Western Times News

Gujarati News

ક્રેડિટ કાર્ડની લાલચે 20 વખત નાની-મોટી રકમ ભરાવીને 2.79 લાખ ગઠીયાએ પડાવ્યા

ક્રેડિટ કાર્ડ આપવાના બહાને યુવક પાસેથી ગઠિયાઓએ ર.૭૯ લાખ સેરવી લીધા

અમદાવાદ, ઈસનપુરમાં રહેતા એક યુવકે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ લેવા માટે એપ્લાય કરતાં તેને અલગ અલગ બહાના હેઠળ કુલ ર૦ વખત નાની-મોટી રકમ ભરાવીને કુલ ર.૭૯ લાખની સાયબર ગઠિયાઓએ પડાવી લીધા છે. આ અંગે યુવકે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઈસનપુરની શિવાપાર્ક સોસાયટીમાં રહેતા અને ઈલેકટ્રીશિયનનું કામ કરતાં સૌરભ રમેશભાઈ સથવારાએ ગત ૬ ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ જોતી વખતે ક્રેડિટ કાર્ડની જરૂર હોવાથી રિલ્સમાં આપેલી લિન્ક પર ક્લિક કરીને નામ, આધાર કાર્ડ નંબર, પાનકાર્ડ વગેરે વિગતો ભરી હતી.

થોડીવારમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું ઈઝી પે બેંગ્લુરૂથી બોલું છું. ત્યારબાદ સૌરવને વિશ્વાસમાં લઈને રૂ.૯૯૯ ભરીને ક્રેડિટ કાર્ડ મળી જશે તેમ કહીને વોટ્‌સએપ પર એક ક્યુઆર મોકલ્યો હતો. સૌરવે ઓનલાઈન ગૂગલ પેથી રૂપિયા ભર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે, હમણાં તમારા નંબર પર મારા સાહેબનો ફોન આવશે.

થોડા કલાકો પછી બેંગ્લુરૂ ઈઝી પીમાંથી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું તેમ કહીને અન્ય એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કાર્ડના ઈન્સ્યોરન્સ માટ રૂ.ર૬પ૦ ભરવાના કહી બીજા રૂપિયા ભરાવ્યા હતા. ત્યારબાદ જીએસટીના ૯ ટકા લેખે રૂપિયા ભરવા પડશે અને તે બાદમાં પરત મળી જશે તેમ કહીને રૂ.૯૯૦૦ ભરાવ્યા હતા. ત્યારબાદ કંપનીના પૈસા હાલમાં ઈશ્યુ થતાં ન હોવાથી પૂરા ૧૮ ટકા જીએસટીના ભરવાનું કહેતા સૌરભે બીજા રૂપિયા ભર્યા હતા.

આટલુ કર્યા બાદ ટીડીએસના ૧ર ટકા ભરવાનું અને તે બાદમાં રિફંડ મળી જશે તેમ કહેતા સોરભ પાસેથી વધુ ૬૬૦૦ ભરાવ્યા હતા. ફરી ૧ર ટકા ભરવાનું કહેતા તેણે બીજા રૂ.૬૬૦૦ ભર્યા હતા.

બીજા દિવસે ફરી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને બેંગ્લુરૂથી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના હેડ બોલતા હોવાનું કહીને ટીડીએસના પૈસા ટુકડે ટુકડે ભર્યા હોઈ એકસાથે ભરશો તો જ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ થશે તેમ કહેતા સૌરભે ઈન્કાર કર્યોે. જો કે, તેમને બધા પૈસા પાછળથી રિફંડ મળશે તેવી વાતો કરી વિશ્વાસમાં લઈને ફરી સૌરભ પાસે રૂ.૧૩,ર૦૦ ભરાવ્યા હતા

આમ એક પછી એક એમ અલગ અલગ બહાના હેઠળ સાયબર ગઠિયાઓએ ર૦ વખત નાની મોટી રકમનું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરીને સૌરભ સથવારા પાસેથી કુલ રૂ.ર,૮૭,૮૧૯ સેરવી બહાના બતાવીને ક્રેડિટ કાર્ડ કે રિફંડની રકમ નહીં મોકલી છેતરપિંડી આચરી હતી. આ અંગે જે તે સમયે સૌરભે સાયબર ક્રાઈમના પોર્ટલમાં અરજી કરી હતી જે ઈસનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.