Western Times News

Gujarati News

એરપોર્ટ પર દાણચોરીનું સાડા ચાર કિલો સોનું જપ્ત

મુંબઈ, અમદાવાદ એરપોર્ટ પરથી થોડા વર્ષો પહેલાં કસ્ટમ્સ ઓફિસરની મદદથી રૂ. ૧૪૦૦ કરોડના સોનાની દાણચોરી થઇ હતી. ત્યારબાદ એક્ટિવ બની ગયેલા ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનું સોનું ઝડપી લેવા પર ફોક્સ વધાર્યું છે.

અખાતી દેશમાંથી આવી રહેલી ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા છ મુસાફરો પાસેથી કસ્ટમ્સની ટીમે ગુપ્તભાગમાં છૂપાવેલું લગભગ ૩.૩૭ કરોડનું સાડા ચાર કિલો સોનું ઝડપી લીધું હતું. તમામ મુસાફરોની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કસ્ટમ્સ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દાણચોરી કરતા પેડલરોને ઝડપી શકે છે પરંતુ તેના માસ્ટર માઇન્ડ સ્મગલર સુધી પહોંચી શકતી નથી. તાજેતરમાં જ રિલીઝ થયેલી કૃતિ સેનનની ફિલ્મ ક્‰માં સોનાની દાણચોરીની ઘટના દર્શાવવામાં આવી છે. આવી જ રીતે સોનાની દાણચોરી કરી રહેલા છ મુસાફરોને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સની ટીમે ઝડપી લીધા છે.

અખાતી દેશમાંથી આવેલી ફલાઇટના મુસાફરો પૈકી કેટલાક મુસાફરોને અધિકારીએ અલગ તારવ્યા હતા. તેમની પૂછપરછ કરતાં તેમણે પોતાની પાસે સોનું ન હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ તપાસ કરતાં કેટલાક મુસાફરો કપડાંમાં સોનું લાવ્યા હતા. જ્યારે કેટલાક મુસાફરોએ સોનાની સોફ્ટ પેસ્ટ બનાવી ગુદામાર્ગમાં છૂપાવી દીધી હતી.

કસ્ટમ્સની ટીમે ૩.૩૭ કરોડનું દાણચોરીનું સાડાચાર કિલો સોનું કબજે લઇ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે ક ગત નાણાકીય વર્ષ દરમિયાન કસ્ટમ્સના અધિકારીઓએ એરપોર્ટ પરથી દાણચોરીનું ૧૬૦ કિલો સોનું ઝડપી લીધું હતું અને દાણચોરી કરતા ૬૦ પેડલરોને ઝડપી લીધા હતા. તેના આગળના વર્ષે દાણચોરીનું ૮૦ કિલો સોનું ઝડપી લીધું હતું.

અમદાવાદ એરપોર્ટ પરથી જે દાણચોરીનું સોનું ઝડપી લેવામાં આવે છે તે પેડલરોની પૂછપરછમાં એવી વિગતો સામે આવી રહી છે કે મોટા ભાગનું દાણચોરીનું સોનું અમદાવાદ અને રાજકોટના સોની બજારમાં જ પહોંચાડવામાં આવતું હોય છે.

દાણચોરીનું સોનું મગાવતા અને રાખતા સોની બજારના ઘણા મોટા માથાંની વિગતો પણ તપાસમાં ખૂલી હતી પણ આખરે ઘીના ઠામમાં ઘી જેવા હાલ થયા હતા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સના અધિકારીઓને શંકાસ્પદ મુસાફરોને આઇડેન્ટિફાય કરવાની ખાસ પદ્ધતિઓ શીખવવામાં આવતી હોય છે.

જેમ કે તેમની મૂવમેન્ટ, હિલચાલ, બોડી લેંગ્વેજ. આ ઉપરાંત તેમની પૂછપરછ કરવામાં આવે તો તેઓ કેવા જવાબ આપતા હોય છે? તેઓ વારંવાર વોશરૂમમાં જતા હોય છે આ નિરીક્ષણ ઉપરાંત ડિપાર્ટમેન્ટ દ્વારા બાતમીદારોનું ખાસ માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી મોટી સંખ્યામાં દાણચોરો ઝડપાઇ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.