Western Times News

Gujarati News

ચૂંટણીને કારણે ઉનાળુ વેકેશન રદ થતા શિક્ષકોના આયોજનો ખોરવાયા

અમદાવાદ, રાજ્યમાં દરવર્ષે સ્કૂલો શરૂ થાય તેની સાથે જ ઉનાળુ અને દિવાળી વેકેશન કયારે પડશે તે સહિતની તમામ જાહેરાત કરી દેવામાં આવતી હોય છે. ચાલુવર્ષે ૬ મેથી ૯મી જૂન કુલ ૩૫ દિવસ સુધી ઉનાળાના વેકેશન માટે રજાઓ જાહેર કરવામાં આવી હતી.

પરંતુ લોકસભાની ચૂંટણીની જાહેરાત ૧૬મી માર્ચે થતાંની સાથે જ ઉનાળાનું વેકેશન સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ, હાલમાં શિક્ષકો માટે ૬થી મેથી વેકેશન રહેશે નહી. સામાન્ય રીતે વેકેશન સ્થગિત કરવામાં આવ્યા બાદ નવેસરથી તારીખ જાહેર કરી દેવામાં આવતી હોય છે. શિક્ષકો કહે છે કે હજુસુધી નવા વેકેશન માટેની કોઇ જાહેરાત ન થતાં ભારે મુશ્કેલી ઉભી થઇ છે.

કારણ કે મોટાભાગના શિક્ષકોએ વેકેશનને ધ્યાનમાં રાખીને ફરવા જવાના આયોજન કરી દીધા હતા. આ ઉપરાંત કેટલાક શિક્ષકોએ રજાઓમાં લગ્નપ્રસંગનું આયોજન કર્યું હતુ. અચાનક વેકેશન સ્થગિત કરી દેવાના કારણે તમામ આયોજન ખોરવાઇ ગયા છે.

એટલું જ નહી કેટલાક શિક્ષકોએ તો અગાઉથી કરાવેલા બુકિંગ રદ કરાવવાની ફરજ પડી છે. શિક્ષકો કહે છે કે, ચૂંટણી જાહેર થયા બાદ વેકેશન રદ કરવામાં આવ્યું ત્યારપછી ચૂંટણી કયારે થવાની છે અને મતદાન કયારે થવાનું છે તે સહિતની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી.

આ તારીખને ધ્યાનમાં રાખીને નવેસરથી વેકેશનની જાહેરાત કરી દેવી જોઇએ પરંતુ હજુસુધી આવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ સ્થિતિમાં શિક્ષકોએ પોતાના અગાઉના હોટેલ બુકિંગ, રેલવે, પ્લેન ટિકીટ બુકિંગ ટ્રાન્સફર કરવી કે રદ કરવી તેની સમસ્યા ઉભી થઇ છે. આમ, વિભાગની અનિર્ણાયક્તાના કારણે હજારો શિક્ષકોના શીડ્યુલ ખોરવાઇ ગયા છે. આગામી દિવસોમાં હવે કયારે આયોજન થશે તેનો પણ કોઇ નિર્ણય કરી શકાતો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.