Western Times News

Gujarati News

ત્રણ દિવસમાં અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે

અમદાવાદ જિલ્લામાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ૬૮૧૪ BU,  ૬૮૧૪ CU અને ૭૩૫૭ VVPATની ફાળવણી

ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી -2024 માટે આગામી ૭ મે – ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યૂરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. તથા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયા બાદ સોમવારથી અમદાવાદના મોટેરા ખાતે આવેલ ઈ.વી.એમ. વેર હાઉસ ખાતેથી વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

આ અંગે મીડિયા સાથે વાત કરતા અમદાવાદ જિલ્લાના EVM ડિસ્ટ્રિબ્યુશન નોડલ અધિકારી શ્રી વિમલભાઈ જોષીએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં આવેલા ૨૧ વિધાનસભા મત વિસ્તાર અને ૫ સંસદીય મત વિસ્તારો માટેના ઈ.વી.એમ. ડિસ્ટ્રિબ્યુશનની કામગીરીનો સોમવારથી પ્રારંભ થઇ ગયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ જિલ્લા ખાતે આવેલા આ વેર હાઉસમાં એફએલસી થયેલા ૯૫૭૨ બેલેટ યુનિટ, ૮૬૫૫ કંટ્રોલ યુનિટ તેમજ ૮૯૩૨ વીવીપેટ મશીન છે. જે પૈકી ૬ એપ્રિલ સોમવારથી ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ ચૂંટણી પંચ દ્વારા નિયત ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટની ફાળવણી કરવામાં આવી રહી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લામાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ૬૮૧૪ BU – બેલેટ યુનિટ, ૬૮૧૪  CU- કન્ટ્રોલ યુનિટ અને ૭૩૫૭  VVPAT ઈ.વી.એમ.(ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની પારદર્શક પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ વિધાનસભા સીટ દીઠ જે તે મદદનીશ ચૂંટણી અધિકારીને ઇ.વી.એમ.ની ફાળવણીનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા આગામી ત્રણદિવસ સુધી ચાલશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આમ, અમદાવાદ જિલ્લાના મતદાન મથકો માટે ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ- કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ સાથે સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ જિલ્લાના સંબધિત એ.આર.ઓ.ને ઈ.વી.એમ.ની સોંપણી કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ લોકેશન ટ્રેસ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા તેમજ ચૂંટણી પંચની તમામ ગાઇડલાઇનનું પાલન સંપૂર્ણપણે કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડિ.કે,  જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર અને સુશ્રી નેહા ગુપ્તા સહિત તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.