Western Times News

Gujarati News

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટ્રીપલ અકસ્માતમાં GRD જવાનનું ઘટના સ્થળે મોત

પોદાર સ્કૂલની ચાલુ બસ માંથી વિદ્યાર્થિની નીચે પટકાતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. ત્યારે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક ટ્રીપલ વાહન અકસ્માતમાં જીઆરડી જવાનનું ઘટના સ્થળે મોત નિજપયુ હતું.તો અન્ય એકને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.તો આ જ સ્થળ નજીક મીઠાની ફેક્ટરી પાસે સ્કૂલ બસ માંથી ચાલુ બસે વિદ્યાર્થીની નીચે પટકાતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની જરૂર પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના રાજપીપળા ચોકડી નજીક ગતરોજ મોડી રાત્રીએ ટ્રીપલ વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક,ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ઉપરથી નીચે પટકાયેલા જીઆરડી જવાન ઉપર ગાડીના ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

જયારે તેની સાથેના સહકર્મચારી પોલીસ જવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે અંકલેશ્વરની ખાનગી જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત થયું હોવાની જાણ પોલીસને થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જીઆરડી જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તો બીજી તરફ અંકલેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલની સ્કૂલ બસ નંબર જીજે ૧૬ એયુ ૧૪૧૪ માં બાળકોને લઈ ચાલક અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત મીઠા ફેકટરી પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે વેળા બસમાં સવાર એક વિદ્યાર્થિની અચાનક નીચે પડી જતાં સ્કૂલ બસનું ટાયર ફરી વળ્યું હતું.આ અકસ્માતમાં બાળકીને ઈજાઓ પહોંચતા રાહદારીઓએ તેણીને સારવાર માટે ખસેડી હતી.

આ ઘટનાને પગલે બસ ચાલક અને બસના કંડકટરની ગંભીર બેદરકારી સામે આવી છે.ત્યારે સ્કૂલ સંચાલકો આવી ઘટના ફરી નહીં બને તે માટે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.તો પોલીસ પણ આવા બસ ચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે માટેલા સાંઢની માફક દોડતા મોટા વાહનો નાના વાહન ચાલકો માટે યમદૂત બની રહ્યા છે.ત્યારે ટ્રીપલ વાહન અકસ્માતમાં જીઆરડી જવાનાના મોત બાદ ગેરકાયદેસર દોડતા વાહનો ઉપર ટ્રાફીક પોલીસ કે આરટીઓ રોક લગાવશે ખરી તેવો લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.