Western Times News

Gujarati News

અમદાવાદમાં કોલેરાનો કાળો કહેરઃ 18 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

અમરાઈવાડી, દાણીલીમડા, વસ્ત્રાલ, વટવા, લાંભા, મણિનગર, ગોમતીપુર વોર્ડમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ અને જીવલેણ માનવામાં આવતા કોલેરાના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. Cholera outbreak in Ahmedabad: 18 cases were registered

મ્યુનિ. કોર્પો. દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહયા છે પરંતુ આ તમામ કાર્યવાહી અપુરતી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહયું છે.

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. ચાલુ મહિનામાં કોલેરાના ૧૮ કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયું છે. ચાલુ વર્ષ દરમિયાન માત્ર ૪ મહિનામાં જ કોલેરાના ૪૦ કેસ કન્ફર્મ થયા છે જેની સામે ર૦રરના સમગ્ર વર્ષ દરમિયાન માત્ર ૧પ કેસ જ નોંધાયા હતાં. કોલેરાના કેસ અમરાઈવાડી, વટવા, દાણીલીમડા, મણીનગર, લાંભા, વસ્ત્રાલ, ભઈપુરા અને ઈન્દ્રપુરી વોર્ડમાં કન્ફર્મ થઈ રહયા છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ પાણીજન્ય રોગચાળા માટે હવે માત્ર પ્રદુષિત પાણી જ જવાબદાર રહયું નથી પરંતુ ખોરાક પણ તેના માટે જવાબદાર બને છે. ખુલ્લેઆમ વેચાણ થતાં અખાદ્ય પદાર્થો પણ પાણીજન્ય રોગચાળા માટે જવાબદાર છે. કોલેરાના રોગચાળાના દર્દીઓમાં મહદઅંશે નાના બાળકો તથા સીનીયર સીટીઝનો જોવા મળે છે.

શહેરમાં કોલેરા ઉપરાંત ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ અને કમળાનો રોગચાળો પણ વધી રહયો છે. એપ્રિલ મહિનામં ઝાડા-ઉલ્ટીના ૧૩૬૬, કમળો-૧૪૧ અને ટાઈફોઈડના ૩ર૩ કેસ નોંધાયા છે. મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કલોરિન ટેસ્ટ પણ કરવામાં આવી રહયા છે. એપ્રિલ મહિનામાં ૧પ૪૦૦ ઘરોમાંથી કલોરિન ટેસ્ટ કર્યાં હતા

જે પૈકી પ૪૪ સ્થળે નીલ કલોરિનનો રિપોર્ટ આવ્યો હતો જયારે ૪૪૬૪ સ્થળોએ બેકટેરિયાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૩૪ સ્થળે સેમ્પલ અનફીટ જાહેર થયા હતાં.

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ઉંચો જવાની સાથે મચ્છરજન્ય રોગચાળાનો આંક નીચે આવી રહયો છે. એપ્રિલ મહિનામાં સાદા મેલેરિયાના ૩૧, ઝેરી મેલેરિયાના ૦ર, ડેન્ગ્યુ-૩૬ અને ચીકનગુનિયાનો ૧ કેસ નોંધાયો છે પરંતુ સ્વાઈન ફલૂના કેસમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. ર૭ એપ્રિલ સુધી સ્વાઈન ફલૂના ૧ર૬ કેસ નોંધાયા છે જેમાં મધ્યઝોનમાં ૧૦, પશ્ચિમ-૩પ, ઉ.પ.ર૯, દ.પ.-૮, પૂર્વ-૮, ઉત્તર-ર૧ અને દક્ષિણ ઝોનમાં ૧પ કેસ કન્ફર્મ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.