“ક્ષત્રિય અસ્મિતા ધર્મ ડેસ્ક રથ”થી ગુજરાત સરકાર શું ખરેખર મુંઝવણ અનુભવે છે?
રાજકોટ લોકસભાની બેઠક પરથી ભા.જ.પ.ના ઉમેદવાર તરીકે લડતા પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ હજુ પણ ઠંડો નથી પડતો.બીજા તબ્બકાના આંદોલન દરમિયાન એક ક્ષત્રિય અસ્મિતા ધર્મરથના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનથી ગુજરાત સરકાર કદાચ મુંઝવણમાં મુકાઇ હોય એવું લાગે છે! તેનું કારણ એ છે કે સરકારે ધર્મરથના પ્રવાસ પોલીસ ખાતા દ્વારા જાસુસી શરૂ કરાવી છે.
તેનો પુરાવો એ છે કે પશ્ર્ચિમ કચ્છના નાયબ પોલીસ મહાનિર્દેશકે તા.૨૫/૪/૨૪ના રોજ પત્રક્રમાંકઃ એલઆઇબી/આઇ.બી.૩/ધર્મરથ/માહિતી/૧૭૯૯/૨૦૨૪થી એક પરિપત્ર બહાર પાડીને પોતાના તાબા હેઠળના તમામ થાણા ઈનચાર્જને સુચના પાઠવી છે કે “ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ તા.૨૪/૦૪/૨૪ થી તા.૨૬/૦૪/૨૪ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં ફરનાર છે.
તેથી નીચે જણાવેલ પત્રક મુજબની માહિતી તાત્કાલિક અત્રેની કચેરીએ મોકલી આપવાની સૂચના આપવામાં આવે છે.” સદરહુ પત્રકમાં(૧)ઃ-અનુક્રમ નંબર (૨)ઃ-આગેવાનનુ નામ(૩)ઃ-ધર્મરથને કેટલો પ્રતિસાદ મળ્યો(૪)ઃ-ક્ષત્રિયો સિવાય કોણે કોણે સપોર્ટ કર્યો અને(૫)ઃ-રીમાર્કસ એવા ખાણા પાડીને માહિતી માંગવામાં આવી છે.આ કાર્યવાહી સૂચવે છે કે ક્ષત્રિય સમાજ દ્વારા લાવવામાં આવેલી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથના કાર્યક્રમથી ગુજરાત સરકાર ચિંતિત તો થઈ ગઈ છે હોં!
હેં BJPના નેતા ટાલમાં વાળ વાળ ઉગાડવા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે?
૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં ભા.જ.પ.ના નેતાઓ કાયમ સાદા વસ્ત્રોમાં અને કશી ઝાકમઝોળ વગર જીવવા માટે જાણીતા હતા.સાવ સાદો લેંઘો-કફની, ધોતી-કફની કે સાદુ શર્ટ ને પેન્ટ વગેરે જેવા વસ્ત્રો જુના નેતાઓ ધારણ કરતાં.એમાં કશે મેચિંગ સેન્સ તો હોય જ નહીં.
આ પરંપરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જબરદસ્ત ક્રાન્તિ સર્જી.તેઓ આંખોને ગમી જાય એવા સુઘડ વસ્ત્રો સરસ રીતે પહેરવા લાગ્યા.તેઓ પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા હોવાથી ભા.જ.પ.ના નેતાઓ પણ તેમને અનુસરવા લાગ્યા.
આજે હવે મોટાભાગના ભા.જ.પ.ના નેતાઓ બાહ્ય દેખાવ (Outlook appearance) અંગે ખૂબ સભાનતા રાખતા થઇ ગયા છે.એ ચિંતા એટલી હદ સુધી પહોંચી છે કે ભા.જ.પ.ના નેતાઓ માથામાં પડતી ટાલને પણ અટકાવવાનો પ્રયત્ન કરતા થઈ ગયા છે.
સાચુંખોટું તો રામ જાણે પણ પક્ષના બે ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ પર સેવા આપતા નેતાઓ પણ પોતાના માથામાં પડતી ટાલને અટકાવવા માટે ટાલમાં વાળ ઉગેલા દેખાય તેવું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.
વહેતી થયેલી વાત જો સાચી માનીએ તો (૧)ઃ-પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકર અને (૨)ઃ-ધારાસભ્ય,પક્ષના પ્રદેશ મંત્રી અને મિડિયા વિભાગ સાથે સંકળાયેલા મહેશ કસવાલાએ પોતાના માથામાં વધતી જતી ટાલને અટકાવવા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે.
આમ તો આ બંને નેતાઓ હેન્ડસમ લાગે જ છે પણ,પોતાના દેખાવમાં કોઈ ઉણપ ન આવે અને પોતાનું રૂપાળા દેખાવાનું ચાલુ રહે તે માટે આવુ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય એવું બની શકે હોં!
બોલો લ્યો,નીતિન પટેલનાં પત્નિએ એક લાખ કપ ચા બનાવીને લોકોને પીવડાવી છે!
ગુજરાત રાજ્યનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નાણાં તેમજ આરોગ્ય મંત્રી નીતિન પટેલ ૨૦ વર્ષ સુધી સત્તામાં રહ્યા છે.હવે ‘માણ્યુ તેનું સ્મરણ કરવું એ પણ એક લ્હાણુ’ એ પંક્તિ અનુસાર આજકાલ ભા.જ.પ.ની પ્રચાર સભાઓમાં નીતિન પટેલ પોતાના સત્તા કાળનાં સંસ્મરણો વાગોળતા રહે છે.
તાજેતરમાં એક સભામાં તેઓએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે “હું ૨૦ વર્ષ મંત્રી રહ્યો છું પરંતુ ૧૫-૨૦ દિવસનાં અપવાદને બાદ કરતાં કોઈ દિવસ મને ફાળવાયેલા સરકારી બંગલે નથી રહ્યો.દરરોજ રાત્રે કડી(કે અમદાવાદ)ના બંગલે આવી જવાનું અને સવારે કાર્યકર્તાઓ, નાગરિકોને મળી તેમનાં પ્રશ્નો સાંભળીને પછી ગાંધીનગર જવાનું અને ઘરે આવનાર દરેક રજુઆત કર્તાને ચા તો પાવાની જ.
મારી પત્નીએ છેલ્લા ૨૦ વર્ષમાં એક લાખ કપ ચા બનાવી હશે અને લોકોને પાઈ હશે.”નીતિન પટેલે પોતાના ઉદાહરણ દ્વારા ભા.જ.પ.ના આજની પેઢીના નેતાઓને સતત લોકસંપર્ક જાળવી રાખવાની સોનેરી શીખામણ આપી છે!જોકે પક્ષની નવી પેઢીના નેતાઓને એ શીખ કેટલી ગળે ઉતરે છે એ તો જોવાનું જ રહે હોં!
સુખરામ રાઠવાએ શક્તિસિંહ ગોહિલને ગુજરાત ભા.જ.પ.ના પ્રમુખ ગણાવ્યા!
સુખરામ હરિયાભાઈ રાઠવા ગત ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.તેઓ (૧)ઃ-સાતમી-૧૯૮૫ થી ૧૯૯૦(૨)ઃ-આઠમી-૧૯૯૦ થી ૧૯૯૫(૩)ઃ-નવમી – ૧૯૯૫ થી ૧૯૯૮ (૪)ઃ-દસમી-૧૯૯૮ -૨૦૦૨ અને (૫)ઃ-ચૌદમી- ૨૦૧૭-૨૦૨૨ની વિધાનસભાનાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર મતવિસ્તારમાથી ચૂંટાઈને કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આટલા સિનિયર કોંગ્રેસી નેતાની જીભ પણ હમણાં લડખડી ગઈ. ઈલેકટ્રોનિક મિડિયાના એક પત્રકારને કેમેરા સામે મુલાકાત આપતાં તેઓ બોલ્યા કે “સૌને ખબર છે કે શક્તિસિંહ ગોહિલ ભાવનગરથી આવે છે, ગુજરાત ભારતીય જનતા પક્ષના એ ચીફ પણ છે.” કોંગ્રેસનાં આવા દિગ્ગજ નેતા આવો બફાટ કરે ત્યારે લોકોમાં અનુમાન તો એવું થવા માંડે કે
(૧)ઃ-શું સુખરામ રાઠવાના મનમાં પણ ઊંડે ઊંડે ભા.જ.પ.માં જોડાવાની ઈચ્છા છે?(૨)ઃ-શું સુખરામ રાઠવાએ આ નિવેદન આપ્યું ત્યારે તેઓ ઉજાગરાના થાકથી અર્ધા ઉંઘમાં હશે? કે પછી(૩)ઃ-કોઈ પીણું પીધાની અસરમાં હતા? જો કે સુખરામ રાઠવાની છાપ એક જેન્ટલમેન રાજકારણીની હોવાથી ઉક્ત ત્રીજુ અનુમાન સાચું માનવાનું તેમને ઓળખતા હોય તેવા કોઈને મન ન થાય હોં!
કુબેર ડીંડોર પક્ષના ઉમેદવારનો પ્રચાર કરવા નિમિત્તે પોતાનો પ્રચાર પણ કરી લે છે?
ગુજરાત રાજ્યનાં આદિજાતિ વિકાસ,પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેર મ.ડીંડોર આજકાલ લોકસભાની ચૂંટણીનાં પ્રચારમાં વ્યસ્ત છે.
મજાની વાત તો એ છે કે ડો.ડીંડોર ભા.જ.પ.ના લોકસભાના ઉમેદવારનાં પ્રચારની સાથેસાથે પોતાનો પ્રચાર કરવાનું પણ ચૂકતા નથી.આનો પુરાવો એવો મળ્યો કે ડીંડોર તાજેતરમાં હોડીમાં બેસીને કડાણા તાલુકાના રાઠડા બેટ ખાતે મત માંગવા ગયા. આ ટાપુ પર ૭૫૦ જેટલાં મતદારો છે.
ત્યાં ડીંડોરે સભા પણ કરી અને પછી પત્રકારોને (આચારસંહિતાની ચિંતા કર્યા વગર) કહી દીધું કે ચૂંટણી પ્રક્રિયા પુરી થયા બાદ આ ટાપુ પર પહોંચવા માટે પુલ બાંધવાની મંજુરીના હુકમો પણ બહાર પડી જશે
અને આ માટે રૂ.૨૬/- કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.આ બધું કરતી વખતે મંત્રી કુબેર ડીંડોરે ફોટોગ્રાફર અને વિડિયોગ્રફરને સાથે રાખ્યો હતો અને એ વિડિયો તથા ફોટાઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ પણ કરી દીધા.
હવે સવાલ એ થાય કે ડીંડોરે આ બધું પોતાની અંગત પ્રસિદ્ધિ માટે કર્યું હશે કે પક્ષને પોતાનાં કામનો હિસાબ આપી શકાય એ માટે કર્યું હશે? એનો કોઈ જવાબ અત્યારે તો મળે તેમ લાગતું નથી હોં!
https://westerntimesnews.in/news/313337/if-there-is-no-bridge-chutni-came-to-preach-in-the-water-of-kadana-dam-in-a-boat/