Western Times News

Gujarati News

રેતીના કોન્ટ્રાકટરે કલેકટર કચેરીના કર્મચારીને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ, પાટણ શહેરની કલેકટર કચેરીના ભોયતળિયે આવેલી મદદનીશ ભૂસ્તર વિભાગની કચેરીમાં ધસી આવેલા માટી પુરી પાડતાં એક કોન્ટ્રાકટરે કચેરીના સર્વેયર દિલીપકુમાર અહમદભાઈ (રહે. કાણોદર, તા.પાલનપુર)ને ફરજ દરમિયાન ચાણસ્માના વસાઈપુરા ખાતે ખનિજ માપણી અંગે કરવાની થતી તેમની કાયદેસરની ફરજ અટકાવવા તેમજ તેમાં કોઈ દંડકીય કાર્યવાહી ન કરવાની ધમકીઓ આપી તેમજ ઉશ્કેરાઈ જઈને મનફાવે તેમ સર્વેયરને ગાળો બોલી

એનકેન પ્રકારે એસીબીના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી ને તેના આ પ્રકારના વર્તનથી સર્વેયર અને કચેરીના અન્ય સ્ટાફને કામ કરવામાં મનોબળ તૂટે તેવુ કૃત્ય કરતા સર્વેયરે ઉપરોકત ઈસમ સામે પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરમસિંહ નામના વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ પાટણ કલેકટર કચેરીમાં ભુસ્તર વિભાગની ઓફીસમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર હસન (ઉ.વ.૪૪) તથા સ્ટાફ શુક્રવારે બપોરે ઓફીસમાં હાજર હતા અને દિલીપ હસન તેમની કચેરીનું કામ કરતા હતા ત્યારે રોડના કામમાં માટી ખનીજ પુરું પાડવાના કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ધરમસિંહ નામના એક વ્યક્તિ આવતા જતાં હતાં જેથી તેમને તેઓ ઓળખતા હતા.

જેઓની ચાણસ્માના વસાઈપુરા ગામે લીઝની માપણી અંગેની કાર્યવાહી પાટણ ભુસ્તર વિભાગે હાથ ધરી હોવાથી તા.પ.૪.ર૪ના રોજ સર્વેયર દિલીપ હસન તથા સ્ટાફ હાજર હતા ત્યારે આ ધરમસિંહે તેમની પાસે જઈને ધમકી આપી કહેલ કે, મારી ભલામણવાળી પરમીટમાં કોઈ દંડકીય કાર્યવાહી થાય તે મુજબના નકશા તું રજુ કરીશ તો આજથી તારી સાથે મારે વ્યક્તિગત દુશ્મની થશે ને તને એસીબીમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.

બાદમાં સર્વેયરે તેમના અધિકારીઓ સાથે આ ધમકીઓ બાબતે ચર્ચા કરતા હતા ત્યારે કોન્ટ્રાકટરે અંદર ચેમ્બરમાં આવીને ઉંચા અવાજે બોલવાનું શરૂ કરતાં ઉપરી અધિકારીએ તેને કચેરીમાં ગેરવર્તણુક ન કરવા ને કચેરીમાંથી નીકળી જવા કહેતા તે કચેરીના પ્રિમાઈસીસમાં જઈને કોઈને છોડીશ નહિ તેવી ધમકીઓ આપીને જતાં રહ્યા હતા. જે અંગે પાટણ બી-ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.