Western Times News

Gujarati News

નિરાશાનો છેડો ફાડી આશાવાદી બનો!

આ જગતમાં કેટલાક માણસો પ્રકૃતિથી જ નિરાશાવાદી જ હોય છે. તેઓ કોઈ પણ કામ કરતા પહેલાં પોતે સફળ નહિ થાય તેવા વિચારોથી ઘેરાયેલા રહેતા હોય છે અને છેવટે તેઓ પોતાની મંજિલ પર પંહોચવાને અશક્તિમાન રહે છે.

નિરાશાવાદીઓ હતાશામાં રહેવાથી તથા નકારાત્મક વિચારોનાં વમળમાં ફસાતા હોવાથી કોઈક વખત આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે. સફળતા કે નિષ્ફળતા તે તો પોતાના મનના વિચારો પર જ નિર્ભર હોય છે. નિરાશા એ માનસિક રોગ જ છે. આ રોગથી પીડાતા માનવીઓ નકારાત્મક વિચારથી ફસાયેલા હોવાથી તેઓનાં મનમાં હકારાત્મક વિચારોનો પ્રવેશ થતો નથી.

નિરાશા એ કેન્સર જેવો અસાધ્ય રોગ છે જેમાંથી બહાર નીકળવું એ બહુ જ કઠીન છે. નિરાશાની ખાઈમાં સરી પડતા વિચારવાની શક્તિ ગુમાવી દેતા એ વ્યક્તિઓ કદી ઉભા થઈ શકતા નથી. નિરાશાવાદીઓની છાપ સમાજમાં જરા પણ ઉપસતી ન હોવાથી લોકોમાં તેઓની ગણતરી થતી નથી.

લઘુતાગ્રંથિથી પીડાતો માનવી હરહમેંશ હતાશામાં જ રહેતો હોવાથી તેઓના જીવનમાં ઉત્સાહનો અભાવ વર્તાય છે. તેઓ હરહમેંશ રડતા જ રહેવાથી નિરાશારૂપી તળેટીમાં જ ભટક્યા કરે છે. તેઓ ઉદાસીન જ રહે છે અને તેઓ કદી આશારૂપી શિખર પર ચડી શકતા નથી.

નિષ્ફળતાથી નિરાશાનો જન્મ થાય છે. નિરાશામય વિચારો આવવાથી પોતાનો આત્મવિશ્વાસ ડગી જાય છે. પરંતુ જો નકારાત્મક વિચારો ત્યજીને હકારાત્મક વિચારો અપનાવતા માનવી જીવનમાં ઉલ્લાસ, ઉમંગ તથા ઉત્સાહની દુનિયામાં રાચે છે.

હાસ્યરસ પીરસવાથી તથા સંઘર્ષ ખેલવાથી માનવીનાં જીવનમાં નિરાશા અલિપ્ત થઈ જાય છે તથા નિરાશારૂપી રોગનું નામોનિશાન રહેતું નથી. જ્યારે માનવી આશા રાખીને તથા પુરૂષાર્થ કરતા આગળ ને આગળ વધતો જાય ત્યારે નિરાશા પોતાનાથી દૂર ને દૂર ભાગતી રહેશે.

આવેલી તકને ઓળખી ન શકતા નિરાશાવાદી માનવી કદી સફળ નથી થઈ શકતો. તેઓ જિંદગીભર આગળ આવી શકતા નથી.
અમુક હતાશ માનવી બીજાને મળતા નિરાશાની જ વાતો કરતા હોવાથી આ નિરાશારૂપી રોગ પણ બીજા માનવીને પણ લાગતા તે પણ નિરાશાવાદીની વાતોમાં આવી

જતા હતાશ બની જાય છે. ગમે તેવું દુઃખ આવી પડે તો પણ હસતા રહેવાથી નિરાશા તેના જીવનમાં ફરકશે નહિ. માનવીએ આશાવાદી બનવું જોઇએ. કાળા માથાનો માનવી જો ધારે તો શું નથી કરી શકતો. એના મનમાં કે વિચારોમાં કદી ‘ના’ કે ‘નહિ’ તથા નકારાત્મક શબ્દોનો સમાવેશ હોતો નથી.

વેપાર કરતી વખતે જો વેપારી નુકસાન કે મંદીની જ વાતો કરતો રહે તો તેને પોતાના ધંધામાં બરકત મળતી નથી. જો વિદ્યાર્થીઓ પણ સારા ગુણોથી સફ્‌ળ નહિ થવાય તેવા વિચારો કરશે તો તેઓ હકીકતમાં નાપાસ થશે કે સારા ગુણોથી વંચિત રહેશે. કલાકાર મનથી હારી જશે તો તે પોતાની કળા બરાબર પ્રદર્શિત કરી નથી શકતો.
ઉદાસીન પ્રકૃતિથી શરીરની શક્તિ પણ ક્ષીણ થતી જાય છે અને એ માનસિક રોગનો શિકાર બની જાય છે. ઉંઘ ઓછી આવવી, લોહીનાં દબાણની તીલીફ, અપચો, માથાનો દુખાવો તથા કોઈક વખત ફીટ પણ આવી શકે છે. તેમની નિર્ણય લેવાની શક્તિ પણ ક્ષીણ થતી જાય છે. ઉદાસીનતાને ખંખેરીને પ્રકૃતિના સંગે ચાલવાથી મનને ઘણી શાંતિ મળે છે. નદી કિનારે ફરવા જતા, ચાલવાથી કે દોડવાથી, અથવા કસરત કે યોગા કરવાથી પ્રકૃતિનો આનંદ લૂંટવાથી તેઓના મનમાં પરિવર્તન આવશે તથા તેઓ માનસિક રીતે સજ્જ થશે.

માનવીએ નિરાશારૂપી શત્રુને મહાત કરવા આશારૂપી મિત્રોનો સહારો લઈ તેની સામે ઝઝૂમતા સફળતાનો કિનારો દેખાશે. નિરાશાથી બચવા *હસતા રહો*
નામના જાદુના ચમત્કારથી માનવી નિરાશાવાદીમાંથી આશાવાદી બની શકે છે. *હાસ્ય* એ નિરાશારૂપી રોગનો રામબાણ ઇલાજ છે તથા ચિંતા નામની પરહેજી પાળતા તે હતાશાના રોગથી મુક્ત થઈ શકે છે.

જિંદગીમાં સંઘર્ષ કરતા કરતા પોતાનામાં આત્મબળ વધતા તથા મનોબળ મજબૂત થતા તેનામાં આશાના કિરણો દેખા દે છે તથા સુખી થવાય છે. આશાવાદી માનવી કદી નકારાતક વિચારો કરતો નથી તથા પુરુષાર્થ કરતા કંઈક ફળ મળશે તેવી આશા માનવીને જીવન જીવવા સાર્થક બનાવે છે.

માનવી જ્યારે પોતાના જીવનમાં *આશા* અમર છે નામનો સિદ્ધાંત અપનાવે છે ત્યારે તે કદી પાછો પડતો નથી તથા આશા સાથે જીવતો માણસ પોતાનું જીવન જીવી જાણે છે અને તે લોકોમાં પણ પ્રિય બની રહે છે.

સારું જ થવાનું છે તેવી આશા રાખતા પુરુષાર્થ કરતા જીવનમાં બળરૂપી ઉર્જા મળતા તે માનવી જીવનમાં કદી નિરાશ નહિ થાય. ‘મારાથી આ નહિ થાય’ અથવા હું જીતી નહિ શકું તેવા નકારાત્મક વિચારો જ માનવીને પાછો પાડે છે અને તેને આવા વિચારો અડચણ રૂપ બને છે.

આશારૂપી ધજા લહેરાવવાથી નિરાશા કદી જીવનમાં ફરકશે નહિ. નિરાશા સામે ઝઝૂમવાનો એક સરળ ઉપાય છે ‘હસતા-હસતા સંઘર્ષ કરો’ . સંઘર્ષ જીવનમાં નુકસાન કરતા લાભ કરાવે છે તથા માનવીમાં છુપાયેલી શક્તિ બહાર આવી શકે છે તથા સમાજમાં પોતાની છાપ સારી રીતે ઉપસી શકે છે.

સંઘર્ષથી માનવી ઘણું શીખી શકે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓથી ડરવાનેબદલે એને હસતા-હસતા સ્વીકારીને તેનો સામનો કરો, સંઘર્ષ કરો. મુશ્કેલીઓ તો જિંદગીમાં કર્માનુસાર આવતી રહેશે પરંતુ તેની સામે સંઘર્ષ કરતા તે જતી પણ રહેશે, જેથી ગભરાયા વગર સંઘર્ષ ખેલતા ખેલતા જિંદગી જીવી જાણો.
‘નિરાશાવાદી મટી આશાવાદી બનો!’

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.