Western Times News

Gujarati News

બીજાનું પડાવી લેવાની દાનત ન રાખવી: “જે અધર્મ કરે છે, તેનો અંતમાં તો નાશ જ થાય છે”

અધર્મઃ અંતમાં તો માણસનો નાશ જ થતો હોય છે

વેદવ્યાસે કહ્યું છે:  ‘જે અધર્મ કરે છે, એનું ફળ ભલે તત્કાલીન ન મળે પણ ધીરે ધીરે તેના મૂળિયાં નીકળી જાય છે.’ જે ખોટું- ખરાબ-અનિષ્ટ- અનીતિવાળું છે લાંબો સમય ટકતું નથી. શરૂઆત ભલે સારી હોય, પણ અંત સારો હોતો નથી. સાધુ વાસવાણીએ કહ્યું છે ઃ ‘ક્રિયાકાંડ, શાસ્ત્રપઠન અને સંપ્રદાય સેવા એ ધર્મ નથી. સાચું જીવન જીવવું એ ધર્મ છે.

યજ્ઞરૂપ જીવન એ જ ધર્મ છે.’ જે એ પ્રમાણે જીવતો નથી એનો અર્થ એ થયો કે, એ અધર્મનું આચરણ કરે છે. ‘મનુસ્મૃતિ’માં કહ્યું છે ઃ ‘અધર્મથી તો માણસ આગળ વધે છે. કલ્યાણનો અનુભવ કરે છે. શત્રુઓ પર વિજય મેળવે છે પરંતુ અંતમાં તો એનો નાશ થતો હોય છે.’ અનીતિ વધારે સમય ચાલે નહી. આજે અધર્મથી મેળવેલી ધન-દોલત સારી લાગે, વૈભવી લાગે પણ છેલ્લે તો આપણા વંશને જ એ નડતો હોય છે.

માણસે સંયમમાં રહેવું બીજાનું પડાવી લેવાની દાનત ન રાખવી, મહેનત કરો અને મેળવો, એ પણ સારા માર્ગે જે બીજાને પીડે છે, ધૃણા અને શોષણ કરે છે, એને ધાર્મિક કેવી રીતે કહી શકાય ? જે લોકો માનવ- માનવને પરસ્પર લડાવે છે. દ્વેષ અને વૈમનસ્ય ફેલાવે છે, ધાર્મિક ઉન્માદ ઉભો કરીને ઝઘડાવે છે, એ ધર્મના નામ પર કલંક સમાન છે. એ એક પ્રકારનો અધર્મ છે. ધર્મના નામે જે દંભ અને અહંકાર પોષાય છે.

એનો વિચાર કર્યો છે ખરો ? દંભી અને મિથ્યા આચરણ કરીને આપણે આપણી જાતને ધાર્મિક કહેવામાં ગૌરવ લઈએ છીએ. ધર્મ અને નૈતિ( વ્યવહાર અંગે આપણે જુદુ જ વર્તન કરીએ છીએ. આપણી સૌથી મોટી સમસ્યા આપણા નીતિમય વ્યવહારની છે. સંસારમાં સ્વાર્થ સિદ્ધ કરવા માટે અને ભૌતિક સાધનસામગ્રી મેળવવા આપણે નીતિને નેવે મુકી દીધી છે. છતાંય આપણે ધાર્મિક હોવાનો ડોળ કરીએ છીએ.

અધર્મનો સ્તો કાંટાળો છે. ઉબડખાબડવાળો છે ગેરમાર્ગે દોરનારો છે. ભૂલો પાડનારો છે. તેથી ગભરાઈ જશો, નિરાશ થઈ જશો અને આખરે નાશ પામશો. કેટલાક કહેવાતા ધાર્મિક લોકો જે અધર્મ આચરે છે એનાથી બહેતર છે કે, જે લોકો પોતાને નાÂસ્તક તરીકે ઓળખાવે છે, એ પણ નથી આચરતા, દેખાડો ધર્મનો કરવાનો અને અનીતિનાં કાર્યો કરવાના !

શ્રીમદ્‌ ભાગવત્‌માં કહ્યું છે – વિધર્મ પરધર્મ, આભાસ, ઉપમા અને છળએ પાંચ અધર્મની શાખાઓ છે, ધાર્મિક અને અધર્મ સમજીને ત્યાગી દે. વેદોમાં મહર્ષિઓને જગતને સંદેશો આપ્યો છે કે, સત્ય બોલજે, ધર્મનું આચરણ કરજે. જૈન ધર્મમાં પણ ભગવાન મહાવીરે કહ્યું છે કે, આચાર એ પ્રથમ ધર્મ છે ધર્મ દ્વારા આપણા દૈનિક વ્યવહારોને પવિત્ર અને શાંત બનાવવામાં આવે છે, જો તે શકય નથી તો તે અધર્મ છે.

ઉનાળામાં સખત ગરમી પડે છે, ચોમાસાની શરૂઆતમાં થોડો પણ વરસાદ પડે છે અને ગરમી ઓછી થઈ જાય છે એવી રીતે ધર્મનું થોડુંક આચરણ અધર્મનો નાશ કરી શકે છે. માણસ જો ધર્મની આરાધના કરે પણ એનું કોઈ પરિણામ ન આવે એનો અર્થ એ થાય કે એણે ધર્મના નામે અધર્મનું આચરણ કર્યું. ધર્મને ખરીદી શકાતો નથી. એ તો માણસની અંદર સ્વયંભૂ પ્રગટતો હોય છે.

ખરીદ-વેચાણની પદ્ધતિ એ અધર્મ છે. ધર્મ શાસ્ત્રોમાં, મંદિરોમાં કે કથાવાર્તાઓમાં પૂરી રાખવાની બાબત નથી, પરંતુ આચરણની બાબત છે ધર્મ એ ખંડન મંડન કે ચર્ચાનો વિષય નથી પરંતુ માણસના જીવનને આચારના નિયમો દ્વારા શુદ્ધ અને પવિત્ર બનાવવાની રીત છે. ‘દૈવલસ્મૃતિ’માં કહ્યું છે ધર્મનું રહસ્ય સાંભળો અને સાંભળીને Ìદયમાં ઉતારો. એ રહસ્ય છે જે પોતાના આત્માને ન ગમે તેવું બીજા પ્રત્યે આચરવું જોઈએ નહી.

એ આપણે કરીએ છીએ? ધર્મ ક્યારેય સંકુચિત હોતો નથી. જે માણસ માણસ વચ્ચે ભેદ ઉભા કરે છે. એને ધર્મ કહેવાય ખરો ? ધર્મના નામે સંઘર્ષની આગમાં ઘી હોમાયું એ અધર્મને પોષણ કરનાર છે જે પ્રકૃતિને છોડીને વિકૃતિમાં વધારો કરે છે એ અધર્મ છે. માણસના કામ ક્રોધ, લોભ આદિને શાંત કરતો નથી એ ધર્મ નથી. ધર્મ માણસને સંયમ શીખવે છે. આત્મનિયંત્રણ કરે છે. જયા ંએ પ્રમાણે થતું નથી ત્યાંથી જ અધર્મની ઉત્પતિ થતી હોય છે.

જે માણસ અનીતિનો આનંદ લઈ શકે છે. એ સૌથી મોટો અધાર્મિક છે. આપણી તકલીફ એ છે કે, આપણામાં ધર્મ ભાવના હોવા છતાં આપણે તેને સાચી રીતે આચરી શકતા નથી. દંભ અને આડંબરને સંતોષવા માટે આપણે ધર્મને હાથો બનાવીએ છીએ. એના કારણે આપણામાં આચારશુદ્ધિ રહી નથી, અધર્મનું આચરણ જ થતું રહે છે. એના કારણે આખું જીવન અજંપામાં જ જાય છે. જીવનમાં સાચી શાંતિ મેળવવા માટે ભટકયા કરીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.