Western Times News

Gujarati News

અક્ષય કુમારને પહેલી તેલુગુ ફિલ્મમાં સાથ આપશે કાજલ

મુંબઈ, અક્ષય કુમાર પોતાના કેરેક્ટર સાથે હંમેશા અખતરા કરતા હોવાથી એક્શન-કોમેડી અને ડાન્સ સહિતના તમામ રોલ પર હાથ અજમાવી ચૂક્યા છે.

અક્ષયે સતત નવું કરતા રહેવાની પોતાની આદતને આગળ ધપાવતા તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં આગમન કરવાનો નિર્ણય લીધો છે. બિગ બજેટ તેલુગુ ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારનો સમાવેશ થયો છે. વિષ્ણુ માંચુનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મમાં અક્ષયની એન્ટ્રી અંગે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. તેમની સાથે આ ફિલ્મમાં સાઉથની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુ માંચુની ‘કનપ્પા’ને બજેટ અને સ્ટારડમની રીતે મોટી બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. અક્ષય બાદ તેમાં કાજલ અગ્રવાલની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. અગાઉ તેલુગુ એક્ટર વિષ્ણુ માંચુએ સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર સાથે જોડાણની જાહેરાત કરી હતી.

અક્ષય કુમાર સાથેનો ફોટોગ્રાફ શેર કરતા વિષ્ણુ માંચુએ જણાવ્યુ હતું કે, સુપરસ્ટાર અક્ષય કુમાર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલી ફિલ્મ કરી રહ્યા છે. તેમની સાથે ‘કનપ્પા’ની જાહેરાત કરતા આનંદ અનુભવું છે. અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે.

વિષ્ણુ માંચુએ ‘કનપ્પા’ને પાન ઈન્ડિયા ફિલ્મ બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આ ફિલ્મમાં તેલુગુ લોકકથામાં આવતા એક શિવભક્તને રજૂ કરવામાં આવશે અને આ શિવભક્ત વિષ્ણુ માંચુ છે. નીડર અને બહાદુર યોદ્ધા કનપ્પાને ભગવાનમાં વિશ્વાસ નથી, પરંતુ બાદમાં તે ચુસ્ત શિવભક્ત બને છે.

ભગવાન શિવને રીઝવવા માટે તે પોતાની આંખ કાઢીને ભગવાનને ચડાવે છે. ફિલ્મમાં ભગવાન શિવના રોલમાં અક્ષય કુમાર જોવા મળે તેવી શક્યતા છે, જ્યારે કાજલ અગ્રવાલના કેરેક્ટર અંગે માહિતી આવી નથી.

ફિલ્મમાં પ્રીતિ મુકુંદન, મોહનલાલ, પ્રભાસ, નયનતારા, મોહનબાબુ, બ્રહ્માનંદમ, મધુ અને મુકેશ રિશિ જેવા કલાકારો પણ મહત્ત્વના રોલમાં છે. હોલિવૂડ સિનેમાટોગ્રાફર શેલ્ડન ચાઉ અને એક્શન ડાયરેક્ટર કેચા ખામ્ફક્ડીનો પણ ટીમમાં સમાવેસ કરાયો છે. ફિલ્મની કોરિયોગ્રાફી પ્રભુ દેવાએ કરી છે. તેને હિન્દી ઉપરાંત ઈંગ્લિશ, તમિલ, મલયાલમ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.