Western Times News

Gujarati News

ભારતમાં એક જ દિવસમાં ચાર લાખથી વધુ લોકોએ હવાઇ મુસાફરી કરી

અમદાવાદ, ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઓફિશિયલ પ્લેટફોર્મ પર જાહેરાત કરવામાં આવી છે કે, ૨૧મી એપ્રિલના રોજ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ ડોમેસ્ટિક મુસાફરોએ હવાઇ મુસાફરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ૨૧મી એપ્રિલે કુલ ૪.૭૧,૭૨૧ પ્રવાસીઓએ હવાઇ મુસાફરી કરી હતી. જ્યારે આ દિવસે દેશમાં જુદા જુદા એરપોર્ટ પરથી કુલ ૬૧૨૮ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી.

જે દિવસે દેશના ડોમેસ્ટિક મુસાફરોએ રેકોર્ડ બ્રેક કર્યો તે દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ૩૫ હજાર મુસાફરોએ આવાગમન કર્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ૨૧મી એપ્રિલના રોજ ૨૭૦ ફલાઇટ ઓપરેટ કરવામાં આવી હતી. પહેલા હવાઇ યાત્રા કરે તે ધનિક જ હોય તેમ કહેવાતું હતું, પરંતુ હવે ધીમે ધીમે હવાઇ યાત્રા લોકોની જરૂરિયાત બની રહી છે અને સમય બચાવવા માટે લોકો હવાઇ મુસાફરીને પ્રાધાન્ય આપી રહ્યા છે.

જેને પગલે દેશના તમામ એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી તરફ સરકારની ઉડાન યોજના અંતર્ગત નાના શહેરોના એરપોર્ટને પણ કનેક્ટ કરવામાં આવી રહ્યા છે. આ યોજનાને લઇને નાના શહેરના મુસાફરો માટે પણ હવાઇ યાત્રા હાથવગી બની છે.

કોવિડમાં લાબો સમય સુધી હવાઇ યાત્રા બંધ રહી હતી. ત્યાર બાદ ફરીથી ફ્લાઇટ શરૂ થઇ અને તેમાં મુસાફરોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં ૨૧મી એપ્રિલના રોજ દેશમાં ૪,૨૮, ૩૮૯ મુસાફરોએ હવાઇ મુસાફરી કરી હતી અને તે દિવસે ૫૮૯૯ ફલાઇટ ઓપરેટ થઇ હતી. જેની સરખામણીમાં એક વર્ષમાં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે.

અમદાવાદ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશના સૌથી વ્યાસ્ત એરપોર્ટ પૈકીના અમદાવાદ એરપોર્ટ પર રોજે રોજ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરો અને ફ્લાઇટમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

૨૧મી એપ્રિલે અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૩૫ હજાર ડોમેસ્ટિક મુસાફરોએ મુસાફરી કરી હતી. જ્યારે આ દિવસે કુલ ૨૭૦ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા મુજબ, મુસફરોની સુવિધા માટે પણ ખાસ તરકેદારી રાખવામાં આવી રહી છે.

એરપોર્ટ મુસાફરોને બેસવા માટે વેઇટીંગ લોન્જમાં પણ સુધારા-વધારા કરવામાં આવ્યા છે. ટર્મિનલ બિલ્ડિંગનું પણ વિસ્તરણ કરી મુસાફરોની સુખાકારી વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુસાફરોની તમામ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

દેશના તમામ એરપોર્ટ પર મુસાફરોની જે સંખ્યા વધી રહી છે, તેમાં અમદાવાદ એરપોર્ટ પર ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ૨૮ ટકા મુસાફરો વધ્યા છે. જેની સામે સુવિધાઓ પણ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.