Western Times News

Gujarati News

ઘરમાં ક્લિનિક, હોસ્પિટલ બનાવી સર્જરી કરનારા તબીબો લોકોના જીવ સાથે રમત રમે છે: હાઇકોર્ટ

નવી દિલ્હી, માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ જેટલા દર્દીએ આંશિક અને સંપૂર્ણ રીતે આંખોની દૃષ્ટિ ગુમાવતાં સર્જાયેલા અંધાપા કાંડ મુદ્દે સુઓમોટો રિટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માઇની ખંડપીઠે સરકારને એવી માર્મિક ટકોર કરી હતી કે,‘અનેક હોસ્પિટલો કે ક્લિનિક ડોક્ટરો તેમના ઘરમાં ચલાવે છે અને કાયદાથી વિરૂદ્ધ જઇ સર્જરીઓ પણ કરે છે! આ તબીબો લોકોના જીવ સાથે રમત રમે છે, જે અત્યંત જોખમી બાબત છે.’

રાજ્ય સરકારે કહ્યું હતું કે,‘એકથી ૫૦ પથારી ધરાવતી ક્લિનિક, હોસ્પિટલો માટે પણ હવે નવા સુધારેલા નિયમો હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

એટલું જ નહીં, જો કોઇ કાયદા કે નિયમોનો ભંગ કરશે તો પહેલીવાર ૧૦ હજાર અને બીજી વાર ૫૦ હજાર દંડ કરાશે.’ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા પાસે આવેલા માંડલ ખાતેની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં સર્જાયેલા અંધાપાકાંડની સુઓમોટો રિટની સુનાવણીમાં રાજ્યા સરકાર તરફથી કમલભાઇ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે,‘ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ્મેન્ટ્‌સ રૂલ્સ ઘડવામાં આવ્યા છે. અગાઉ ૫૦ બેડથી ઓછી બેડની હોસ્પિટલ કાયદા હેઠળ કવર નહોતી, પરંતુ હવે આ રૂલ્સમાં બધી જ હોસ્પિટલો કવર થઇ જાય છે.

જોકે, હાલ સ્ટેટ કાઉન્સિલ સંપૂર્ણપણે કાર્યરત નથી, પરંતુ એના માટેની કાર્યવાહી ચાલી રહી છે.’ હાઇકોર્ટે ટકોર કરી હતી કે,‘મિનિમમ સ્ટાન્ડર્ડ શું સેટ કરવામાં આવ્યા છે? રજિસ્ટ્રેશન પહેલાં કોઇ ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે કે કેમ?’ સરકારે કહ્યું હતું કે,‘ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે અને જે પ્રકારની હોસ્પિટલ કે તબીબી સેવા હોય તે મુજબની તપાસ કરવામાં આવે છે.’

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માત્ર ઔપચારિકતા ન બની રહે એવી ટકોર હાઇકોર્ટે કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, સ્ટેટ કાઉન્સિલ કાર્યરત નથી ત્યારે ઇન્સ્પેક્શન કઇ રીતે થઇ શકે. રજિસ્ટ્રેશન પહેલાં જો ઇન્સ્પેક્શન ન થાય તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની જશે. રજિસ્ટ્રેશન વિના અનેક લોકો ઘરમાં ક્લિનિક ચલાવે છે અને સર્જરી પણ કરે છે.

એલોપેથી તબીબો પણ સર્જરી કરે છે. દરેકને કંઇને કંઇ પણ નાણાકીય લાભ પણ આવી પદ્ધતિથી ચાલતા ક્લિનિકને કારણે મળે છે. ડોક્ટરે ઘરમાં સર્જરી કરી હતી એવી ચોંકાવનારી ઘટનાઓ અમારી સામે આવી છે. જે ખૂબ ડરામણી છે. આવી અનેક ઘટના હોઇ શકે કે જેમાં લોકોની જિંદગી સાથે રમત રમવામાં આવે છે. તેથી આ મામલે મિનિમમ સ્ટાન્ડર્ડ તો હોવા જોઇએ.’

સરકારે કહ્યું હતું કે,‘રાજ્ય સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળના નિયમોમાં જરૂરી સુધારાવધારા કરાયા છે. ઇન્સ્પેક્શનની જોગવાઇ, તબીબી લાઈસન્સ, ટેકનિકલ સ્ટાફ અને મશીનરીની ચકાસણીની જોગવાઇ કરાઇ છે. તે સિવાય નિયમ ભંગ કરનારને પહેલી વાર ૧૦ હજાર અને બીજી વાર ૫૦ હજાર દંડની જોગવાઇ કરવામાં આવી છે.’

કોર્ટે કહ્યું હતું કે,‘પરંતુ આવા લોકો પાસે પૂરતા રૂપિયા છે અને તેઓ રૂપિયા આપીને છૂટી જશે અને પોતાની રીતે ગમે તેમ ક્લિનિક કે તબીબી સેવાઓ ચાલુ રાખી લોકોના જીવ સાથે ચેડાં કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.