Western Times News

Gujarati News

મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

(માહિતી બ્યૂરો)મહીસાગર, સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ યોજાઈ રહી છે તો સાથે સાથે લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહ પણ છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે જેમ ક્રિકેટમાં પ્રત્યેક રન અને વિકેટ કિંમતી છે

તેમ લોકશાહીના પર્વ ચુંટણીમાં પ્રત્યેક મત કિંમતી છે માટે સ્વસ્થ લોકશાહી માટે મહત્તમ મતદાનના સંદેશ સાથે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞાનું વાંચન કરાયું હતું.

આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કલેકટર કચેરીની મહિલા ટીમ સામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચંદ્રિકાબેન ભાભોરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં કલેકટર ટીમનો વિજય થયો હતો. જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને વિમેન ઓફ ધી મેચને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી સી વી લટાએ ટ્રોફી આપી સન્માનિત કરી

અભિનંદન પાઠવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં જિલ્લા તંત્રના મહિલા અધિકારીઓ, કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની પૂર્ણતાએ જિલ્લા કલેકટરશ્રીએ તમામ સહયોગીઓને અભિનંદન પાઠવતા મતદાતાઓને પ્રત્યેક મતની કિંમત સમજાવી મતદાર જાગૃતિનો સંદેશ પ્રસરાવવા સૌના યોગદાનની અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.