Western Times News

Gujarati News

મુસાફરોને રિક્ષામાં બેસાડી સામાન ચોરતી ગેંગ 23 મોબાઈલ સાથે ઝડપાઈ

પ્રતિકાત્મક

મુસાફરોને લૂંટવા સાગરીત મહિલાને રિક્ષામાં અગાઉથી બેસાડી રાખતાઃ ચોરીના મોબાઈલ મજુર વર્ગના લોકોને સસ્તામાં વેચતા હતા

(એજન્સી)ગાંધીનગર, એકલદોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની કિંમતી સામાન ચોરી લેતી ગેંગને ૨૩ મોબાઈલ સાથે અડાલજ પોલીસે ઝડપી વધુ ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. મહિલા સહિત ૩ જણની ગેંગ પાસેથી પોલીસે રૂ.૨.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિક્ષામાં બેસાડેલા મુસાફરોના સામાનની ચોરીના વધતા ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવામાટે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ તમામ પોલીસ મથકના અધિકારીઓની તાકીદની સૂચના આપી હતી. તેના આધારે અડાલજ પોલીસ મથકના પીઆઈ સાજનકુમાર મુછાળાએ કન્ટ્રોલ રૂમના કેમેરા ચેક કરાવી બાતમીદારોને એક્ટિવ કર્યા હતાં.

તેની સાથે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને શંકાસ્પદ વાહનો ઉપર વોચ રાખવા સૂચના આપી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સીએનજી રીક્ષામાં ફરતા બે શખ્સો બિલ વગરના મોબાઈલ વેચવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. તેના આધારે ઝુંડાલ સર્કલ તરફથી આવતા રોડ ઉપર વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન બાતમી મુજબની એક સીએનજી રિક્ષા ઝુંડાલ સર્કલથી અડાલજ સર્કલ પાસેથી પસાર થતાં તેને અટકાવવામાં આવી હતી અને રિક્ષાની તલાશી લેતા ડ્રાઈવરની સીટ નીચે મુકેલી પ્લાસ્ટિકની થેલીમાંથી જુદી જુદી કંપનીના ૨૩ મોબાઈલ મળી આવ્યા હતાં. જેથી પોલીસે પૂછપરછ કરતા બંને જણાએ પોતાના નામ સોહિલ મોહમંદ સઈદ ગુલામ મોયુદ્દીન શેખ (ઉં.૨૦) અને મોહમંદ સમીર શેરૂભાઈ સૈયદ (ઉં.૧૯) (બંને રહે..વટવા ચાર માળીયા, ગજેન્દ્ર ગટકરનગર વટવા અમદાવાદ)ને ઝડપી લઈ પોલીસ મથકમાં લઈ જવાયાં હતાં.

પોલીસ મથકે લઇ જવાયેલા બંને શખ્સોની કડકાઈથી પૂછપરછ કરતાં કબુલાત કરી હતી કે વટવા ચાર માળીયા ગજેન્દ્ર નગરમાં રહેતી તુલસી ઉર્ફે તમન્ના મોહસીન ઐયુબ શેખને સાથે લઈ જતા હતા અને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી એકલદોકલ મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી મોબાઈલ સહિત કિંમતી સામાન સિફ્તપૂર્વક ચોરી લેતા હતા. જેથી પોલીસે તુલસી ઉર્ફે તમન્ના શેખને પણ ઝડપી પાડી હતી.

આ અંગે પીઆઈએ જણાવ્યું હતું કે, વટવા ચાલીમાં રહેતી ત્રિપુટી રીક્ષામાં મુસાફરોને બેસાડી ગુનાને અંજામ આપતી હતી. સોહિલ અને મોહમંદ સમીર વારાફરતી રિક્ષા ચલાવતા અને કોઈને શંકા ઉપજે નહીં એ માટે તુલસી ઉર્ફે તમન્ના પાછળની સીટમાં બેસતી હતી. આ ગેંગ આઈફોન મોબાઈલ ચોરવાનું ટાળતી હતી કેમકે આઈફોનની સિક્યુરિટી હાઈ હોય છે. જો ભૂલેચૂકે આઈફો ચોરી લે તો જેતે મુસાફરને પરત કરી દેતા હતા.

જેથી મોટાભાગે આ ગેંગ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જ ચોરતી હતી. આ ત્રિપુટી મુસાફરના ચોરી કરેલા મોબાઈલ મજૂર વર્ગના લોકોને સસ્તા ભાવે વેચી મારતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. કેમકે અન્ય લોકોને વેચવા માટે જાય તો બિલ સહિતનાં પુરાવા આપવા પડે. હાલમાં ત્રણેયની ધરપકડ કરી રૂ.૧.૧૫ લાખની કિંમતના ૨૩ મોબાઈલ ફોન, સીએનજી રિક્ષા મળીને કુલ રૂ.૨.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.