Western Times News

Gujarati News

આ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરી ભાજપની પ્રવેશબંધી કરી

પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી વિરુદ્ધની લાગેલી આગ સૌરાષ્ટ્રથી લઈ ઝઘડિયાના વિસ્તારો સુધી પ્રસરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે એક કાર્યક્રમ દરમિયાન તેમની સભામાં જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો રોષ અને આગ રાજકોટ પૂરતો સીમિત નહીં રહી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ સુધી પ્રસરી રહ્યો છે.

ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ની ટિપ્પણી બાબતે તેમની ભાજપમાંથી ઉમેદવારી રદ કરવાની માંગણી કરી રહ્યા છે અને હરીપુરા ગામમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે.આ બાબતે હરીપુરા ગામ ખાતે આજરોજ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનુ દહન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ બાબતે યુવા આગેવાનો તથા મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર જે ટીપણી કરી છે તે વ્યાજબી નથી જેના માટે ભાજપ જવાબદાર છે અને ભાજપ દ્વારા જો તેના પર યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો અમે તેનો બહિષ્કાર કરીએ છીએ,ચૂંટણી સમયે અમે એક પણ મત પેટી ગામમાં આવવા દઈએ નહીં અને જે કંઈ કરીશું તે કાયદામાં રહીને તેમનો વિરોધ કરીશું,

રૂપાલા એ જે નિવેદન આપ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ,ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ્દ થવી જોઈએ તે રદ્દ કરી નથી,ભાજપ દ્વારા જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ્દ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકરે હરીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું હતું.ક્ષત્રિય સમાજ એ આઝાદી બાદ એક અવાજે એક સાથે દેશના તમામ રજવાડાઓ સોંપી દીધા હતા તો શું ભાજપ દ્વારા એક રૂપાલાની ટિકિટને રદ્દ કરવામાં નથી આવતી તે ભાજપે સમજવું જોઈએ,

અને પુરુષોત્તમ રૂપાલા ની ૭૦ વર્ષની ઉંમરે તેમણે ઉમેદવારી માટે આટલી લાલસા નહીં રાખવી જોઈએ, રૂપાલાએ પણ સમાજની જે માંગણી છે તેને આદર આપી તેમણે પણ પોતાનું નામાંકન રદ્દ કરી લેવું જોઈએ તેમ જણાવ્યું હતું, જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી અમો ક્ષત્રિય સમાજ તેમનો બહિષ્કાર કરીશું અને જ્યાં સુધી અમારા ક્ષત્રિય સમાજની માંગણી પૂરી નહીં થાય

ત્યાં સુધી અમારા હરીપુરા ગામમાં એક પણ ભાજપના કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવી ચિમકી ઉચ્ચારી હતી અને ગામની અંદર ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાડ્‌યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે હરીપુરા ભરૂચ જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે જ્યાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ તેનો વિરોધ હરીપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં હરીપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા થયેલો વિરોધ અન્ય ગામોમાં પણ પ્રવેશશે તેમાં કોઈ બે મત નથી !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.