ગોધરા ખાતે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લાભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૭મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) ગોધરા, જગતગુરુ શ્રીમદ વલ્લાભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ગોધરા સહિત જિલ્લાના વૈષ્ણવ મંદિરોમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ભક્તિપૂર્વક કરવામાં આવી હતી. ૧૧ વર્ષની બાળવયે શ્રીમદ વલ્લાભાચાર્યએ ભારત વર્ષનો પરિભ્રમણ કરવાનો સંકલ્પ શરૂ કર્યો
અને ભગવાનથી વિમુખ થઈ ગયેલા જીવોને સન્મુખ કરવા માટે આ યાત્રાનો પ્રારંભ કર્યો. જે અંતર્ગત ભારત વર્ષમાં પરિક્રમા દરમિયાન શ્રી વલ્લભ પ્રભુ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં તેઓશ્રીએ ભાગવત સપ્તાહનું પારાયણ કરીને તે ભૂમિને વ્રજ સમાન બનાવી દીધી. સમગ્ર ભારત વર્ષમાં ૮૪ સ્થળોને બેઠકજી તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ બેઠકોમાં ઝારી ચરણસ્પર્શ અને દર્શનનો લાભ લઈ વૈષ્ણવો ધન્યતા અનુભવે છે.
ગોધરા ખાતેની ૭૦ મી બેઠક રાણાવ્યાસવાળી તરીકે ઓળખાય છે. મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંત એ જ છે કે આપને મંદિરમાં પ્રભુને મળવા જઈએ એ તો ઉત્તમ છે પરંતુ આપનું ઘર જ મંદિર બને એ સર્વોત્તમ. આચાર્યશ્રીએ જીવોના કલ્યાણનો માર્ગનો ઉપદેશ આપવા ત્રણ વખત ભારત વર્ષની પરિક્રમા કરીને સર્વને શ્રીમદ ભગવતનું રહસ્ય સમજાવ્યું હતું.
પુષ્ટિ સંપ્રદાયના પ્રણેતા આચાર્યશ્રી મહાપ્રભુજીના ૫૪૭માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે રાણા વ્યાસવાળી બેઠક ગોધરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સપ્તાહ અગાઉ દરરોજ શયન દર્શન બાદ સમાજ અને આગલા દિવસે મોટા સમાજનું આયોજન કરવામાં આવતા વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મંગળા, ધ્વજવંદન, કેસર સ્નાન, પલના નંદોત્સવ, રાજભોગ તિલક આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.