Western Times News

Gujarati News

સુરતમાં અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં પડાપડી

સુરત, સુરતના અડાજણ વિસ્તારમાં શનિવારે એક જ્વેલરી શોરૂમના ઉદ્દઘાટન માટે આવેલા અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં પડાપડી થઈ હતી. ભારે અફરાતફરી સર્જાતા મહિલાઓ અને બાળકો સહિત અનેક કચડાયા હતાં. કોઈ અપ્રિય ઘટના બને અને પોલીસના ચક્કરમાં ફસાય જવાશે તેવી ભિતીને પગલે રણબીર કપૂર સ્ટેજ પરફોર્મન્સ આપ્યા વગર જ સુરત એરપોર્ટ ઉપર પહોંચી ગયો હતો.

શહેરના અડાજણ વિસ્તારમાં જાણીતી જ્વેલરી બ્રાન્ડના યુનિવર્સલ ટ્રેડ સેન્ટર ખાતે શો રૂમના ઉદ્દઘાટન માટે અભિનેતા રણબીર કપૂર સુરત આવ્યો હતો. શનિવારે સાંજે આ શોરૂમની બહાર સ્ટેજ ઉપર અભિનેતા રણબીર કપૂરના પબ્લિક પરફોર્મન્સનો એક નાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો.

એટલે તેને જોવા રોડ ઉપર પાંચેક હજાર માણસોનું ટોળુ થઈ ગયુ હતું. રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તૂટ્યા હતા. પોલીસ અને ખાનગી સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી હતી. બંને તરફના બેરિકેટિંગ પાસે ૫૦૦૦ લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને લોખંડના બેરિકોડ તૂટી ગયા હતા. લોકો રણબીર કપૂરનાં સ્ટેજ સુધી પહોંચી ગયા હતા.

આખો રોડ બંધ થઈ ગયો હતો. છતાંય પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી. ભીડ વધી જવાના કારણે ભાગદોડ સર્જાઈ હતી. લોકો એકની ઉપર એક પડ્યા હતા. નાના બાળકો અને મહિલા પણ પણ મોટી સંખ્યામાં રણબીર કપૂરને જોવા આવી હતી. પડાપડી થતાં બાળકો અને મહિલાઓ પણ કચડાઈ હતી.

લોકો પોતાના બૂટ ચપ્પલ છોડી ભાગ્યા હતા. ભારે અફરાતફરી થતાં માતા-પિતા બાળકોને શોધવા બુમાબુમ કરવા લાગ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અલબત્ત, કેટલાંય લોકો કચડાતા મૂઢ માર લાગ્યો હતો. આ ધમાચકડીને લીધે શોરૂમના ઉદ્દઘાટન માટે આવેલા અભિનેતા રણબીર કપૂરને પણ ચિંતા પેઠી હતી.

સ્ટેજ ઉપર નાનકડું પરફોર્મન્સ કરવાનું હતું પરંતુ ભાગદોડ થતાં તેણે પરફોર્મન્સ કરવાનું પડતુ મૂક્યુ હતું. કોઈ અપ્રિય ઘટના બને તો પોલીસ તપાસમાં ફસાવું પડે એવું જોતાં રણબીર કપૂર પરફોર્મન્સ આપ્યા વગર જ સ્ટેજ ઉપરથી સીધો એરપોર્ટ રવાના થઈ ગયો હતો.

એટલું જ નહીં રણબીરે પ્રેસ કોન્ફરન્સ કરવાનું પણ પડતુ મૂક્યુ હતું. તેની સિક્યુરિટી માટે ૫૦ પોલીસ અને ૪૦ પ્રાઇવેટ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. સાંજે ૭ઃ૩૦ ની તેની ચાર્ટડ ફ્લાઇટ હોવા છતાં રણબીર કપૂર ૬ઃ૧૫ કલાકે પર્સનલ સ્ટાફને લઈ સીધો એરપોર્ટ ભાગ્યો હતો. કાર્યક્રમ સ્થળથી ભાગી છૂટેલો રણબીર કપૂર સુરત એરપોર્ટની વીઆઇપી લાઉન્જમાં ફલાઇટની રાહ જોતો દેખાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.