Western Times News

Gujarati News

પહેલા તબક્કામાં ઓછા મતદાનથી ચૂંટણી પંચ ચિંતિત

પ્રતિકાત્મક

દેશના કેટલાક ભાગમાં હીટવેવની આગાહીને પગલે ચૂંટણી પંચની હવામાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક

(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતાં ઓછું મતદાન નોંધાયું હતું. જે બાદ ચૂંટણી પંચે મતદાનની નોંધાયેલ ઓછી ટકાવારી પર ચિંતા વ્યક્ત કરી છે. મોટાભાગના રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ હીટ વેવને લઈને વ્યવસ્થા સુધારવાની ખાતરી આપી છે. રાજ્ય સરકારો પણ હવે પછીના તબક્કાઓના મતદાન સમયે વધુ સારી વ્યવસ્થા માટે પગલાં લેશે. સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે.

દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાની આગાહીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ આજે સોમવારે સવારથી તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યું છે. મિટિંગમાં ગરમીમાં મતદાન વધે તે માટે અને હીટવેવેના કારણે ઊભુ થનારુ જોખમ ઘટાડવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

આ બેઠકમાં હવામાન વિભાગ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. દેશમાં હજુ છ તબક્કાનુ મતદાન યોજાવાનુ બાકી છે. બીજા તબક્કાનું મતદાન આગામી ૨૬મી એપ્રિલે યોજાનાર છે.

હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ‘આઈએમડી ચૂંટણી પંચના સતત સંપર્કમાં છે. હવામાનને લગતી આગાહી સાથે, અમે પ્રતિમાસ, સાપ્તાહિક અને દૈનિક આગાહીઓ કરીએ છીએ. ચૂંટણી પંચ સહીતના મહત્વના તમામ સરકારી વિભાગોને હીટવેવ અને ભેજના પ્રમાણ અંગેની આગાહી આપીએ છીએ. અમે ચૂંટણી પંચને એવા સ્થાનો વિશે ઇનપુટ્‌સ અને આગાહીઓ આપી રહ્યા છીએ જ્યાં ચૂંટણી બહુવિધ તબક્કામાં યોજાવાની છે.

આ અગાઉ ગત, ૧૧ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી ઉનાળાની ઋતુની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમને એપ્રિલથી જૂન ૨૦૨૪ના સમયગાળા માટેના તાપમાન વિશે માહિતી આપવામાં આવી હતી,

જેમાં આગામી ઉનાળાના દિવસોમાં તાપમાનના પ્રમાણ, હીટવેવ સહીત ઉનાળા સિઝનની આગાહીઓ પણ સામેલ છે. આ પછી, દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.

પત્રકારોને સંબોધતા મહાપાત્રા કહ્યું છે કે આ ગરમીની મોસમમાં, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં તાપમાન ઊંચુ રહેવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.