધ રાહુલ ગાંધીના ભાષણ પર સવાલ ઉઠાવ્યા છે. મોદીએ કહ્યું કે આપણે એ દેશના લોકો છીએ જે શક્તિની પૂજા કરે છે, પરંતુ આ દેશની કમનસીબી છે કે ઇન્ડિયા ગઠબંધનના લોકો શક્તિને ખુલ્લી રીતે પડકારી રહ્યા છે. તેમની લડાઈ શક્તિ સામે છે. શું કોઈ શક્તિને ખતમ કરી શકે છે? જેમણે શક્તિનો નાશ કરવાનો પ્રયાસ કર્યો તેમની શું હાલત થઇ તે પુરાણો અને ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે. રેલીમાં ઉપસ્થિત મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પીએમ મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે પીએમ મોદીએ ક્યારેય હિન્દુઓ અને મુસ્લીમો વચ્ચે ભેદભાવ કર્યો નથી.

પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૪ના એ દિવસોને યાદ કરો જ્યારે દેશ ભારે નિરાશા અને સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે મેં તમને બાંહેધરી આપી હતી કે હું દેશને ઝૂકવા નહીં દઉં, દેશને અટકવા નહીં દઉં. મેં સંકલ્પ કર્યો હતો કે તમારા આશીર્વાદથી હું દરેક શહેર બદલીશ. હું દરેક પરિસ્થિતિ બદલીશ, હું નિરાશાને આશામાં બદલીશ, હું આશાને વિશ્વાસમાં બદલીશ.

તમે તમારા આશાવાદમાં કોઈ કસર છોડી નથી અને મોદીએ તેમની મહેનતમાં કોઈ કસર છોડી નથી. મોદીએ કહ્યું કે વિશ્વમાં ભારતનું ગૌરવ તેમના કારણે નહીં પરંતુ ૧૪૦ કરોડ દેશવાસીઓના મતની શક્તિના કારણે ગૂંજી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ગરીબ કલ્યાણ એ ભાજપ માટે માત્ર ચૂંટણીની જાહેરાત નથી પરંતુ અમારું મિશન છે. કોંગ્રેસ જે નથી કરી શકી તે બે દાયકામાં ભાજપે કરી બતાવ્યું.

વર્ષો દરમિયાન કોંગ્રેસ સત્તામાં હતી, તેણે કમિશનને પ્રાથમિકતા આપી. ઈન્ડીયા એલાયન્સ માત્ર કમિશન માટે છે અને એનડીએ મોદી સરકારના મિશન માટે છે. સહારનપુર, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, ત્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. તેથી પીએમ મોદીએ ટ્રિપલ તલાક નાબૂદ કરવાના તેમની સરકારના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે મુસ્લિમ દીકરી કોઈની બહેન છે તો કોઈની દીકરી. સારી જગ્યાએ લગ્ન પછી પણ માતા-પિતાને ચિંતા રહેતી હતી કે જમાઈ ગુસ્સે થઈને ટ્રિપલ તલાક બોલી શકે છે. મોદીએ કહ્યું કે ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથા રદ થવાથી માત્ર મુસ્લિમ દીકરીઓનું ભવિષ્ય જ નહીં પરંતુ સમગ્ર પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે.. આ માટે મુસ્લિમ દીકરીઓ મોદીને સદીઓ સુધી આશીર્વાદ આપતી રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.