Western Times News

Gujarati News

કોસમોસ બેંક બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનપદે ઘનશ્યામ અમીન નિમાયા

બેંકનું ૩પ હજાર કરોડનું સેટઅપ: ર૦ હજારની ડિપોઝિટ, ૧પ હજાર કરોડનું ધિરાણ

(એજન્સી)અમદાવાદ, ભારતની ૧૪૮૦ કો.ઓ. બેંક પૈકીની અગ્ર હરોળની કોસમોસ કો.ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે સહકારી અગ્રણી ઘનશ્યામ અમીનની વરણી કરવામાં આવી છે. ઘનશ્યામ અમીન સહકારી ક્ષેત્રે દાયકાઓથી સેવા આપી રહ્યા છે. સંખ્યાબંધ સહકારી બેંકોનું સુકાન પણ તેઓ સંભાળી રહ્યા છે.

તેમના નેતૃત્વમાં કોસમોસ બેંક વધુ લોકાભિમુખ બનશે. ઘનશ્યામ અમીને જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૬માં કોસમોસ બેંકનું ગુજરાતમાં આગમન થયું ત્યારે કો.ઓ. બેંક ઓફ અમદાવાદ કોસમોસ બેંકમાં મર્જ થઈ ત્યારે તેઓ અમદાવાદ બેંકનું નેતૃત્વ કરતા હતા. Ghanshyam Amin appointed as Chairman of Cosmos Bank Board of Management

કોસમોસ બેંક અંગે તેમણે જણાવ્યું કે હાલ બેંક સાત રાજ્યમાં ૧૭૦થી વધુ બ્રાન્ચ ધરાવે છે. બેંક સાથે ૧૮ લાખ ગ્રાહકો સંકળાયેલા છે. બેંકનું સેટઅપ ૩પ હજાર કરોડનું છે. ર૦ હજાર કરોડની ડિપોઝિટ છે અને ૧પ હજાર કરોડનું ધિરાણ છે. ૩ હજાર કર્મચારી બેંકમાં કામ કરી રહ્યા છે. બેંકનું એનપીએ માત્ર દોઢ જ ટકા છે. જ્યારે બેંકનો ચોખ્ખો નફો ૪૦૦ કરોડ છે. આ ઉપરાંત કોસમોસ બેંક દ્વારા નબળી પડેલી વડોદરાની ઉન્નતિ બેંક, અંકલેશ્વર મહિલા બેંક, નરોડા ઈન્ડ. બેંક સહિત નાની-મોટી ૧૮ બેંકો કોસમોસ બેંકમાં મર્જ કરવામાં આવી છે.

બેંકના ચેરમેન મિલિન્દ કાલેએ જણાવ્યું કે, સહકારી ક્ષેત્રે વર્ષોનો અનુભવ અને કુનેહસભર સ્વભાવનો બેંકને ચોક્કસ લાભ મળશે. રિઝર્વ બેંક દ્વારા જે બેંકોનું ટર્ન ઓવર ૧૦૦ કરોડથી વધારે હોય તેના વહીવટી માળખાને યોગય માર્ગદર્શન મળી રહે તે માટે સાત સભ્યોના બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવાનો આદેશ કરાયો છે જે બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન પદે ઘનશ્યામ અમીનની નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરતના મુકેશ શાહ અને અક્ષય દેવડા સહિત સાત સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંકના ચેરમેન મિલિન્દ કાલે, વાઈસ ચેરમેન પ્રવિણ ગાંધી, બોર્ડના સભ્યો તથા મેનેજિંગ ડિરેકટર અપેક્ષિતા ઠીપસે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઘનશ્યામ અમીનને શુભેચ્છાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.