Western Times News

Gujarati News

ટેમ્પોમાં લઈ જવાતો બીલ વગરનો 81લાખનો પાન મસાલાનો જથ્થો ઝડપાયો

નેત્રંગ પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પોમાં લઈ જવાતા પાન મસાલા અને જરદા સહિત કુલ રૂપિયા ૮૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાતા ચકચાર

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે બીલ વગરના પાન મસાલા તથા જરદાના ટેમ્પોમાં લઈ જવાતા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને કુલ રૂપિયા ૮૧ લાખ ઉપરાંતનો શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી લોકસભાની ચુંટણીઓને લઈને જિલ્લામાં વાહન ચેકિંગ દ્વારા શંકાસ્પદ ચીજ વસ્તુઓની હેરફેર

અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ,તેના અનુસંધાને ગતરોજ તા.૧૭ મીના રોજ નેત્રંગ પીએસઆઇ આર.આર.ગોહિલ ટીમ સાથે મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન નેત્રંગ તરફથી એક બંધ બોડીનો ટેમ્પો આવતા ટેમ્પોને ઉભો રખાવી તેના ચાલકને ટેમ્પોમાં શું ભરેલ છે અને ટેમ્પો માલિક કોણ છે તથા ભરેલ સામાન ક્યાં લઈ જાવ છો તે બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.પોલીસે તપાસ કરતા સદર ટેમ્પોમાં પાન મસાલા તથા જરદાનો જથ્થો ભરેલ હોવાનું જણાયું હતું.

પોલીસે આ જથ્થા બાબતે આધાર પુરાવા કે બીલ માંગતા સદર જથ્થાના યોગ્ય બીલ રજુ કરી શકેલ ન હતો.તેથી સદર મુદ્દામાલ શંકાસ્પદ જણાતા પોલીસે પાન મસાલા તથા જરદાનો જથ્થો કિંમત રૂપિયા ૭૧,૦૪,૮૦૦, ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ તેમજ એક નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૮૧,૧૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે ટેમ્પોના ચાલક ઉમેશ રામદેવ પાલ હાલ રહે.કાકડકોપર ટ્રાન્સપોર્ટ ઓફિસ

તા.કપરાડા જિ.વલસાડનાને ઝડપી લઈને તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પોમાં લઈ જવાતો લાખો રૂપિયાનો પાન મસાલા અને જરદાનો બીલ વગરનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. લોકચર્ચા મુજબ જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાન મસાલા અને જરદાનો

કારોબાર મોટાભાગે કાચા બીલોથી થતો હોય છે.ત્યારે સરકારી ટેક્ષ બચાવવા વેપારીઓ દ્વારા પાકા બીલોને બદલે અધ્ધરતાલ કાચા બીલોથી તો કારોબાર નથી થતોને? આ બાબતે પણ સવાલો ઉભા થયા છે. ત્યારે આ સિવાય અન્ય સ્થળોએ પણ જો આ બાબતે સઘન તપાસ હાથ ધરાય તો ઘણીબધી ગેરરીતિઓ ઝડપાય એવી ચર્ચાઓ પણ બહાર આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.