Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના 1995 મતદાન મથકો પર મંડપ અને 778 મતદાન મથકો પર કૂલરની સુવિધા કરાશે

પ્રતિકાત્મક

અમદાવાદ જિલ્લામાં ચૂંટણીના દિવસે મતદારો માટે સૌપ્રથમ વખત ખાસ વ્યવસ્થા: –દરેક મતદાન મથક દીઠ 5 પીવાના પાણીના જગ અને પૂરતા પ્રમાણમાં ORS પૂરું પડાશે

સિનિયર સિટીઝનો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 2438 જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા

કાળઝાળ ગરમીના સમયમાં મતદારોને તકલીફ ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન કરવા આવનાર નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમ વખત ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

હીટ વેવના વરતારા જોતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારોને મતદાન કરવાની લાઈનમાં ગરમીમાં રાહત માટે ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમવાર ખાસ આયોજન કરાયું છે. અમદાવાદ જિલ્લામાં આવેલા અને જરૂરિયાત જણાઈ છે, એવા કુલ 1995 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા અને ત્રણ કે તેથી વધારે બુથ ધરાવતા 778 મતદાન મથકો પર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ દિવસે દરેક મતદાન મથક દીઠ પીવાના પાણીના પાંચ-પાંચ જગની વ્યવસ્થા કરાશે અને દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ORS પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત લોકોના આરોગ્યની જાળવણી માટે દરેક રૂટ પર સેક્ટક ઓફિસર સાથે એક આરોગ્ય શાખાના કર્મચારી રાખવામાં આવશે. ગરમીની સીઝનમાં ભોગ બનનાર વ્યક્તિના લક્ષણોની ઓળખ તથા તે માટે શું સારવાર આપવી તે પોલિંગ સ્ટાફને સેકન્ડ ટ્રેનિંગ વખતે આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી છે.

મતદાન મથકો સિનિયર સિટીઝનો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 2438 જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દરેક મતદાન મથક દીઠ બે વોલીન્ટિયર્સની વ્યવસ્થા રાખવામાં આવી છે.

મતદારોની સાથે સાથે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિધાનસભા કક્ષાએ વેલ્ફેર નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. દરેક વિધાનસભા કક્ષાએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.