Western Times News

Gujarati News

રાજ્યના 13 હજાર જેટલા મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધારવા 20.3 લાખ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે

આંગણે આવેલા અણમોલ અવસરનું અનોખું આમંત્રણ-સહપરિવાર મતદાન થકી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા મહિલા મતદારોને ખાસ અનુરોધ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી

વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની. પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવામાં આવશે.

ગણતરીના દિવસોમાં જ દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજ્યના 13 હજાર કરતાં વધુ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરૂષો અને મહિલાઓના મતદાનની ટકાવારીનો તફાવત 10 ટકા કરતાં વધુ હોય તેવા અને કુલ મતદાન 50 ટકા કરતાં ઓછું હોય તેવા લગભગ 13 હજાર મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે.

આ મતદાન મથકો પર મતદાનનું પ્રમાણ વધે તે માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને શહેર કક્ષાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સની, ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP)ના નોડલ ઑફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્યના આવા ઓળખ કરાયેલા લગભગ 13 હજાર મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજ્યભરમાં સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી કુલ 20.3 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે. આ આમંત્રણ પત્રિકા થકી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા મહિલા મતદારોને દૈનિક કામગીરીની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી સહપરિવાર મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરણા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઓછા મતદાનના કારણો અંગે ચર્ચા કરવા તેમજ મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટેના પ્રયાસો કરવા તમામ મતદાન મથકો પર ચુનાવ પાઠશાલાનું આયોજન કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું છે. ચુનાવ પાઠશાલા અંતર્ગત આશા વર્કર, આંગણવાડી કાર્યકર, બુથ લેવલ ઑફિસર, શાળાના આચાર્ય, તલાટી, ગ્રામ સેવક, ગામના બિનરાજકીય સામાજિક આગેવાન અને સ્વસહાય જૂથના સભ્યો દ્વારા શેરી બેઠકો યોજવામાં આવે છે.

ચુનાવ પાઠશાલા અંતર્ગત યોજાનાર આ બેઠકોમાં ગત ચૂંટણીના પુરૂષ-મહિલા મતદાનના આંકડા બાબતે તથા મહિલાઓના ઓછા મતદાનના કારણોની ચર્ચા કરી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે સપરિવાર મતદાનનો સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.