Western Times News

Gujarati News

કોંગ્રેસ કરોડો દેશવાસીઓને લખપતિ બનાવશેઃ રાહુલ ગાંધી

દમણ અને પાટણમાં રાહુલ ગાંધીની સભા યોજાઈ

(પ્રતિનિધી) દમણ, કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે સંઘ પ્રદેશ દમણ અને પાટણમાં જંગી જાહેર સભાઓને સંબોધી હતી જેમાં ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કરોડો દેશવાસીઓને લખપતિ બનાવશે.

સંઘપ્રદેશ દમણમાં મોટી દમણ લાઈટ હાઉસ ખાતે રાહુલ ગાંધીએ ઉપસ્થિત રહી દમણ-દિવની જનતાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાહુલ ગાંધીએ દમણ દિવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને અને દાદરા નગર હવેલીના ઉમેદવાર અજિત માહલાને મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરી હતી.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના દમણ-દિવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને દાદરા નગર હવેલીના ઉમેદવાર અજિત માહલાના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દમણમાં જનસભાને સંબોધિત કરી હતી. જનસભામાં રાહુલ ગાંધીએ ભાજપ પાર્ટી, નરેન્દ્ર મોદી, અંબાણી, અદાણી અને દમણ-દિવ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલને આડે હાથ લઈ કોંગ્રેસના બન્ને ઉમેદવારને આ ચૂંટણીમાં બહુમત સાથે જીતાડવા આહવાન કર્યું હતું.

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં. રાહુલ ગાંધીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું. ભારતના ઈતિહાસમાં આ પહેલી ચૂંટણી છે. જેમાં અલગ-અલગ વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસ દરેક અલગ પ્રદેશ, રાજ્યની, સંસ્કૃતિની ભાષાની રક્ષા કરવાની વાત કરે છે.

જ્યારે બીજી તરફ ભાજપ એક દેશ, એક ભાષા અને એક લીડરની વાત કરે છે જેની સામેની આ લડાઈ છે.દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દમણ દિવ દાદરા નગર હવેલીના લોકો માટે તકલીફ એ છે કે, નરેન્દ્ર મોદીએ પ્રફુલ પટેલને સંઘ પ્રદેશમાં લોકોની ઉપર રાજાની જેમબેસાડી દીધો છે. જે પ્રજાના ઘર તોડી રહ્યા છે.લોકોને તંગ કરી રહ્યા છે. આવું પૂરા દેશમાં થઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદી પાસે ED, CBI, પોલીસ બધી જ સંસ્થાઓ છે. તે સંવિધાનને ખતમ કરી ૨૦ થી ૨૨ અબજપતિઓને ફાયદો કરાવવા માંગે છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓને નુકસાન કરી અદાણી, અંબાણીને ફાયદો કરાવ્યો છે. જો ભાજપ આવા ૨૦-૨૫ લોકોને અરબપતિ બનાવી શકે તો, કોંગ્રેસ કરોડો દેશવાસીઓને લખપતિ બનાવી શકે છે. જે અંગે તેને કોંગ્રેસની પાંચ ન્યાય યોજનાની વાત કરી હતી.

આજે પાટણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ચૂંટણી સભામાં શક્તિસિંહ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ‘જય બહુચર માતાજી, જય અંબાજી બોલીને કરી સંબોધનની શરૂઆત કરી હતી.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં ૯૦ ટકા લોકો જીએસટી ચૂકવે છે અને ૨૨ લોકોના ખિસ્સામાં આ જીએસટી જાય છે. ૨૪ કલાક કામ કરનાર ખેડૂતો પણ જીએસટી ચૂકવે છે. ખેડૂતોનું દેવુ માફ કેમ નથી કરવામાં આવતુ નથી. ૨૨ લોકોની વડાપ્રધાન મોદી સાથે દોસ્તી છે. કાંગ્રેસનું પ્રથમ કામ જાતિ જનગણના હશે. જાતિ જનગણના બાદ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં બે વિચારધારાની લડાઈ છે. ભાજપ-આરએસએસના લોકો બંધારણને ખત્મ કરવા માંગે છે. કોંગ્રેસ-ગઠબંધન બંધારણની રક્ષા કરે છે. બંધારણ બદલવાનું ભાજપના નેતાઓ જાહેરમાં બોલે છે. બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે. ૨૨-૨૫ લોકો હિંદુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે એ પીએમની ઈચ્છા છે. ૨૨ લોકોની સંપતિ ૭૦ કરોડ ભારતીયો જેટલી છે. યુપીએની સરકારમાં ખેડૂતો પરનું દેવું માફ કરાયું હતું. મોદી સરકાર ઉદ્યોગપતિની સરકાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.