Western Times News

Gujarati News

હવે નોર્થ-ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી દૂર છેઃ મોદી

કોંગ્રેસે પૂર્વોત્તર સાથે સાવકી માતા જેવું વર્તન કર્યુંઃ મોદી

(એજન્સી)નવી દિલ્હી, આઝાદી પછી ઉત્તર-પૂર્વના રાજ્યો દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલાઈ ગયા. કોંગ્રેસની સરકારોએ અહીંના લોકો સાથે સાવકી માતા જેવું વર્તન કર્યું. અમે એ ખ્યાલ બદલી નાખ્યો કે ઉત્તર-પૂર્વ દૂર છે. આજે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. પૂર્વોત્તર દુનિયાને બતાવી ચુક્યું છે કે જ્યારે ઈરાદા સાચા હોય છે તો પરિણામ પણ સાચા હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ધ આસામ ટ્રિબ્યુન’ને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી. તેમણે ઉત્તર-પૂર્વના પડકારો અને તેનો સામનો કરવા માટે કેન્દ્રની પહેલોની ચર્ચા કરી. તેમણે આસામમાં વિદ્રોહ, અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવા, મણિપુર હિંસા, નાગાલેન્ડમાં રાજકીય સંઘર્ષ અને મિઝોરમમાં ઘૂસણખોરીની સમસ્યા વિશે વાત કરી.

મોદીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે અને રહેશે. આમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે ત્યાંની સ્થિતિને સંવેદનશીલતાથી વર્તવી પડશે. આ આપણા સૌની જવાબદારી છે. પીએમએ જણાવ્યું કે તેમના કાર્યકાળના છેલ્લા ૧૦ વર્ષમાં ઉત્તર-પૂર્વના વિકાસ માટે તેમણે શું પગલાં લીધાં છે. કોંગ્રેસની અગાઉની સરકારોએ અહીંના લોકો સાથે સાવકી માતા જેવું વર્તન કર્યું કારણ કે તેમને ચૂંટણીમાં ઓછા લાભ મળ્યા હતા. તેઓ કહેતા હતા કે ઉત્તર-પૂર્વ ખૂબ દૂર છે અને તેના વિકાસ માટે કામ કરવું મુશ્કેલ છે.

હું છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ ૭૦ વખત ઉત્તર-પૂર્વમાં ગયો છું. આ આંકડો મારા પહેલાંના તમામ વડાપ્રધાનોની ઉત્તર-પૂર્વની કુલ મુલાકાતો કરતાં વધુ છે. ૨૦૧૫થી અમારા કેન્દ્રીય મંત્રીઓએ ૬૮૦થી વધુ વખત પૂર્વોત્તરની મુલાકાત લીધી છે. અમે એ ધારણા બદલી છે કે ઉત્તર-પૂર્વ બહુ દૂર છે. આજે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. પૂર્વોત્તર દુનિયાને બતાવી ચુક્યું છે કે જ્યારે ઈરાદા સાચા હોય છે તો પરિણામ પણ સાચા હોય છે.

છેલ્લા ૫ વર્ષમાં અમે અહીંના વિકાસ માટે કોંગ્રેસ અથવા અગાઉની કોઈપણ સરકારના ભંડોળ કરતાં લગભગ ૪ ગણું વધુ રોકાણ કર્યું છે. અમે બોગીબીલ બ્રિજ અને ભૂપેન હજારિકા સેતુ જેવા લાંબા સમયથી પેન્ડિંગ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્‌સ પૂર્ણ કર્યા છે. કનેક્ટિવિટી વધવાથી લોકોનું જીવન સરળ બન્યું છે.

અમે ઉત્તર પૂર્વના યુવાનો માટે શિક્ષણ, રમતગમત, ઉદ્યોગસાહસિકતા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં દરવાજા ખોલ્યા. ૨૦૧૪થી ઉત્તર-પૂર્વમાં ઉચ્ચ શિક્ષણ માટે ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. દેશની પ્રથમ સ્પોટ્‌ર્સ યુનિવર્સિટી મણિપુરમાં ખોલવામાં આવી. અમે નોર્થ ઈસ્ટના ૮ રાજ્યોમાં ૨૦૦થી વધુ ખેલો ઈન્ડિયા કેન્દ્રો બનાવી રહ્યા છીએ.

છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્રમાંથી ૪ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ ઉભરી આવ્યા છે. અહીં ખેતી વિકસી રહી છે. ફળોની નિકાસ, ઓર્ગેનિક ર્ફામિંગ અને મિશન ઓઈલ પામથી ઘણી સમૃદ્ધિ આવી રહી છે. આજે ઉત્તર-પૂર્વ તમામ પ્રદેશોમાં મોખરે છે. બળવો, ઘૂસણખોરી અને સંસ્થાકીય ઉપેક્ષાનો લાંબો ઈતિહાસ છે. અમે ઉગ્રવાદને ઘણી હદ સુધી કાબૂમાં રાખ્યો છે.

અમે અમારા લોકોનો વિશ્વાસ જીતવામાં અને શાંતિ જાળવવામાં પણ સફળ રહ્યા છીએ. છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧૧ શાંતિ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અગાઉની કોઈપણ સરકાર હેઠળ થયેલા શાંતિ કરારો કરતાં વધુ છે. ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૯ હજાર ૫૦૦થી વધુ આતંકવાદીઓ આત્મસમર્પણ કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.

અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે અને રહેશે. આમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. આજે સૂર્યના પ્રથમ કિરણોની જેમ અરુણાચલ અને ઉત્તર-પૂર્વમાં વિકાસના કામો પહેલાં કરતા વધુ ઝડપે પહોંચી રહ્યા છે. ગયા મહિને હું ‘ડેવલપ ઈન્ડિયા, ડેવલપ નોર્થ ઈસ્ટ’ કાર્યક્રમ માટે ઈટાનગર ગયો હતો. મેં ત્યાં રૂ. ૫૫ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્‌સનું અનાવરણ કર્યું, જે વિકસિત ઉત્તર-પૂર્વની ખાતરી આપે છે.

અરુણાચલમાં લગભગ ૩૫ હજાર પરિવારોને કાયમી મકાનો મળ્યા. ૪૫ હજાર પરિવારોને પીવાના પાણી પુરવઠા યોજનાનો લાભ મળ્યો. અમે અરુણાચલને દેશના બાકીના ભાગો સાથે જોડવા માટે ૨૦૨૨માં ડોનયી પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.

લગભગ ૧૨૫ ગામો માટે નવા રોડ પ્રોજેક્ટ્‌સ અને ૧૫૦ ગામોમાં પર્યટન અને અન્ય માળખાકીય સુવિધાઓને લગતા પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા. સરકારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની ઉન્નતિ યોજના પણ શરૂ કરી છે, જે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં રોકાણ અને નોકરીઓ માટે નવી શક્યતાઓ લાવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.